ભારતના ચંદ્રયાન-3 મિશનનું ચંદ્ર તરફ પ્રયાણ, દેશ માટે ગૌરવની ક્ષણ

ભારતનું ચંદ્રયાન-3 મિશન લોન્ચ થઈ ગયું છે અને તે માત્ર 40 દિવસમાં ચંદ્ર પર પહોંચી જશે. ચંદ્ર પર ઉતરીને તેની સપાટી વિશે જાણવા તેમજ વિશ્લેષણ કરવા માટે ભારતે ત્રીજી વાર આ મિશન લોન્ચ કર્યું છે. આ પ્રક્ષેપણ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી થયું હતું. ચંદ્રયાન-3 ભારત માટે ખુબ જ મહત્વ ધરાવે છે. આ […]

Share:

ભારતનું ચંદ્રયાન-3 મિશન લોન્ચ થઈ ગયું છે અને તે માત્ર 40 દિવસમાં ચંદ્ર પર પહોંચી જશે. ચંદ્ર પર ઉતરીને તેની સપાટી વિશે જાણવા તેમજ વિશ્લેષણ કરવા માટે ભારતે ત્રીજી વાર આ મિશન લોન્ચ કર્યું છે. આ પ્રક્ષેપણ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી થયું હતું.

ચંદ્રયાન-3 ભારત માટે ખુબ જ મહત્વ ધરાવે છે. આ મિશનથી ભારત પોતાને અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં વધુ સક્ષમ બનાવવા માંગે છે. આ અગાઉ 2019માં લોન્ચ કરાયેલા ચંદ્રયાન મિશન-2 ચંદ્રની સપાટી પર ઉતરતી વખતે નિષ્ફ્ળ ગયું હતું. જો કે, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) એ તે અનુભવોમાંથી શીખીને એક વાર ફરી ચંદ્ર તરફ પ્રયાણ કરવા માટે આ મિશન લોન્ચ કર્યું છે. જો આ મિશન સફળ થશે તો રશિયા, યુનાઇટેડ સ્ટેટ્સ અને ચીન પછી ચંદ્ર પર નિયંત્રિત લેન્ડિંગ કરનાર ભારત ચોથો દેશ બનશે, જે ભારત માટે ખુબ જ ગૌરવની વાત બનશે.

ચંદ્રયાન-૩ લોન્ચ થતા પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું કે “ચંદ્રયાન-3 ભારતના ઈતિહાસમાં એક નવો અધ્યાય લખશે. તે દરેક ભારતીયના સપના અને મહત્વાકાંક્ષાઓને ઉન્નત કરીને ઊંચું ઉડી રહ્યું છે,” 

ચંદ્રયાન-૩નો મુખ્ય હેતુ ચંદ્રની સપાટી પર રોવરને લેન્ડ કરાવીને વૈજ્ઞાનિક પ્રયોગો કરવાનું છે. રોવર ચંદ્રની સપાટીના નમૂનાઓ અને ડેટા એકત્રિત કરશે જે ચંદ્રના ભૂસ્તરશાસ્ત્ર, ખનિજશાસ્ત્ર અને પર્યાવરણ વિશે જાણવામાં મદદ કરશે. ચંદ્રયાન-3માં ત્રણ મુખ્ય ભાગ હશે – લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડલ. તે ચંદ્રયાન-2ના ઓર્બિટરનો ઉપયોગ કરશે જે હજુ પણ ચંદ્રના વાતાવરણમાં છે. ઈતિહાસમાં પહેલી વાર, ભારતનું મૂનક્રાફ્ટ ‘વિક્રમ’ ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં ઉતરશે, જ્યાં 2008માં ભારતના પ્રથમ ચંદ્રયાન મિશન દરમિયાન પાણીના અણુઓ મળી આવ્યા હતા.

ચંદ્ર પર પહોંચવા માટે, ચંદ્રયાન-3 એક ભ્રમણકક્ષામાં ફરશે જેમાં તેને 40 દિવસ લાગશે અને 23 ઓગસ્ટના રોજ ચંદ્ર પર ઉતરશે. આનાથી વિપરીત, ચંદ્રયાન-૨ મિશનને ચંદ્ર પર પહોંચવામાં લગભગ ૫૪ દિવસનો સમય લાગ્યો હતો. આ જોતા કહી શકાય કે ચંદ્રયાન-૩ મિશનને સફળ બનાવવા માટે તેમાં ઘણો સુધારો કરવામાં આવ્યો છે. આ મિશનમાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં શક્તિશાળી લોન્ચ વ્હીકલ અને અદ્યતન નેવિગેશન સિસ્ટમનો સમાવેશ થાય છે.

ભારતે સ્પેસ રિસર્ચમાં ખુબ જ પ્રગતિ કરી છે, અને ચંદ્રયાન-3 મિશન આ પ્રગતિની દિશામાં એક બીજું પગલું છે. તે વૈજ્ઞાનિક સંશોધન માટે દેશની પ્રતિબદ્ધતા અને ચંદ્ર અને તેના વિશેની આપણી સમજમાં જ્ઞાનનો વધારો કરશે. આ મિશનની સફળતા સમગ્ર દુનિયામાં ભારતનું નામ રોશન કરશે.