હરિયાણાના નૂંહ જિલ્લામાં મામન ખાનની ધરપકડ બાદ 2 દિવસ માટે ઈન્ટરનેટ બંધ, કલમ 144 લાગુ

હરિયાણાના નૂંહ જિલ્લામાં ફરી એક વખત કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. આ સાથે જ સમગ્ર નૂંહ જિલ્લામાં 15મી સપ્ટેમ્બરના રોજ સવારના 10:00 વાગ્યાથી 16મી સપ્ટેમ્બરના રોજ રાત્રિના 12:00 વાગ્યા સુધી મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ સાથે જ લોકોને શુક્રવારની નમાજ ઘરે જ અદા કરવા માટે પણ અપીલ કરવામાં આવી […]

Share:

હરિયાણાના નૂંહ જિલ્લામાં ફરી એક વખત કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. આ સાથે જ સમગ્ર નૂંહ જિલ્લામાં 15મી સપ્ટેમ્બરના રોજ સવારના 10:00 વાગ્યાથી 16મી સપ્ટેમ્બરના રોજ રાત્રિના 12:00 વાગ્યા સુધી મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ સાથે જ લોકોને શુક્રવારની નમાજ ઘરે જ અદા કરવા માટે પણ અપીલ કરવામાં આવી હતી. 

મામન ખાનની ધરપકડ બાદ એલર્ટ

નૂંહ હિંસા મામલે કોંગ્રેસના ધારાસભ્ય મામન ખાનની ધરપકડ બાદ આ પ્રકારના પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. ગત 31મી જુલાઈના રોજ નૂંહમાં વ્રજમંડળ યાત્રા દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. પોલીસની વિશેષ ટીમે આ મામલે ગુરૂવારના રોજ જયપુર ખાતેથી મામન ખાનની ધરપકડ કરી હતી અને તેમને નૂંહ જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. 

હરિયાણા સરકારે શાંતિ અને વ્યવસ્થા જાળવી રાખવા માટે નૂંહમાં 2 દિવસ માટે ઈન્ટરનેટ અને બલ્ક એસએમએસ સેવા સ્થગિત કરી દીધી છે. કોંગ્રેસના ધારાસભ્ય મામન ખાનની ધરપકડ બાદ આગામી આદેશ સુધી કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. 

ગૃહ વિભાગના અપર મુખ્ય સચિવ ટી વી એસ એન પ્રસાદ દ્વારા આ પ્રકારના આદેશ બહાર પાડવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, “નૂંહના ઉપાયુક્તે 14 સપ્ટેમ્બરના રોજ મને જિલ્લામાં તણાવ, આંદોલન, સાર્વજનિક અને ખાનગી સંપત્તિને નુકસાન કરવામાં આવે અને અશાંતિ સર્જવામાં આવે તેવી આશંકા અંગે માહિતગાર કર્યો હતો. ફિરોઝપુર ઝિરકાના ધારાસભ્ય મામન ખાનને હિંસા મામલે આરોપી બનાવવામાં આવ્યો હતો. હરિયાણા પોલીસે ધારાસભ્ય મામન ખાનની ધરપકડ કરી છે.”

ગત 31મી જુલાઈના રોજ નૂંહ ખાતે વિશ્વ હિંદુ પરિષદ (VHP)ના નેતૃત્વમાં યોજવામાં આવેલા સરઘસ પર ટોળાએ હુમલો કરી દીધો હતો. હુમલા દરમિયાન 6 લોકોના મોત થયા હતા. 

નૂંહ હિંસાની તપાસ કરી રહેલી એસઆઈટીએ કોંગ્રેસના ધારાસભ્ય મામન ખાનને ગત તા. 25 ઓગષ્ટના રોજ નોટિસ પાઠવીને 31મી ઓગષ્ટે તપાસમાં સામેલ થવા માટે જણાવ્યું હતું. મામન ખાને તાવનું કારણ દર્શાવીને તપાસમાં હાજરી નહોતી આપી. એસઆઈટીએ 5 સપ્ટેમ્બરના રોજ ફરી એક વખત નોટિસ મોકલીને 10મી સપ્ટેમ્બરે તપાસમાં સામેલ થવા જણાવ્યું હતું પરંતુ મામન ખાને ફરી હાજરી આપવાનું ટાળ્યું હતું. 

મામન ખાને ધરપકડથી બચવા માટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનું શરણ લીધું હતું. મામન ખાન દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે આ કેસની તપાસ ઉચ્ચ અધિકારીઓના મોનિટરિંગવાળી એસઆઈટી દ્વારા કરવામાં આવે. આ સાથે જ સરકાર નૂંહ હિંસામાં પોતાની નિષ્ફળતા માટે તેમને મહોરા તરીકે વાપરી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.