18મી સપ્ટેમ્બરથી શરૂ થનારા સંસદના 5 દિવસીય વિશેષ સત્રમાં ‘ઈન્ડિયા’નું ‘ભારત’ કરવામાં આવે તેવી શક્યતા

18મી સપ્ટેમ્બરથી શરૂ થનારા સંસદના વિશેષ સત્રમાં ‘ઈન્ડિયા’ના સ્થાને ‘ભારત’ શબ્દ લાગુ કરવાનો ઠરાવ રજૂ કરવામાં આવે તેવી શક્યતા જણાઈ રહી છે. ત્યારે આ બધા વચ્ચે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની એક ટ્વિટના કારણે સનસનાટી મચી ગઈ છે. હિમંતા બિસ્વા સરમાએ લખ્યું હતું કે, “ભારત ગણરાજ્ય (REPUBLIC OF BHARAT), આનંદ અને ગર્વ અનુભવાઈ રહ્યો છે […]

Share:

18મી સપ્ટેમ્બરથી શરૂ થનારા સંસદના વિશેષ સત્રમાં ‘ઈન્ડિયા’ના સ્થાને ‘ભારત’ શબ્દ લાગુ કરવાનો ઠરાવ રજૂ કરવામાં આવે તેવી શક્યતા જણાઈ રહી છે. ત્યારે આ બધા વચ્ચે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની એક ટ્વિટના કારણે સનસનાટી મચી ગઈ છે. હિમંતા બિસ્વા સરમાએ લખ્યું હતું કે, “ભારત ગણરાજ્ય (REPUBLIC OF BHARAT), આનંદ અને ગર્વ અનુભવાઈ રહ્યો છે કે, આપણી સભ્યતા સાહસપૂર્વક અમૃતકાળ તરફ આગળ વધી રહી છે.”

“કોંગ્રેસને ફક્ત વિશેષ પરિવારના ગુણગાનથી મતલબ”

એક અહેવાલ પ્રમાણે વડાપ્રધાન મોદી 18મી સપ્ટેમ્બરથી શરૂ થનારા સંસદના 5 દિવસીય વિશેષ સત્રમાં ઈન્ડિયાનું નામ બદલીને ભારત કરવા માટેનો પ્રસ્તાવ લાવે તેવી શક્યતા છે. ત્યારે ‘ભારત’ નામને લઈ વિપક્ષ દ્વારા જે સવાલો કરવામાં આવી રહ્યા છે તે અંગે કેન્દ્રમાં સત્તાધારી પાર્ટી ભાજપના પ્રમુખ જેપી નડ્ડાએ કોંગ્રેસ પાર્ટીને દેશના સન્માન અને ગૌરવ સાથે સંકળાયેલા દરેક વિષય સામે આટલો વાંધો શા માટે છે તેવો સવાલ કર્યો હતો. વધુમાં ‘ભારત જોડો’ નામથી રાજકીય યાત્રાઓ કરનારાઓને ‘ભારત માતા કી જય’ના ઉદ્ઘોષોથી નફરત શા માટે છે તેમ પણ કહ્યું હતું. 

આ સાથે જ જેપી નડ્ડાએ ગાંધી પરિવાર પર નિશાન સાધીને કહ્યું હતું કે, “સ્પષ્ટ છે કે કોંગ્રેસના મનમાં દેશ પ્રત્યે સન્માન નથી અને દેશના બંધારણ પ્રત્યે કે દેશની બંધારણીય સંસ્થાઓ માટે પણ સન્માન નથી. તેને તો ફક્ત એક વિશેષ પરિવારના ગુણગાનથી મતલબ છે. કોંગ્રેસના દેશવિરોધી અને બંધારણ વિરોધી ઉદ્દેશોને આખો દેશ સારી રીતે ઓળખે છે.”

G20 ડીનર ઈન્વિટેશનમાં ઈન્ડિયાના સ્થાને ભારત

હકીકતે દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે આગામી તારીખ 9 અને 10 સપ્ટેમ્બરના રોજ G20ની બેઠક યોજાવાની છે. આ બેઠકના ડીનરમાં સામેલ થવા માટે રાષ્ટ્રપતિ ભવનથી એક ઈન્વિટેશન કાર્ડ મોકલવામાં આવ્યું છે. કોંગ્રેસી નેતા જયરામ રમેશ દ્વારા લગાવવામાં આવેલા આરોપ પ્રમાણે આમંત્રણ કાર્ડ પર ‘પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયા’ના બદલે ‘પ્રેસિડેન્ટ ઓફ ભારત’ લખેલું છે. 

કોંગ્રેસી નેતાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર લખ્યું હતું કે, “આ સમાચાર ખરેખર સાચા છે. રાષ્ટ્રપતિ ભવને 9 સપ્ટેમ્બરના રોજ યોજાનાર G20 ડીનર માટે જે ઈન્વિટેશન કાર્ડ મોકલ્યું છે તેમાં ઈન્ડિયાના બદલે ભારત લખેલું છે.”

વધુમાં લખ્યું હતું કે, બંધારણના અનુચ્છેદ 1 પ્રમાણે INDIA જેને ભારત કહીએ છીએ તે રાજ્યોનો એક સંઘ હશે પરંતુ હવે આ રાજ્યોના સંઘ પર પણ હુમલો થઈ રહ્યો છે. આ તરફ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે બુધવારે નાગપુર ખાતે યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન દેશના યુવાનો ઘરડા થશે ત્યાં સુધીમાં અખંડ ભારત જોવા મળશે તેવો દાવો કર્યો હતો.