બિહારમાં પત્રકાર વિમલ યાદવની ઘરની બહાર બોલાવીને હત્યા, પોલીસે 4 શકમંદની ધરપકડ કરી

બિહારના અરરિયા જિલ્લામાં એક સ્થાનિક પત્રકારની હત્યાના કેસમાં પોલીસે ત્વરિત એક્શન લઈને 4 શકમંદોની ધરપકડ કરી લીધી છે. આ સાથે જ પોલીસે અન્ય 2 શખ્સને ઝડપી લેવા માટે કાર્યવાહી ચાલુ હોવાની માહિતી આપી હતી.  પત્રકાર વિમલ યાદવની હત્યા પર મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું શુક્રવારે વહેલી સવારે પ્રેમનગર ગામ સ્થિત રાણીગંજ બજાર વિસ્તારમાં હિન્દી દૈનિક માટે […]

Share:

બિહારના અરરિયા જિલ્લામાં એક સ્થાનિક પત્રકારની હત્યાના કેસમાં પોલીસે ત્વરિત એક્શન લઈને 4 શકમંદોની ધરપકડ કરી લીધી છે. આ સાથે જ પોલીસે અન્ય 2 શખ્સને ઝડપી લેવા માટે કાર્યવાહી ચાલુ હોવાની માહિતી આપી હતી. 

પત્રકાર વિમલ યાદવની હત્યા પર મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું

શુક્રવારે વહેલી સવારે પ્રેમનગર ગામ સ્થિત રાણીગંજ બજાર વિસ્તારમાં હિન્દી દૈનિક માટે કામ કરતા સ્થાનિક પત્રકાર વિમલ યાદવની તેમના ઘરની બહાર બોલાવીને હત્યા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી નીતિશ કુમાર યાદવે પત્રકારની આ પ્રકારની હત્યાને દુઃખદ ગણાવીને પોતે આ હત્યાકાંડ અંગે માહિતી મળી એટલે તરત જ અધિકારીઓને તપાસના આદેશ આપ્યા હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ તેમણે કોઈ પત્રકારની આ પ્રકારે હત્યા કઈ રીતે થઈ શકે તે અંગે પણ રોષ ઠાલવ્યો હતો. 

ઘર બહાર બોલાવીને પત્રકાર વિમલ યાદવની હત્યા કરાઈ

35 વર્ષીય વિમલ કુમાર યાદવ હિન્દી દૈનિકના સ્થાનિક પત્રકાર તરીકે કામ કરતા હતા. પ્રેમનગર ગામમાં તેમના ઘરના આંગણે જ તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બિહાર પોલીસે ટ્વિટરના માધ્યમથી જણાવ્યું હતું કે, વહેલી સવારે 5:30 કલાકે હત્યારાઓએ વિમલ યાદવના બારણે ટકોરા માર્યા હતા અને વિમલ યાદવે દરવાજો ખોલ્યો એટલે તરત જ ગોળીઓ વરસાવી હતી. આ કારણે વિમલ યાદવનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. 

આ અંગે જાણ થયા બાદ જિલ્લા પોલીસ પ્રમુખ અને સંબંધીત અધિકારીઓ ઘટના સ્થળે ધસી ગયા હતા. 

ગોળીઓનો અવાજ સાંભળીને વિમલ યાદવના પત્ની પૂજાદેવી તરત ઘરની બહાર દોડી ગયા હતા. ત્યારે તેમના પતિ બહાર લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા. તેમણે બૂમો પાડીને આસપાસના લોકોને ભેગા કર્યા હતા અને બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી. 

વિમલ યાદવ ભાઈની હત્યાના કેસમાં મુખ્ય સાક્ષી હતા

મળતી માહિતી મુજબ પત્રકાર વિમલ યાદવના ભાઈની 2019માં હત્યા થઈ હતી. તેઓ તે વિસ્તારના સરપંચ હતા. પોતાના ભાઈની હત્યાના કેસમાં વિમલ યાદવ મુખ્ય સાક્ષી હતા. એવી આશંકા છે કે, હત્યા કેસના મુખ્ય સાક્ષી હોવાના કારણે બદમાશોએ તેમની હત્યા કરી છે.

વિમલ યાદવે અનેક ધમકીઓને અવગણીને કોર્ટમાં પોતાના ભાઈના હત્યારા વિરૂદ્ધ જુબાની આપી હતી. તે કેસની સ્પીડી ટ્રાયલ ચાલુ છે અને વિમલ યાદવની જુબાની બાદ આરોપીને પોતાને આજીવન કેદની સજા થશે તેવો ડર હતો માટે તેણે હત્યા કરી હોવાની શંકા છે. 

વિમલ યાદવના પરિવારજનોના કહેવા પ્રમાણે તેમને પાડીશોઓ સાથે જૂની દુશ્મનાવટ હતી. તેમણે સુપૌલ જેલમાં કેદ રૂપેશે હત્યાનું ષડયંત્ર રચીને સોપારી આપી હોવાનો દાવો કર્યો હતો.