ભારત-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોર આગામી સેંકડો વર્ષો સુધી વિશ્વ વ્યાપારનો આધાર બનશે: વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીએ રેડિયો પ્રોગ્રામ મન કી બાતના 105મા એપિસોડ દ્વારા દેશવાસીઓ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ G20 સમિટ, ચંદ્રયાન-3ની સફળતા, ભારત-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોર કરાર સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, G20 વખતે જ્યારે વિશ્વભરના નેતાઓ બાપુને શ્રદ્ધા સુમન અર્પિત કરવા માટે પહોંચ્યા હતા […]

Share:

વડાપ્રધાન મોદીએ રેડિયો પ્રોગ્રામ મન કી બાતના 105મા એપિસોડ દ્વારા દેશવાસીઓ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ G20 સમિટ, ચંદ્રયાન-3ની સફળતા, ભારત-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોર કરાર સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, G20 વખતે જ્યારે વિશ્વભરના નેતાઓ બાપુને શ્રદ્ધા સુમન અર્પિત કરવા માટે પહોંચ્યા હતા તે ઘટનાને દેશ કદી નહીં ભૂલી શકે.

ચંદ્રયાન-3ની સફળતાનો ઉલ્લેખ

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, “જ્યારે ચંદ્રયાન-3નું લેન્ડર ચંદ્રમા પર ઉતરાણ કરવાનું હતું ત્યારે કરોડો લોકો વિવિધ માધ્યમો દ્વારા તે ઘટનાની પળ પળના સાક્ષી બન્યા હતા. ISROની યુટ્યુબ લાઈવ ચેનલ પર 80 લાખથી પણ વધારે લોકોએ આ ઘટના માણી હતી જે એક રેકોર્ડ સમાન ઘટના છે. તેનાથી કરોડો ભારતીયોને ચંદ્રયાન-3થી કેટલો લગાવ છે તે ખબર પડે છે.”

આ સાથે જ વડાપ્રધાન મોદીએ ચંદ્રયાનની સફળતા પર હાલ દેશમાં જે ક્વિઝ કોમ્પિટિશન ચાલી રહી છે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. MyGov portal પર ચાલી રહેલી ‘ચંદ્રયાન-3 મહાક્વિઝ’ સ્પર્ધામાં અત્યાર સુધીમાં 15 લાખથી પણ વધારે લોકોએ હિસ્સો લીધો છે. 

ભારત-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોર

વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને સંબોધિત કરતા કહ્યું હતું કે, “ભારત જ્યારે ખૂબ સમૃદ્ધ હતું ત્યારે અમારા જમાનામાં આપણા દેશમાં અને વિશ્વમાં સિલ્ક રૂટની ખૂબ ચર્ચા થતી હતી. આ સિલ્ક રૂટ વ્યાપાર કારોબારનું ખૂબ મોટું માધ્યમ હતું. હવે આધુનિક સમયમાં ભારતે G20 સમિટ દરમિયાન વધુ એક ઈકોનોમિક કોરિડોરનું સૂચન કર્યું છે. જે ભારત-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોર છે. આગામી સેંકડો વર્ષો સુધી તે વિશ્વ વ્યાપારનો આધાર બનશે. ઈતિહાસ આ વાતને હંમેશા યાદ રાખશે કે આ ઈકોનોમિક કોરિડોરનું સૂત્રપાત ભારતની ધરતી પર થયું હતું.”

વડાપ્રધાન મોદીએ 27મી સપ્ટેમ્બરના રોજ ઉજવાનારા વિશ્વ પર્યટન દિવસનો ઉલ્લેખ કરીને G20 સમિટ બાદ વિશ્વભરના લોકોનો ભારતમાં રસ વધ્યો હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ વડાપ્રધાન મોદીએ જર્મનીની વાયરલ સ્ટાર કૈસમીનો ઉલ્લેખ કર્યો હતો જેના સંસ્કૃત અને કન્નડ ગીતો હાલ લોકપ્રિય બની રહ્યા છે. 

ઘોડા લાઈબ્રેરીની પ્રશંસા

વડાપ્રધાન મોદીએ મન કી બાત કાર્યક્રમ દરમિયાન ઘોડા લાઈબ્રેરીનો પણ ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, “નૈનીતાલ જિલ્લાના કેટલાક યુવાનોએ બાળકો માટે અનોખી ઘોડા લાઈબ્રેરી શરૂ કરી છે. આ લાઈબ્રેરીની વિશેષતા એ છે કે, અતિ દુર્ગમ વિસ્તારોમાં પણ ઘોડા લાઈબ્રેરી દ્વારા બાળકો સુધી પુસ્તકો પહોંચી રહ્યા છે. આ સેવા તદ્દન નિઃશુલ્ક છે. ઘોડા લાઈબ્રેરી દ્વારા અત્યાર સુધીમાં નૈનીતાલના 12 ગામોને કવર કરી લેવામાં આવ્યા છે.”