મણિપુરમાં હિંસાને પગલે 5 મહિનાથી બંધ ઈન્ટરનેટ સેવાઓ ફરી શરૂ, મુખ્યમંત્રીએ સ્થિતિમાં સુધારો જણાવ્યો

મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહે શનિવારે સવારના સમયે રાજ્યમાં હિંસા ભડકી ઉઠ્યાના આશરે 5 મહિના બાદ મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ ફરી પુનઃસ્થાપિત કરવાની જાહેરાત કરી છે. ગત મહિને મણિપુર હાઈકોર્ટે પણ રાજ્ય સરકારને મોબાઈલ ફોનના માધ્યમથી ઈન્ટરનેટ સેવાઓ પ્રદાન કરવા માટે એક મિકેનિઝમ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો હતો. મણિપુરમાં 3મેથી હિંસા ભડકી હતી મણિપુરમાં 3 મેના […]

Share:

મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહે શનિવારે સવારના સમયે રાજ્યમાં હિંસા ભડકી ઉઠ્યાના આશરે 5 મહિના બાદ મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ ફરી પુનઃસ્થાપિત કરવાની જાહેરાત કરી છે. ગત મહિને મણિપુર હાઈકોર્ટે પણ રાજ્ય સરકારને મોબાઈલ ફોનના માધ્યમથી ઈન્ટરનેટ સેવાઓ પ્રદાન કરવા માટે એક મિકેનિઝમ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો હતો.

મણિપુરમાં 3મેથી હિંસા ભડકી હતી

મણિપુરમાં 3 મેના રોજ જ્યારે પ્રથમ વખત હિંસા ભડકી ઉઠી હતી ત્યારે મોબાઈલ ઈન્ટરનેટ અને બ્રોડબેન્ડ એમ બંને ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિનો હવાલો આપીને પહેલા 5 દિવસ માટે પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો હતો અને ઈન્ટરનેટ સેવા પરનો તે પ્રતિબંધ 5 મહિના સુધી ચાલ્યો હતો. 

શનિવારથી મણિપુરમાં ઈન્ટરનેટ સેવા ચાલુ

મણિપુરના મુખ્યમંત્રી બીરેન સિંહે શનિવારે કહ્યું હતું કે, “સરકારે બોગસ સમાચાર, દુષ્પ્રચાર અને નફરત ફેલાવનારી સામગ્રીનો પ્રસાર અટકાવવા માટે 3 મેના રોજ ઈન્ટરનેટ સેવાઓ સસ્પેન્ડ કરી હતી. પરંતુ સ્થિતિમાં સુધારાના કારણે આજથી સમગ્ર રાજ્યમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ પુનઃસ્થાપિત કરી દેવામાં આવશે.”

આ સાથે જ મણિપુરના મુખ્યમંત્રીએ સરકાર ગેરકાયદેસર પ્રવાસીઓના આગમનની સમસ્યા સામે લડવાનું ચાલુ રાખશે તેવી ખાતરી આપી હતી અને ભારત-મ્યાનમારની સરહદે વાડ લગાવવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. સાથે જ તેમણે મુક્ત અવરજવરની વ્યવસ્થા રદ્દ કરવાનું પણ આહ્વાન કર્યું હતું. 

મુક્ત અવરજવર વ્યવસ્થા બંધ કરવા આહ્વાન

મુક્ત અવરજવર વ્યવસ્થા અંતર્ગત ભારત અને મ્યાનમારની સરહદે બંને તરફ રહેતા લોકોને કોઈ પણ પ્રકારના દસ્તાવેજ વગર એકબીજાના ક્ષેત્રમાં 16 કિમી સુધી અંદર જવાની મંજૂરી છે. આ પહેલા શુક્રવારના રોજ મણિપુર સરકારે લોકોને 15 દિવસની અંદર ગેરકાયદેસર હથિયાર જમા કરાવી દેવા માટે અપીલ કરી હતી. 

ગેરકાયદેસર હથિયારો જમા કરાવવા આદેશ

સાથે જ મણિપુર સરકારે શુક્રવારના રોજ 15 દિવસની અંદર ગેરકાયદેસર અથવા તો લૂંટેલા હથિયાર જમા નહીં કરાવવામાં આવે અને તલાશી દરમિયાન હથિયાર મળી આવશે તો આકરી કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ પ્રકારના હથિયારોની મદદથી બદમાશો બળજબરીથી વસૂલી કરતા હોવાની, ધમકી આપતા હોવાની અને અપહરણ કરતા હોવાની ઘટનાઓ પણ સામે આવી છે. 

ટેલિકોમ કંપનીને નોટિસ

મણિપુર સરકારે મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ સસ્પેન્ડ રાખવાના આદેશ છતાં 20 સપ્ટેમ્બરના રોજ ચુરાચાંદપુર અને પાડોશી વિષ્ણુપુર જિલ્લાના અમુક ક્ષેત્રોમાં આ સેવાઓની ઉપલબ્ધતાને લઈ એક ખાનગી ટેલિકોમ કંપનીને કારણ દર્શાવો નોટિસ પાઠવી હતી. 

મણિપુર હિંસા

મણિપુરનો મૈતેઈ સમુદાય પોતાને અનુસૂચિત જનજાતિમાં સામેલ કરવાની માગણી કરી રહ્યો છે અને આ જ માગણી આગળ જઈને સમગ્ર વિવાદનું કારણ બની હતી. 3મે થી 6મે સુધી પ્રદેશમાં ભયંકર હિંસા વ્યાપી હતી જેમાં મૈતેઈ લોકોએ કુકી પર અને કુકી લોકોએ મૈતેઈનાં સ્થળોને નિશાન બનાવ્યા હતા.