G20 સમિટ બાદ ક્વૉડ સંમેલનનું યજમાન બનશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે તાજેતરમાં જ દિલ્હી ખાતે G20 સમિટનું સફળ આયોજન કર્યું હતું. જોકે એમ કહી શકાય કે, G20 માત્ર એક ઝાંખી છે અને ભારત ટૂંક સમયમાં જ એક વિશાળ અને આંતરરાષ્ટ્રીય સંમેલન યોજવા જઈ રહ્યું છે. અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા વિશ્વના મોટા દેશોના રાષ્ટ્રાધ્યક્ષ આ સંમેલનમાં સહભાગી બનશે.  G20 બાદ હવે ભારતમાં […]

Share:

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે તાજેતરમાં જ દિલ્હી ખાતે G20 સમિટનું સફળ આયોજન કર્યું હતું. જોકે એમ કહી શકાય કે, G20 માત્ર એક ઝાંખી છે અને ભારત ટૂંક સમયમાં જ એક વિશાળ અને આંતરરાષ્ટ્રીય સંમેલન યોજવા જઈ રહ્યું છે. અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા વિશ્વના મોટા દેશોના રાષ્ટ્રાધ્યક્ષ આ સંમેલનમાં સહભાગી બનશે. 

G20 બાદ હવે ભારતમાં ક્વૉડ (QUAD) દેશોની બેઠક યોજાવાની છે. ભારતના માથે ક્વૉડના યજમાન બનવાની જવાબદારી છે. વડાપ્રધાન મોદીએ પોતે જ લોકોને ક્વૉડ અંગે માહિતી આપી હતી. ક્વૉડ સંમેલન દરમિયાન જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવી મહાશક્તિઓના દિગ્ગજ નેતાઓ દિલ્હીમાં ધામા નાખશે. 

ક્વૉડ સંમેલનથી ચીનના પેટમાં તેલ રેડાશે

ક્વૉડ સંમેલનના કારણે પાડોશી દેશ ચીનના પેટમાં તેલ રેડાશે અને તે ટેન્શનમાં આવી જશે.રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે દિલ્હીમાં G20ના સ્ટેજ પર અમેરિકા, ચીન અને રશિયા જેવા વિશાળ દેશોના અધ્યક્ષ હાજર રહ્યા હતા. આટલા મતભેદો છતાં પણ વડાપ્રધાન મોદી સૌને દિલ્હી ડેક્લેરેશન માટે સહમત કરવામાં સફળ રહ્યા હતા. ક્વૉડ સંમેલન કઈ તારીખે યોજાશે તે હજુ સ્પષ્ટ નથી. પરંતુ 2024ની લોકસભા ચૂંટણી પહેલા નવા વર્ષની શરૂઆતમાં જ દિલ્હી ખાતે ક્વૉડ દેશોની બેઠક યોજાય તેવી શક્યતા છે. 

ક્વૉડથી ચીનને ટેન્શન

પ્રશાંત મહાસાગરમાં ચીનનું આધિપત્ય ઘટાડવા માટે ક્વૉડ ગ્રુપની રચના કરવામાં આવી છે. ડ્રેગન સમગ્ર દક્ષિણ ચીની સમુદ્રને પોતાનું માને છે. હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષિત વ્યાપારને અનુલક્ષીને ક્વૉડ ગ્રુપની રચના કરવામાં આવી છે. ચીન દ્વારા ખુલ્લેઆમ ક્વૉડનો વિરોધ કરવામાં આવે છે. રશિયા પણ ક્વૉડને તેનું વિરોધી માને છે. રશિયાના મતે ક્વૉડની રચના ચીન અને રશિયા સામે વિભાજનકારી અને વિશિષ્ટતાવાદી નીતિ અંતર્ગત કરવામાં આવી છે. 

છેલ્લે જાપાન ખાતે યોજાયું હતું ક્વૉડ સંમેલન

ચાલુ વર્ષ દરમિયાન ગત તારીખ 20 મેના રોજ જાપાનના હિરોશિમા ખાતે G7 સમિટ યોજાઈ હતી. તે ઉપરાંત ક્વૉડ બેઠકમાં જો બાઈડન સાથે જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીજ સાથે વડાપ્રધાન મોદી પણ જોડાયા હતા. તે સમયે સૌ 2024માં ભારત ખાતે ક્વૉડની આગામી સમિટ યોજવા માટે સહમત બન્યા હતા. વડાપ્રધાન મોદીએ ભારતમાં ક્વૉડની આગામી બેઠક યોજાશે તેમ જાણકારી આપી હતી.

નોંધનીય છે કે, G20 સમિટ માટે ભારત પધારેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને વડાપ્રધાન મોદી વચ્ચે એક દ્વિપક્ષીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે 52 મિનિટ સુધી ચાલેલી બેઠક બાદ બંનેએ સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું જેમાં ભારત અને અમેરિકા વચ્ચે ભાગીદારી વધારવા માટે સહમતિ સધાઈ હતી. ઉપરાંત વડાપ્રધાન મોદીએ બેઠક દરમિયાન જો બાઈડનને 2024માં ભારતમાં યોજાનારા ક્વૉડ સંમેલન માટે આમંત્રણ પણ પાઠવ્યું હતું.