Israel vs Hamas: ગાઝામાં દરરોજ 4 કલાક નહીં થાય હુમલો, અમેરિકી રાષ્ટ્રપતિની જાહેરાત

Israel vs Hamas: ઈઝરાયલ દ્વારા ઉત્તરી ગાઝાના ચોક્કસ વિસ્તારોમાં લશ્કરી કાર્યવાહી દરમિયાન દરરોજ 4 કલાકનો યુદ્ધવિરામ અપનાવવામાં આવશે. આ ઉપરાંત ઈઝરાયલનું સૈન્ય ગાઝામાં સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય એજન્સીઓ દ્વારા માનવીય સહાય મળી રહે તે માટે મંજૂરી આપવા પણ રાજી થયું છે. વ્હાઈટ હાઉસ દ્વારા ગુરૂવારના રોજ આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. ઈઝરાયલ-હમાસ (Israel vs […]

Share:

Israel vs Hamas: ઈઝરાયલ દ્વારા ઉત્તરી ગાઝાના ચોક્કસ વિસ્તારોમાં લશ્કરી કાર્યવાહી દરમિયાન દરરોજ 4 કલાકનો યુદ્ધવિરામ અપનાવવામાં આવશે. આ ઉપરાંત ઈઝરાયલનું સૈન્ય ગાઝામાં સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય એજન્સીઓ દ્વારા માનવીય સહાય મળી રહે તે માટે મંજૂરી આપવા પણ રાજી થયું છે.

વ્હાઈટ હાઉસ દ્વારા ગુરૂવારના રોજ આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. ઈઝરાયલ-હમાસ (Israel vs Hamas) વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે આ પ્રકારના વિરામનો મુખ્ય હેતુ ગાઝા વિસ્તારોમાં માનવતાવાદી સહાય પૂરી પાડવાનો અને નાગરિકોને યુદ્ધ ક્ષેત્રમાંથી સ્થળાંતર માટે સમય આપવાનો છે. 

Israel vs Hamas વચ્ચે મહત્વનો નિર્ણય

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રવક્તા જોન કિર્બીએ જણાવ્યું હતું કે, ઈઝરાયલ દ્વારા 3 કલાક પહેલા જ સંઘર્ષ વિરામનો સમય જાહેર કરવામાં આવશે. દરરોજ 4 કલાક સુધી સંઘર્ષ વિરામને મંજૂરી આપવાનો ઈઝરાયલનો મહત્વનો નિર્ણય ગાઝામાં લાચાર અને અસહાય નિર્દોષ લોકોને માનવતાવાદી સહાય મળી શકે અને તેઓ સુરક્ષિત રીતે તે વિસ્તાર છોડી શકે તે માટેનો છે.

પેલેસ્ટાઈનના આતંકવાદી સંગઠન હમાસને સંપૂર્ણ રીતે ખતમ કરવાના ઈરાદે ઈઝરાયલ દ્વારા ગાઝા પટ્ટીમાં સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. જો કે ઈઝરાયલ-હમાસ (Israel vs Hamas) વચ્ચેના યુદ્ધથી સૌથી વધુ નુકસાન ગાઝાના રહેવાસીઓનું થઈ રહ્યું છે. હમાસના આંતકવાદીઓ ગાઝાના રહેવાસીઓની આડશમાં સંતાઈને શરણું લઈ રહ્યા છે જેને પગલે હજારો નિર્દોષ નાગરિકોના મોત થઈ રહ્યા છે.

વધુ વાંચો: ઈઝરાયલી વડાપ્રધાને પેલેસ્ટિનિયન લશ્કરી જૂથો સાથે પાંચ દિવસીય યુદ્ધવિરામ કરારને નકારી કાઢ્યો

આ માનવતાવાદી વિરામ છે સીઝફાયર નહીં

આ સ્થિતિ વચ્ચે અમેરિકાની નેશનલ સિક્યોરિટી કાઉન્સીલે મહત્વની જાહેરાતમાં જણાવ્યું હતું કે, ઈઝરાયલ  દરરોજ 4 કલાક માટે ઉત્તર ગાઝા તરફ લડાઈ રોકશે. યુદ્ધમાંથી બ્રેક લેવા અંગે ઈઝરાયલે પણ હામી ભરી છે. જો કે આ એક બ્રેક છે અને સીઝફાયર નથી. સ્પષ્ટ ભાષામાં આને હ્યુમેનીટેરીયન પોઝ કહેવાય છે. જેમાં દરરોજ કેટલાક કલાકો માટે યુદ્ધ રોકવામાં આવે છે. 

આ વિરામના સમયમાં ઈજાગ્રસ્ત સૈનિકોની સારવાર હાથ ધરવામાં આવે છે. સ્થાનિકોને જરૂરિયાતની ચીજવસ્તુઓનો સપ્લાય કરવામાં આવે છે. ક્યારેક યુદ્ધના દિવસોમાં કોઈ તહેવાર આવતો હોય તો તે દિવસે પણ વિરામ જાહેર કરવામાં આવે છે. પરંતુ આ ત્યારે જ થાય જ્યારે હુમલો કરનાર દેશ આ માટે તૈયાર હોય.

વધુ વાંચો: સીરિયામાં ઈરાનના હથિયારોના ગોડાઉન પર અમેરિકાની એરસ્ટ્રાઈક, 9નાં મોત

માનવીય વિરામ એક ચોક્કસ સમય પૂરતો જ પાળવાનો હોય છે. એટલે કે જો ઈઝરાયલે 4 કલાક માટે વિરામ નક્કી કર્યો છે તો એટલા સમય પૂરતું જ યુદ્ધ રોકાશે. ઉપરાંત આ વિરામ તમામ યુદ્ધના ક્ષેત્રો માટે લાગુ નથી થતો, પરંતુ એક નિશ્ચિત વિસ્તારમાં લાગુ થાય છે. આને પગલે જે લોકો યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા હોય તેઓ સુરક્ષિત જગ્યાએ પહોંચી શકે છે.