જાણો ભારતના પ્રથમ સમુદ્રયાન મિશન ‘મત્સ્ય 6000’ની ખાસિયતો

ભારતે ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3નું સફળ લેન્ડિંગ કરાવીને ઈતિહાસ રચી દીધો છે. તેના એક સપ્તાહ બાદ ભારતે સૂર્યના અભ્યાસ માટે મિશન લોન્ચ કર્યું હતું. ભારતનું તે પ્રથમ સૂર્ય મિશન છે. ત્યારે હવે ભારત સમુદ્રના ઉંડાણનો તકાજો મેળવીને સમુદ્રમાં ધરબાયેલા રહસ્યોને જાણવા માટે પ્રયત્ન કરશે. ભારત ટૂંક સમયમાં જ પોતાના સમુદ્રયાન મિશનની ટ્રાયલ શરૂ કરી […]

Share:

ભારતે ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3નું સફળ લેન્ડિંગ કરાવીને ઈતિહાસ રચી દીધો છે. તેના એક સપ્તાહ બાદ ભારતે સૂર્યના અભ્યાસ માટે મિશન લોન્ચ કર્યું હતું. ભારતનું તે પ્રથમ સૂર્ય મિશન છે. ત્યારે હવે ભારત સમુદ્રના ઉંડાણનો તકાજો મેળવીને સમુદ્રમાં ધરબાયેલા રહસ્યોને જાણવા માટે પ્રયત્ન કરશે. ભારત ટૂંક સમયમાં જ પોતાના સમુદ્રયાન મિશનની ટ્રાયલ શરૂ કરી દેશે. 

પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના મંત્રી કિરેન રિજિજૂએ 11 સપ્ટેમ્બરના રોજ ટ્વિટ કરીને આગામી મિશન ‘સમુદ્રયાન’ હોવાની માહિતી આપી હતી. ચેન્નાઈની નેશનલ ઈનસ્ટિટ્યુટ ઓફ ઓશન ટેક્નોલોજી (NIOT) ખાતે સમુદ્રયાનનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે. સમુદ્રયાન મિશન દ્વારા 3 મનુષ્યને સમુદ્રની અંદર 6,000 મીટરની ઉંડાઈ સુધી મોકલવામાં આવશે જેથી ત્યાંના સ્ત્રોતો અને જૈવ વિવિધતાનો અભ્યાસ કરી શકાય. 

કિરન રિજિજૂના કહેવા પ્રમાણે સમુદ્રયાન મિશનના કારણે સમુદ્રની ઈકોસિસ્ટમને કોઈ જ નુકસાન નહીં થાય. તે એક ડીપ ઓશન મિશન છે જે ‘બ્લૂ ઈકોનોમી’ને ડેવલપ કરવા માટે કરવામાં આવશે. તેમાં સમુદ્રની અંદરની જે જાણકારી મળશે તેનાથી અનેક લોકોને રોજગારી મળશે કારણ કે, તેનાથી સમુદ્રના સંસાધનોનો ઉપયોગ કરી શકાશે. 

સમુદ્રયાન મિશનમાં યાનને 6 કિમી નીચે મોકલવામાં આવશે

NIOTએ ‘મત્સ્ય 6000’ પહેલા એક પર્સનલ સ્ફેયર યાન બનાવ્યું હતું જે સમુદ્રમાં 500 મીટરની ઉંડાઈ સુધી જઈ શકતું હતું. બંગાળની ખાડીમાં સાગર નિધિ જહાજ દ્વારા તેના ટેસ્ટિંગ બાદ સમુદ્રયાન પ્રોજેક્ટને ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યું હતું. સમુદ્રયાન મિશન ‘મત્સ્ય 6000’ દ્વારા સમુદ્રના સ્તરથી આશરે 6 કિમી નીચે કોબાલ્ટ, નિકલ અને મેન્ગેનીઝ જેવી બહુમૂલ્ય ધાતુઓની તપાસ કરવામાં આવશે. 

આશરે 2 વર્ષની મહેનતથી સમુદ્રયાન મિશન માટે ‘મત્સ્ય 6000’નું નિર્માણ કરવામાં આવ્યું છે અને આગામી વર્ષે, 2024ની શરૂઆતમાં તેને ટેસ્ટિંગ માટે ચેન્નાઈના કિનારેથી બંગાળની ખાડીમાં છોડવામાં આવશે. સમુદ્રમાં 6 કિમીની ઉંડાઈએ જવામાં અનેક પડકારો રહેલા છે. ભારતીય વૈજ્ઞાનિકોને આ વર્ષે જૂન મહિનામાં ટાઈટન દુર્ઘટના બની હતી તે પણ ધ્યાનમાં જ છે. સમુદ્રમાં ટાઈટેનિકના કાટમાળ સુધી પર્યટકોને લઈ જવા માટેના આ સબમર્સિબલમાં ધમાકો થયો હતો. તેને ધ્યાનમાં રાખીને ભારતીય વૈજ્ઞાનિકો ‘મત્સ્ય 6000’ની ડિઝાઈનની વારંવાર તપાસ કરી રહ્યા છે. 

અમેરિકા, રશિયા, જાપાન, ફ્રાંસ અને ચીન બાદ સમાનવ સબમર્સિબલ બનાવનારો ભારત છઠ્ઠો દેશ છે. 

સમુદ્રયાન મિશનની ખાસિયત

– 2.1 મીટર વ્યાસ ધરાવતી સબમરીનને ડિઝાઈન અને વિકસિત કરવામાં આવી

– સમુદ્રયાન મિશન માટેનું મત્સ્ય 6000 આશરે 25 ટન વજનની છે

– તેની લંબાઈ 9 મીટર અને પહોળાઈ 4 મીટર છે

– સબમરીન બનાવવા માટે 80 મિમીના ટાઈટેનિમનો ઉપયોગ કરાયો

– સમુદ્રની અંદર 600 ગણું દબાણ સહન કરવા માટે સક્ષમ

– ભારત સરકારે 2021માં ડીપ ઓશનને મંજૂરી આપેલી

– 2024માં સમુદ્રયાન મિશનના પહેલા તબક્કાની શરૂઆત કરાશે

– સમુદ્રયાન મિશન બ્લૂ ઈકોનોમીમાં ભારત સરકારને મદદ કરશે