કપિલ સિબ્બલનો વડાપ્રધાન મોદી પર પ્રહાર, કહ્યું- સૈનિકો શહીદ થઈ રહ્યા હોય ત્યારે સનાતની ઉજવણી નથી કરતા

દેશભરમાં ચાલી રહેલા સનાતન ધર્મ અંગેના વિવાદ વચ્ચે રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા કપિલ સિબ્બલે શુક્રવારના રોજ વડાપ્રધાન મોદી પર વધુ એક વખત નિશાન સાધ્યું હતું. કપિલ સિબ્બલે વડાપ્રધાન મોદીને ટાર્ગેટ કરીને કહ્યું હતું કે, જ્યારે સૈનિકો શહીદ થઈ રહ્યા હોય ત્યારે સનાતની ઉજવણી નથી કરતા.  કપિલ સિબ્બલે સનાતન ધર્મ મુદ્દે પલટવાર કર્યો વડાપ્રધાન […]

Share:

દેશભરમાં ચાલી રહેલા સનાતન ધર્મ અંગેના વિવાદ વચ્ચે રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા કપિલ સિબ્બલે શુક્રવારના રોજ વડાપ્રધાન મોદી પર વધુ એક વખત નિશાન સાધ્યું હતું. કપિલ સિબ્બલે વડાપ્રધાન મોદીને ટાર્ગેટ કરીને કહ્યું હતું કે, જ્યારે સૈનિકો શહીદ થઈ રહ્યા હોય ત્યારે સનાતની ઉજવણી નથી કરતા. 

કપિલ સિબ્બલે સનાતન ધર્મ મુદ્દે પલટવાર કર્યો

વડાપ્રધાન મોદીએ ગુરૂવારના રોજ મધ્ય પ્રદેશના બીના ખાતે એક જાહેર સભાને સંબોધિત કરી હતી. તે દરમિયાન વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, વિપક્ષ સનાતન ધર્મને નષ્ટ કરવા માટે અને સદીઓ પુરાણી પરંપરા પર હુમલો કરવા માટે યોજના બનાવી રહ્યું છે. ત્યાર બાદ કપિલ સિબ્બલે સનાતન ધર્મ મુદ્દે વડાપ્રધાન મોદી પર પલટવાર કર્યો હતો. 

કોંગ્રેસના દિગ્ગજ નેતા કપિલ સિબ્બલે X (ટ્વિટર) પોસ્ટમાં લખ્યું હતું કે, સનાતન ધર્મનો અર્થ થાય છે શાશ્વત ધર્મ. સનાતનીઓમાં પ્રામાણિકતા, અન્ય જીવને હાનિ ન પહોંચાડવી, શુદ્ધતા, ધર્માદો કરવાની વૃત્તિ, ઉદારતા, ધીરજ, સંન્યાસ અને સદ્ભાવના સહિતના ગુણો હોય છે. પરંતુ હિંદુત્વ અને તેના ભક્તોમાં આ ગુણોની ઉણપ છે. સનાતની જ્યારે સૈનિકો શહીદ થઈ રહ્યા હોય ત્યારે ઉજવણીઓ નથી કરતા. 

નોંધનીય છે કે, બુધવારના રોજ દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના 4 અધિકારીઓ માર્યા ગયા હતા. આ ઘટના બાદ ખીણમાં ભારે વિરોધ વ્યાપ્યો છે અને અનેક લોકો પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કરવાની સાથે રાષ્ટ્રધ્વજ સળગાવી રહ્યા છે. 

ત્યારે કપિલ સિબ્બલે વડાપ્રધાન મોદીની સનાતન અંગેની ટિપ્પણીને લઈ ટીકા કરતા કહ્યું હતું કે, સનાતનીના ગુણોમાં પ્રામાણિકતા અને અન્ય જીવને હાનિ ન પહોંચાડવાના ગુણનો સમાવેશ થાય છે. 

ગત તારીખ 3 સપ્ટેમ્બરના રોજ તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ તથા ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગની સરખામણી કરી ત્યાર બાદ સનાતન ધર્મ અંગેના સમગ્ર વિવાદની શરૂઆત થઈ હતી. 

નોંધનીય છે કે, કપિલ સિબ્બલે તાજેતરમાં જ મુઘલ સમ્રાટ અકબરની પ્રશંસા કરનારી G20 બુકલેટને લઈ કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો હતો. કપિલ સિબ્બલે સરકાર પર બેતરફી વલણ દાખવવાનો આરોપ લગાવ્યો હતો. કપિલ સિબ્બલે કહ્યું હતું કે, તેમનો એક ચહેરો દુનિયા માટે છે અને બીજો ‘ઈન્ડિયા ધેટ ઈઝ ભારત’ માટે છે. કપિલ સિબ્બલે “ભારતઃ ધ મધર ઓફ ડેમોક્રેસી” નામની G20 બુકલેટનો હવાલો આપ્યો હતો જેના 38મા પાને અકબર વિશેની માહિતી હતી. 

કપિલ સિબ્બલે લખ્યું હતું કે, G20ની પત્રિકામાં સરકાર મુઘલ સમ્રાટ અકબરને શાંતિ અને લોકશાહીનો સમર્થક ગણાવે છે. એક ચહેરો દુનિયા માટે અને બીજો ‘ઈન્ડિયા ધેટ ઈઝ ભારત’ માટે છે. મહેરબાની કરીને અમને અસલી મન કી બાત જણાવો.