નાગપુર એરપોર્ટના બોર્ડિંગ ગેટ પર ઈન્ડિગોના પાયલટનું હાર્ટ એટેકથી મોત

ભારતમાં હાર્ટ એટેકના કારણે મૃત્યુ થવું સામાન્ય બની ગયું છે ત્યારે હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયાની વધુ એક ઘટના સામે આવી છે. ગુરુવારે બપોરે નાગપુર એરપોર્ટ પર બોર્ડિંગ ગેટ પાસે પડી જવાથી ઈન્ડિગોના પાયલટનું મૃત્યુ થયું હતું. ઈન્ડિગોના પાયલટને એરલાઈનની નાગપુર-પુણે ફ્લાઈટ (6E135) નું સંચાલન કરવાનું નક્કી કર્યું હતું અને સિક્યોરિટી હોલ્ડ એરિયામાં રાહ જોતી […]

Share:

ભારતમાં હાર્ટ એટેકના કારણે મૃત્યુ થવું સામાન્ય બની ગયું છે ત્યારે હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયાની વધુ એક ઘટના સામે આવી છે. ગુરુવારે બપોરે નાગપુર એરપોર્ટ પર બોર્ડિંગ ગેટ પાસે પડી જવાથી ઈન્ડિગોના પાયલટનું મૃત્યુ થયું હતું. ઈન્ડિગોના પાયલટને એરલાઈનની નાગપુર-પુણે ફ્લાઈટ (6E135) નું સંચાલન કરવાનું નક્કી કર્યું હતું અને સિક્યોરિટી હોલ્ડ એરિયામાં રાહ જોતી વખતે તે પડી ગયો હતો. તેને તાત્કાલિક KIMS-કિંગ્સવે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો.

હોસ્પિટલના જણાવ્યા અનુસાર, ઈન્ડિગોના પાયલટનું મૃત્યુ અચાનક આવેલા હાર્ટ એટેકના કારણે થયું હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાયું હતું. હોસ્પિટલના પ્રવક્તા એજાઝ શમીએ કહ્યું કે હોસ્પિટલની ઈમર્જન્સી ટીમે તેમને CPR (કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન) આપ્યું હતું પરંતુ તેમણે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી.

ઈન્ડિગોના પાયલટના મૃત્યુથી એરલાઈન્સે દુખ વ્યક્ત કર્યું

ઈન્ડિગો એરલાઈને એક નિવેદનમાં કહ્યું, “આજે વહેલી સવારે નાગપુરમાં અમારા એક પાયલટના નિધનથી અમે દુઃખી છીએ. નાગપુર એરપોર્ટ પર તેમની તબિયત લથડી હતી અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું કમનસીબે અવસાન થયું હતું. અમારી સંવેદના અને પ્રાર્થના તેમના પરિવાર અને પ્રિયજનો સાથે છે.” 

ઈન્ડિગો દ્વારા શેર કરાયેલ વિગતો અનુસાર અનામી પાયલટે તેમના મૃત્યુના એક દિવસ પહેલા બુધવારે વહેલી સવારે 3 વાગ્યાથી સવારે 7 વાગ્યાની વચ્ચે ત્રિવેન્દ્રમ-પુણે-નાગપુર એમ બે સેક્ટરનું સંચાલન કર્યું હતું. ત્યારબાદ પાયલટે 27 કલાક આરામ કર્યો હતો અને ગુરુવારે બપોરે 1 વાગ્યે પ્રસ્થાન સાથે ચાર સેક્ટર માટે નિર્ધારિત કરવામાં આવ્યું હતું. નાગપુરથી પ્રસ્થાન તેમનું પ્રથમ સેક્ટર હતું. 

ઈન્ડિગો દ્વારા ઓનલાઈન આપવામાં આવેલ ડેટા સૂચવે છે કે નાગપુર-પુણે ફ્લાઈટ(6E135) આખરે નિર્ધારિત કરતાં 15 મિનિટના વિલંબ પછી બપોરે 1:24 વાગ્યે ઉપડી અને લગભગ સમયસર પહોંચવામાં સફળ રહી.

4 દિવસમાં 3 પાયલટનાં મૃત્યુ

ચાર દિવસના ગાળામાં આ ત્રીજા પાયલટના મોતના સમાચાર છે. દિલ્હી-દોહા ફ્લાઈટમાં પેસેન્જર તરીકે મુસાફરી કરી રહેલા કતાર એરવેઝના 51 વર્ષીય પાયલટનું બુધવારે ફ્લાઈટની વચ્ચે બીમાર પડતાં મૃત્યુ થયું હતું. મેડિકલ ઈમર્જન્સીને પગલે ફ્લાઈટ QR 579ને દુબઈ ડાયવર્ટ કરવામાં આવી હતી, પરંતુ તે બચી શક્યા ન હતા. આ ઘટના પેસેન્જર કેબિનમાં બની હતી. વરિષ્ઠ પાયલટે 2005માં સ્પાઈસજેટની ઉદઘાટન ફ્લાઈટનું સંચાલન કર્યું હતું. 

આ ઉપરાંત, 14 ઓગસ્ટના રોજ મિયામીથી સેન્ટિયાગો જતી ચિલી LATAM ફ્લાઈટમાં મુસાફરી કરતી વખતે અન્ય એક પાયલટનું મૃત્યુ થયું હતું. 56 વર્ષીય, ઈવાન એન્ડૌર 271 મુસાફરો સાથે ફ્લાઈટ ઉડાવી રહ્યો હતો ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે પ્લેનને ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી.