લઘુમતી શિષ્યવૃત્તિ યોજનાના રૂ. 144 કરોડના કૌભાંડમાં આંધ્ર પ્રદેશ અને તેલંગાણાની સંસ્થાઓ પણ સામેલ

દક્ષિણ ભારતના 2 રાજ્યોમાંથી લઘુમતી શિષ્યવૃત્તિ કૌભાંડ  ( Minority scholarship scam) સામે આવ્યું છે. આંધ્ર પ્રદેશની ઓછામાં ઓછી 5 સંસ્થાઓ અને તેલંગાણાની 11 સંસ્થાઓ લઘુમતી શિષ્યવૃત્તિ કૌભાંડમાં સામેલ હોવાનું સામે આવ્યું છે.  સીબીઆઈ(CBI)એ મંગળવારના રોજ દેશભરની 830 સંસ્થાઓ સામે વર્ષ 2017થી 2022 દરમિયાન લઘુમતી શિષ્યવૃત્તિ પ્રોગ્રામ હેઠળ 144 કરોડ રૂપિયાનો દુરૂપયોગ કરવા બદલ કેસ દાખલ […]

Share:

દક્ષિણ ભારતના 2 રાજ્યોમાંથી લઘુમતી શિષ્યવૃત્તિ કૌભાંડ  ( Minority scholarship scam) સામે આવ્યું છે. આંધ્ર પ્રદેશની ઓછામાં ઓછી 5 સંસ્થાઓ અને તેલંગાણાની 11 સંસ્થાઓ લઘુમતી શિષ્યવૃત્તિ કૌભાંડમાં સામેલ હોવાનું સામે આવ્યું છે. 

સીબીઆઈ(CBI)એ મંગળવારના રોજ દેશભરની 830 સંસ્થાઓ સામે વર્ષ 2017થી 2022 દરમિયાન લઘુમતી શિષ્યવૃત્તિ પ્રોગ્રામ હેઠળ 144 કરોડ રૂપિયાનો દુરૂપયોગ કરવા બદલ કેસ દાખલ કર્યો છે. લઘુમતી શિષ્યવૃત્તિ કૌભાંડમાં આંધ્ર પ્રદેશની કુલ 11 સંસ્થાઓ અને તેલંગાણાની કુલ 59 સંસ્થાઓના નામ સામે આવ્યા છે. 

નકલી દસ્તાવેજો દ્વારા શિષ્યવૃત્તિ ભંડોળનો દુરૂપયોગ

લઘુમતી કલ્યાણ મંત્રાલયના સચિવ ઈન્દેવર પાંડેએ પોતાને લઘુમતી શિષ્યવૃત્તિ કાર્યક્રમમાં અનિયમિતતા જોવા મળી હોવાના દાવા સાથે દિલ્હી સીબીઆઈમાં ફરિયાદ દાખલ કરાવી હતી. આ સાથે જ ફરિયાદમાં અનેક સંસ્થાઓ નકલી અને બનાવટી દસ્તાવેજો સબમિટ કરીને ભંડોળનો દુરૂપયોગ કરી રહી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. 

6 લઘુમતી સમુદાયના બાળકોને મળે છે શિષ્યવૃત્તિ

ફરિયાદના આધારે સીબીઆઈના અધિકારીઓએ બનાવટ, ગુનાહિત કાવતરૂં, છેતરપિંડી, બનાવટી દસ્તાવેજોના અસલી નકલ તરીકેના ઉપયોગ સહિતના કેસ દાખલ કર્યા હતા. સીબીઆઈના અધિકારીઓએ એફઆઈઆરમાં જણાવ્યું હતું કે, લઘુમતી બાબતોનું મંત્રાલય મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ અને પારસી એમ કુલ 6 લઘુમતી સમુદાયોના વિદ્યાર્થીઓ માટે પ્રી-મેટ્રિક સ્કોલરશિપ, પોસ્ટ-મેટ્રિક સ્કોલરશિપ અને મેરિટ કમ-મીન્સ એમ કુલ 3 શિષ્યવૃત્તિ યોજના ચલાવે છે. 

તેના અંતર્ગત 1.8 લાખથી પણ વધારે સંસ્થાઓમાં અભ્યાસ કરતા લઘુમતી સમુદાયોના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. વર્ષ 2021-22માં પૂરા થતા 5 વર્ષ સુધીમાં સરેરાશ 65 લાખ વિદ્યાર્થીઓને દર વર્ષે શિષ્યવૃત્તિ મળી છે. 

તપાસ માટે NCAERની મદદ લેવાઈ

શિષ્યવૃત્તિ યોજનાઓ હેઠળના ભંડોળની ઉચાપત અંગે પ્રાપ્ત થયેલા વિવિધ અહેવાલોને ધ્યાનમાં રાખીને મંત્રાલયે શિષ્યવૃત્તિ યોજનાઓનું થર્ડ પાર્ટી મૂલ્યાંકન કરવા માટે નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઈડ ઈકોનોમિક રિસર્ચ (NCAER)નો સંપર્ક સાધ્યો છે. 

આ ઉપરાંત, મંત્રાલયે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ દ્વારા શંકાસ્પદ સંસ્થાઓ અને અરજદારો પર રેડ ફ્લેગ જનરેટ કરીને પણ મૂલ્યાંકન કર્યું હતું. NSP પર જનરેટ થયેલા રેડ ફ્લેગ્સના આધારે મૂલ્યાંકન માટે કુલ 1,572 સંસ્થાઓની ઓળખ કરવામાં આવી હતી. 21 રાજ્યોની આ 1,572 સંસ્થાઓમાંથી 830 સંસ્થાઓ નોન-ઓપરેશનલ ફેક અથવા આંશિક રીતે નકલી હોવાનું સામે આવ્યું હતું. 

NCAER દ્વારા રજૂ કરવામાં આવેલા વચગાળાના અભ્યાસ પ્રમાણે તેલંગાણા જેવા રાજ્યોમાં, આંધ્રપ્રદેશની શાળાઓએ તેમનો જૂનો UDISE કોડ ડિસેબલ નથી કર્યો અને અરજીઓ ભરવા માટે બંને કોડનો ઉપયોગ કરી રહી છે.