કુબેર ગ્રુપના વિકાસ માલૂની રોલ્સ રોયસનો ટેન્કર સાથે અકસ્માત, વકીલે વાહનની ઝડપ અંગે આપ્યું વિચિત્ર નિવેદન

મંગળવારના રોજ કુબેર ગ્રુપના ડિરેક્ટર અને માલિક વિકાસ માલૂ દિલ્હી-મુંબઈ-વડોદરા એક્સપ્રેસવે પર રોલ્સ રોયસ કારના પેટ્રોલ ટેન્કર સાથેના અકસ્માત બાદ ઘાયલ થયા હતા અને ટેન્કરના ચાલક, સહાયકનું મોત થયું હતું. આ ઘટના અંગે વિકાસ માલૂના વકીલ આર. કે. ઠાકુરે એક ખૂબ જ વિચિત્ર નિવેદન આપ્યું છે. ઠાકુરના કહેવા પ્રમાણે વિકાસ માલૂ કાર ચલાવવાની સ્થિતિમાં નહોતા […]

Share:

મંગળવારના રોજ કુબેર ગ્રુપના ડિરેક્ટર અને માલિક વિકાસ માલૂ દિલ્હી-મુંબઈ-વડોદરા એક્સપ્રેસવે પર રોલ્સ રોયસ કારના પેટ્રોલ ટેન્કર સાથેના અકસ્માત બાદ ઘાયલ થયા હતા અને ટેન્કરના ચાલક, સહાયકનું મોત થયું હતું. આ ઘટના અંગે વિકાસ માલૂના વકીલ આર. કે. ઠાકુરે એક ખૂબ જ વિચિત્ર નિવેદન આપ્યું છે. ઠાકુરના કહેવા પ્રમાણે વિકાસ માલૂ કાર ચલાવવાની સ્થિતિમાં નહોતા અને તેમનો ડ્રાઈવર તસબીર ગાડી ચલાવી રહ્યો હતો. 

એક્સપ્રેસવે પર ધીમે ગાડી ચલાવવી પણ જોખમી

આ ઉપરાંત મીડિયા સાથેની વાતચીત દરમિયાન ઠાકુરે એવો તર્ક રજૂ કર્યો હતો કે, એક્સપ્રેસવે પર ધીમે-ધીમે ગાડી ચલાવવી ‘વધારે ખતરનાક’ છે. સાથે જ તેમણે વિકાસ માલૂએ ડ્રાઈવરને ગાડી ધીમે કે ઝડપથી ચલાવવા માટે કોઈ નિર્દેશ ન આપ્યો હોવાની પણ સ્પષ્ટતા કરી હતી. 

ઠાકુરે જણાવ્યું હતું કે, “વિકાસ માલૂની શારીરિક સ્થિતિ એવી છે કે તેઓ ગાડી નથી ચલાવી શકે. તેઓ સરખી રીતે ચાલી પણ નથી શકતા. તેઓ ગાડી કઈ રીતે ચલાવે? વિકાસ પાસે 7-8 ડ્રાઈવર કામ કરે છે અને તસ્બીર નામનો ડ્રાઈવર રોલ્સ રોયસ ચલાવી રહ્યો હતો.”

દુર્ઘટનામાં વિકાસ માલૂને ઈજા પહોંચી, ટેન્કર ચાલકનું મોત

આ દુર્ઘટના બાદ વિકાસ માલૂને ગુરૂગ્રામની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના વકીલે દુર્ઘટના સમયે ઉદ્યોગપતિ ડ્રાઈવિંગ સીટ પર ન હોવાનો દાવો કર્યો છે. સાથે જ તેમણે વિકાસ માલૂની કોણીમાં ઈજા પહોંચી છે અને તેઓ હોસ્પિટલમાં છે. તેમની કરોડના હાડકાંમાં પણ તકલીફ છે જેની સારવાર જરૂરી છે. તેઓ કોઈની મદદ વગર ઉભા પણ નથી થઈ શકતા તેમ જણાવ્યું હતું. 

ઠાકુરને જ્યારે વિકાસ માલૂ સીધા ઉભા હોય તેવી તસવીરો અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે તે જૂની તસવીર હોવાનો ખુલાસો કર્યો હતો. ઠાકુરના કહેવા પ્રમાણે દુર્ઘટના સમયે કારમાં વિકાસ માલૂ, તેમની પરિચિત મહિલા અને ડ્રાઈવર હતા. વિકાસ સવારે 10 વાગ્યે ઘરેથી નીકળ્યા હતા અને 11 વાગ્યે અકસ્માત થયો હતો. 

વધુમાં તેમણે વિકાસ માલૂ કારનું ટેસ્ટિંગ કરી રહ્યા હતા અને પેટ્રોલ ટેન્કરે રોંગ સાઈડમાં આવીને વળાંક લીધો એટલે અકસ્માત થયો હોવાનું જણાવ્યું હતું. 

અકસ્માતમાં પેટ્રોલ ટેન્કરના ચાલક અને તેના સહાયકનું મોત થયું હતું અને રોલ્સ રોયસ કથિત રીતે 230 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી રહી હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ વિકાસ માલૂની રોલ્સ રોયસમાં આગ લાગી ગઈ હતી અને કારમાં સવાર ત્રણેયને સુરક્ષિત બચાવી લેવાયા હતા.