કાશ્મીરી મુસ્લિમોને દિલ્હી જઈને G20 સમિટમાં ખલેલ પહોંચાડવા ખાલિસ્તાની આતંકવાદીનું કાવતરું

રાજધાની દિલ્હીમાં G20 સમિટ દરમિયાન મુશ્કેલી ઉભી કરવા માટે અલગાવવાદી શક્તિઓએ લોકોને ભડકાવવાની રણનીતિ બનાવી છે. રિપોર્ટ્સ પ્રમાણે ખાલિસ્તાની અલગાવવાદી નેતા અને શીખ્સ ફોર જસ્ટિસ (SFJ)ના સંસ્થાપક ગુરૂપતવંતસિંહ પન્નૂએ એક ઓડિયો મેસેજના માધ્યમથી ઘાટીમાં રહેતા કાશ્મીરી મુસ્લિમોને દિલ્હી પહોંચી G20 સમિટ દરમિયાન મુશ્કેલી ઉભી કરવા માટે ઉશ્કેર્યા છે. નોંધનીય છે કે, નવી દિલ્હી ખાતે આગામી […]

Share:

રાજધાની દિલ્હીમાં G20 સમિટ દરમિયાન મુશ્કેલી ઉભી કરવા માટે અલગાવવાદી શક્તિઓએ લોકોને ભડકાવવાની રણનીતિ બનાવી છે. રિપોર્ટ્સ પ્રમાણે ખાલિસ્તાની અલગાવવાદી નેતા અને શીખ્સ ફોર જસ્ટિસ (SFJ)ના સંસ્થાપક ગુરૂપતવંતસિંહ પન્નૂએ એક ઓડિયો મેસેજના માધ્યમથી ઘાટીમાં રહેતા કાશ્મીરી મુસ્લિમોને દિલ્હી પહોંચી G20 સમિટ દરમિયાન મુશ્કેલી ઉભી કરવા માટે ઉશ્કેર્યા છે. નોંધનીય છે કે, નવી દિલ્હી ખાતે આગામી 9 અને 10 સપ્ટેમ્બરના રોજ ભારતની અધ્યક્ષતામાં બે દિવસ માટે G20 સમિટ યોજાવાની છે. 

જુમ્માની નમાજ બાદ પ્રગતિ મેદાન સુધી કૂચ કરવા ખાલિસ્તાની નેતાની ઉશ્કેરણી

વિદેશમાં સંતાયેલા ગુરૂપતવંતસિંહ પન્નૂએ કાશ્મીરી મુસ્લિમોને જુમ્માની નમાજ બાદ દિલ્હીમાં પ્રગતિ મેદાન સુધી કૂચ કરવા માટે ઉશ્કેર્યા છે. ઉલ્લેખનીય છે કે, પ્રગતિ મેદાનમાં જ G20 સમિટ યોજાવાની છે. ગુરૂ પતવંતસિંહ પન્નૂએ ઓડિયો મેસેજમાં દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ પર ખાલિસ્તાની ઝંડો ફરકાવવાની ખુલ્લી ધમકી પણ આપી છે. અગાઉ જુલાઈ મહિનાની શરૂઆતમાં ગુરૂપતવંતસિંહ પન્નૂ કેનેડામાં માર્યો ગયો હોવાની અફવા સામે આવી હતી. 

ગુપ્તચર એજન્સીઓ સતર્ક

G20 સમિટ પહેલા જ ખાલિસ્તાની ગુરૂપતવંતસિંહ પન્નૂએ ISIના K-2 (કાશ્મીર ખાલિસ્તાન) એજન્ડાને પોતે જ એક્સપોઝ કરી દીધો છે. ગુપ્તચર એજન્સીઓ આ ઓડિયો મેસેજને ખૂબ ગંભીરતાથી લઈ રહી છે કારણ કે, 26 ઓગષ્ટના રોજ ગુરૂપતવંતસિંહ પન્નૂના ઈશારાથી જ દિલ્હીના 5 મેટ્રો સ્ટેશન પર ખાલિસ્તાનના સમર્થનમાં અને એન્ટી ઈન્ડિયા સ્લોગન્સ લખવામાં આવ્યા હતા. 

પંજાબથી 2 આરોપીઓની ધરપકડ

દિલ્હી પોલીસે G20ને લઈ કમર કસી લીધી છે અને રાજધાનીમાં ખૂબ જ સઘન સુરક્ષા વ્યવસ્થા કરી દેવામાં આવી છે. આ બધા વચ્ચે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આ મામલે થોડા દિવસ પહેલા જ પંજાબથી 2 આરોપીઓની ધરપકડ કરી હતી. 

G20 સંમેલનમાં હાજરી આપવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડન, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સહિત અનેક મોટા દેશોના રાષ્ટ્રાધ્યક્ષો દિલ્હી આવવાના છે. આ કારણે સમગ્ર દિલ્હીને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. સુરક્ષા માટે આશરે 1.30 લાખ સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયે આ વર્લ્ડ ક્લાસ સંમેલનને લઈ અનેક બેઠકો પણ યોજી હતી. 

300 બુલેટપ્રૂફ વાહનો તૈયાર કરાયા

સુરક્ષા વ્યવસ્થા માટે દિલ્હી પોલીસ પ્રમુખ નોડલ એજન્સી છે પરંતુ અર્ધસૈનિક બળના જવાનોને પણ સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે. CRPFના આશરે 1,000 જવાનોને સમાવતી 50 ટીમ પણ તૈયાર કરવામાં આવી છે અને તે સિવાય 300 બુલેટપ્રૂફ વાહનો પણ તૈયાર કરવામાં આવ્યા છે. 

CRPFની ટીમોમાં સામેલ જવાનોએ અગાઉ પણ વીઆઈપી સુરક્ષામાં હિસ્સો લીધેલો છે. તેમણે અગાઉ એસપીજી અને એનએસજી જેવા સુરક્ષા યુનિટો સાથે કામ કરેલું છે અને તેઓ સૌ વિદેશી રાષ્ટ્રાધ્યક્ષો અને સરકારના પ્રમુખોના વીઆઈપી રૂટ્સના ‘કારકેડ’માં ચાલશે.