કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે શુક્રવારના રોજ બેંગલુરૂમાં 3D પ્રિન્ટિંગ ટેક્નોલોજીની મદદથી નિર્મિત એવા દેશના પ્રથમ ડાકઘર એટલે કે પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન કર્યું હતું. પોસ્ટ વિભાગના એક અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે શહેરના કેમ્બ્રિજ લેઆઉટ ખાતે 1,021 વર્ગ ફૂટ વિસ્તારમાં નિર્માણ પામેલી આ પોસ્ટ ઓફિસના ઉદ્ઘાટન બાદ તે કાર્યરત થઈ જશે.
પોસ્ટ વિભાગના અધિકારીએ 3D પ્રિન્ટિંગ ટેક્નોલોજીની મદદથી બનાવાયેલી આ ભારતની પ્રથમ પોસ્ટ ઓફિસ વિશે વધારાની માહિતી રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, લાર્સન એન્ડ ટૂબ્રો લિમિટેડ દ્વારા આ પોસ્ટ ઓફિસનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આઈઆઈટી મદ્રાસે આ પ્રોજેક્ટ માટે ટેક્નિકલ માર્ગદર્શન પૂરુ પાડ્યું હતું.
3D પ્રિન્ટિંગ ટેક્નોલોજીની મદદથી બનેલી પોસ્ટ ઓફિસના ઉદ્ઘાટન બાદ રેલવે, સંચાર, ઈલેક્ટ્રોનિક્સ અને IT વિભાગ સંભાળતા અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, “વિકાસની ભાવના, પોતાની ટેક્નોલોજી વિકસિત કરવાની ભાવના, જે પહેલાના સમયમાં અસંભવ ગણાતું એવું કશું કરવાની ભાવના જ આ સમયની નિર્ણાયક વિશેષતા છે.”
પંરપરાગત રીતે આ પ્રકારની પોસ્ટ ઓફિસ બનાવવા માટે આશરે 6થી 8 મહિનાનો સમય લાગતો હોય છે. જ્યારે 3D પ્રિન્ટિંગ ટેક્નોલોજીની મદદથી પોસ્ટ ઓફિસના નિર્માણની સંપૂર્ણ ગતિવિધિ માત્ર 45 દિવસમાં પૂરી કરી દેવાઈ હતી. આમ સમય અને ખર્ચની જે બચત થાય છે તે કોંક્રીટની 3D પ્રિન્ટિંગ ટેક્નોલોજીને પરંપરાગત ભવન નિર્માણ પ્રણાલીનો એક વ્યવહારૂ વિકલ્પ બનાવે છે.
3D પ્રિન્ટિંગ ટેક્નોલોજી અથવા તો એડિટિવ મેન્યુફેક્ચરિંગ (additive manufacturing) એ એક એવી પ્રક્રિયા છે જેમાં એક ડિજિટલ ફાઈલ વડે થ્રી ડાયમેન્શનલ સોલિડ ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે. નોંધનીય છે કે, 3D પ્રિન્ટેડ ઓબ્જેક્ટ બનાવવા માટે એડિટિવ પ્રોસેસનો ઉપયોગ કરવામાં આવે છે. આ એડિટિવ પ્રોસેસમાં એક ઓબજેક્ટને બનાવવા માટે મટિરીયલને જ્યાં સુધી તે ઓબજેક્ટનું સ્વરૂપ ધારણ ન કરી લે ત્યાં સુધી એક બાદ એક પરતમાં એકની ઉપર એક એમ રાખવામાં આવે છે. તેમાં પ્રત્યેક પરત જોઈ શકાય છે જે એક પાતળી લાઈન જેવી હોય છે. આમ, તરત જ નક્કર સ્વરૂપ ધારણ કરી શકે તેવા એક ખાસ પ્રકારના કોંક્રીટને રોબોટિક પ્રિન્ટર દ્વારા એકની ઉપર એક લેયરમાં ગોઠવીને તેને જે-તે ડિઝાનના રૂપમાં ઢાળવામાં આવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ 3D પ્રિન્ટિંગની મદદથી બનાવાયેલી પોસ્ટ ઓફિસના કેટલાક ફોટો પોતાના ટ્વિટર (X) એકાઉન્ટ પર શેર કર્યા હતા. સાથે જ લખ્યું હતું કે, “બેંગલુરૂના કેમ્બ્રિજ લેઆઉટ ખાતે 3D પ્રિન્ટિંગ ટેક્નોલોજીની મદદથી બનાવાયેલી ભારતની પ્રથમ પોસ્ટ ઓફિસ જોઈને દરેક ભારતીયને ગર્વ અનુભવાશે. તે આપણા દેશના ઈનોવેશન અને પ્રોગ્રેસનું એક પ્રમાણ છે. તે આત્મનિર્ભર ભારતની ભાવનાનું પ્રતીક પણ છે.