કેન વિલિયમ્સનની ઇજા ગંભીર, ODI વર્લ્ડકપમાંથી બહાર રહે તેવી શક્યતા

ન્યૂઝીલેન્ડનો સ્ટાર ક્રિકેટર કેન વિલિયમ્સન ચાલુ વર્ષે ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ ચૂન રમી શકે તેવી શક્યતા છે. ભારતમાં ચાલી રહેલી IPLમાં ગુજરાત ટાઇટન્સ તરફથી રમતી વખતે વિલિયમ્સનને ઈજા થઈ હતી. જેમાં ન્યૂઝીલેન્ડના કપ્તાનને જમણા ઘૂંટણમાં ઇજા થતા સારવાર ચાલી રહી છે. આ માટે હવે વિલિયમ્સન સર્જરી કરાવવા માટે તૈયાર થયો છે. તો વિલિયમ્સન વર્લ્ડ […]

Share:

ન્યૂઝીલેન્ડનો સ્ટાર ક્રિકેટર કેન વિલિયમ્સન ચાલુ વર્ષે ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ ચૂન રમી શકે તેવી શક્યતા છે. ભારતમાં ચાલી રહેલી IPLમાં ગુજરાત ટાઇટન્સ તરફથી રમતી વખતે વિલિયમ્સનને ઈજા થઈ હતી. જેમાં ન્યૂઝીલેન્ડના કપ્તાનને જમણા ઘૂંટણમાં ઇજા થતા સારવાર ચાલી રહી છે. આ માટે હવે વિલિયમ્સન સર્જરી કરાવવા માટે તૈયાર થયો છે.

તો વિલિયમ્સન વર્લ્ડ કપ 2023માંથી બહાર થશે?

વિલિયમ્સનની ઈજા અને તેની સર્જરીને જોતા હવે લાગી રહ્યું છે કે, કેન વર્લ્ડ કપ 2023માંથી બહાર થઈ શકે છે. વર્લ્ડ કપ ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર દરમિયાન યોજાવાનો છે, તો બીજી તરફ કેન આગામી ત્રણ સપ્તાહમાં ઘૂંટણની સર્જરી કરાવે તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં આટલા ઓછા સમયમાં સર્જરી પછી સ્વસ્થ થવું ખૂબ મુશ્કેલ છે. જેથી માનવામાં આવી રહ્યું છે કે કેન વર્લ્ડ કપ 2023ની પસંદ કરાયેલી ન્યૂઝીલેન્ડની ટીમનો ભાગ નહીં હોય.

વિલિયમ્સનને કેવી રીતે થઇ ઇજા?

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં ફિલ્ડિંગ કરતા વિલિયમ્સનને ઈજા થઈ હતી. કેન સિક્સ બચાવવા ગયો અને બાઉન્ટ્રી લાઇ પર નીચે પડ્યો હતો. ન્યૂઝીલેન્ડ ક્રિકેટના નિવેદન અનુસાર, બેટ્સમેન વિલિયમ્સન આગામી 3 અઠવાડિયામાં ઇજાની તપાસ હેઠળ રહેશે. જોકે, વિલિયમ્સને ઈજા થયા બાદ તેમની ફ્રેન્ચાઈઝી અને NZC તરફથી મળેલા સહકારને લઇ આભાર વ્યક્ત કર્યો છે.

વિલિયમ્સને ગુજરાત ટાઇટન્સ અને ન્યૂઝીલેન્ડ ક્રિકેટનો આભાર માન્યો

વિલિયમ્સને કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોમાં મને સારો એવો સાથ મળી રહ્યો છે. આ માટે હું ગુજરાત ટાઇટન્સ અને ન્યૂઝીલેન્ડ ક્રિકેટનો આભાર માનું છું. સ્વાભાવિક રીતે આવી ઈજા થવી નિરાશાજનક છે, પરંતુ મારું ધ્યાન હવે સર્જરી કરાવવા અને પુનઃ મેદાનમાં ઉતરવા રહેશે. જેમાં થોડો સમય લાગશે, પરંતુ હું શક્ય એટલી વહેલી તકે મેદાન પર પાછા આવવા માટે મારાથી બનતું બધું કરીશ. વિલિયમ્સને કહ્યું કે, હું આગામી થોડા મહિનામાં ટીમને મદદરૂપ થવા માટે જે પણ કરી શકું તે કરવા આતુર છું.

ક્રિકેટમાં આવી ગંભીર ઇજાના માપદંડો મુજબ જોઈએ તો, વિલિયમ્સનનું ફિટ થવું અને ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાનાર વર્લ્ડ કપ માટે ઉપલબ્ધ રહેવું શક્ય લાગતું નથી.

મહત્વનું છે કે, વિલિયમ્સને ડિસેમ્બર, 2022માં ટેસ્ટ કેપ્ટનશીપ છોડી દીધી હતી, પરંતુ મર્યાદિત ઓવર્સના ફોર્મેટમાં ન્યૂઝિલેન્ડ ટીમની કપ્તાની કરે છે. કેન વિલિયમ્સને 161 વનડે રમી છે, જેમાં 47.83ની એવરેજથી 6554 રન બનાવ્યા છે. વિલિયમ્સનને IPL-2023માં ગુજરાત ટાઇટન્સે 2 કરોડમાં ખરીદ્યો હતો. IPL-2022માં તે સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમનો કેપ્ટન હતો, પરંતુ ટીમના ખરાબ પ્રદર્શનને કારણે હૈદરાબાદે વિલિયમ્સનને ટીમની બહાર કરી દીધો હતો. જોકે, હવે ગુજરાત માટે રમવું પણ સફળ રહ્યું નથી. પહેલી જ મેચમાં ઈજાને લીધે ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે.