ઈસરોએ શેર કર્યો પ્રજ્ઞાન રોવરનો નવો વીડિયો, શિવ શક્તિ પોઈન્ટની આસપાસ કરી રહ્યું છે સંશોધન

ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર પહોંચ્યા બાદ ચંદ્રયાન-3ના પ્રજ્ઞાન રોવરની ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે. પ્રજ્ઞાન રોવર ચંદ્રના રહસ્યો જાણવા માટે સતત શિવ શક્તિ પોઈન્ટની આજુબાજુ ફરી રહ્યું છે અને તેણે આશરે 8 મીટરનું અંતર સફળતાપૂર્વક પાર કર્યું છે.  ચંદ્રયાન-3ના ચંદ્ર પરના સોફ્ટ લેન્ડિંગ બાદ તેની ચંદ્રની સપાટી પરની સફરનો આરંભ થયો છે. ઈસરોએ ચંદ્રયાન-3 મિશનની […]

Share:

ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર પહોંચ્યા બાદ ચંદ્રયાન-3ના પ્રજ્ઞાન રોવરની ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે. પ્રજ્ઞાન રોવર ચંદ્રના રહસ્યો જાણવા માટે સતત શિવ શક્તિ પોઈન્ટની આજુબાજુ ફરી રહ્યું છે અને તેણે આશરે 8 મીટરનું અંતર સફળતાપૂર્વક પાર કર્યું છે. 

ચંદ્રયાન-3ના ચંદ્ર પરના સોફ્ટ લેન્ડિંગ બાદ તેની ચંદ્રની સપાટી પરની સફરનો આરંભ થયો છે. ઈસરોએ ચંદ્રયાન-3 મિશનની સફળતા બાદ હવે પ્રજ્ઞાન રોવરનો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પૂર્વ ટ્વિટર) પર શેર કર્યો છે. 

ઈસરોએ શેર કર્યો પ્રજ્ઞાન રોવરનો નવો વીડિયો

આ વીડિયોમાં પ્રજ્ઞાન રોવર ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર રહસ્યોની શોધમાં ‘શિવ શક્તિ પોઈન્ટ’ની આજુબાજુ ફરતું દેખાય છે. ઈસરોએ કેપ્શનમાં લખ્યું હતું કે, “અહીં નવું શું છે? તેની શોધમાં પ્રજ્ઞાન રોવર શિવ શક્તિ પોઈન્ટની આસપાસ ફરી રહ્યું છે.”

અગાઉ ઈસરોએ X (પૂર્વ ટ્વિટર) પર ચંદ્રયાન-3નો એક વીડિયો શેર કર્યો હતો જેમાં પ્રજ્ઞાન રોવર લેન્ડર વિક્રમમાંથી બહાર નીકળતું જોવા મળ્યું હતું. 

14 જુલાઈએ લોન્ચ થયું હતું ચંદ્રયાન-3 મિશન

ઈસરોએ 14 જુલાઈના રોજ ચંદ્રયાન-3 મિશન લોન્ચ કર્યું હતું. ગત 23 ઓગષ્ટના રોજ સાંજે 6:04 કલાકે ચંદ્રયાન-3એ ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. ઈસરોની આ સફળતા બાદ વિશ્વભરમાંથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ ઈસરોના વૈજ્ઞાનિકોની પ્રશંસા કરી હતી અને મિશન ચંદ્રયાન-3 સફળતાને ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી. આ સાથે જ તેને દેશ માટે ગર્વની પળ ગણાવી હતી. 

‘શિવ શક્તિ પોઈન્ટ’ નામ આપવામાં આવ્યું

વડાપ્રધાન મોદીએ દક્ષિણ આફ્રિકા અને ગ્રીસના પ્રવાસથી વતન પરત આવ્યા બાદ બેંગલુરૂ ખાતે ઈસરોના વૈજ્ઞાનિકોની મુલાકાત લીધી હતી. તે દરમિયાન પોતાના સંબોધનમાં તેમણે વિક્રમ લેન્ડરે જ્યાં ઉતરાણ કર્યું હતું તે સ્થળને ‘શિવ શક્તિ પોઈન્ટ’ નામ આપવાની જાહેરાત કરી હતી. નોંધનીય છે કે, ચંદ્રમાની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરનારો ભારત વિશ્વનો ચોથો દેશ બન્યો છે.

ઈસરોએ બતાવ્યા ચંદ્રયાન-3 મિશનના 3 ઉદ્દેશ્ય

– ચંદ્રની સપાટી પર સુરક્ષિત અને સોફ્ટ લેન્ડિંગનું પ્રદર્શન પૂર્ણ થયું છે.

– ચંદ્ર પર પ્રજ્ઞાન રોવરની ગતિવિધિનું પ્રદર્શન પૂર્ણ થયું છે. 

– વૈજ્ઞાનિક પ્રયોગોનું સંચાલન યથાસ્થાન ચાલી રહ્યું છે. તમામ પેલોડ સામાન્ય રૂપે કામ કરી રહ્યા છે. 

પ્રજ્ઞાનના તમામ ઉપકરણો કરી રહ્યા છે કામ

ઈસરોએ પ્રજ્ઞાન રોવરના તમામ ઉપકરણો ચાલુ છે અને તમામ નિયોજિત રોવર ગતિવિધિની ચકાસણી કરી લેવાઈ છે તેમ જણાવ્યું હતું. જેમાં આલ્ફા પાર્ટિકલ એક્સ-રે સ્પેક્ટ્રોમીટર (APXS)નું લક્ષ્ય ચંદ્રની સપાટીની રાસાયણિક સંરચના અને ખનિજ સંરચનાનો અભ્યાસ કરવાનું છે. જ્યારે લેઝર ઈન્ડ્યુસ્ડ બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપ (LIBS) ચંદ્ર પર લેન્ડિંગ સ્થળ આસપાસની માટી અને ચટ્ટાનોની મૌલિક સંરચનાની તપાસ કરશે.