લદ્દાખ BJPના મુસ્લિમ ઉપાધ્યક્ષની પાર્ટીમાંથી હકાલપટ્ટી, દીકરાએ બૌદ્ધ મહિલા સાથે કર્યા હતા લગ્ન

લદ્દાખમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના એક 74 વર્ષીય વરિષ્ઠ નેતાને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. BJP નેતા નજીર અહમદના દીકરા પર એક બૌદ્ધ મહિલાને ભગાડીને તેના સાથે લગ્ન કરવાનો આરોપ છે. આ મામલે BJP નેતાને સ્પષ્ટીકરણ કરવાની તક આપવામાં આવી હતી અને બાદમાં BJP નેતા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.  લદ્દાખ BJPના સીનિયર નેતા છે […]

Share:

લદ્દાખમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના એક 74 વર્ષીય વરિષ્ઠ નેતાને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. BJP નેતા નજીર અહમદના દીકરા પર એક બૌદ્ધ મહિલાને ભગાડીને તેના સાથે લગ્ન કરવાનો આરોપ છે. આ મામલે BJP નેતાને સ્પષ્ટીકરણ કરવાની તક આપવામાં આવી હતી અને બાદમાં BJP નેતા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. 

લદ્દાખ BJPના સીનિયર નેતા છે નજીર અહમદ

લદ્દાખના BJP યુનિટે પોતાના એક વરિષ્ઠ નેતાની પાર્ટીમાંથી હકાલપટ્ટી કરી છે. BJP નેતાના દીકરાએ એક બૌદ્ધ મહિલા સાથે લગ્ન કર્યા ત્યાર બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. લદ્દાખ BJPના પ્રદેશ ઉપાધ્યક્ષ એવા 74 વર્ષીય નજીર અહમદના દીકરાએ એકાદ મહિના પહેલા બૌદ્ધ મહિલા સાથે ભાગીને લગ્ન કર્યા હતા. આ કારણે BJPએ નજીર અહમદ પાસેથી પાર્ટીની પ્રાથમિક સદસ્યતા છીનવી લીધી છે. 

BJPના લદ્દાખ યુનિટનું નિવેદન

BJPના લદ્દાખ યુનિટે એક નિવેદન દ્વારા આ અંગેની જાણકારી આપી હતી. તેમાં જણાવ્યું છે કે, “વરિષ્ઠ નેતા નજીર અહમદને તેમના દીકરાએ બૌદ્ધ મહિલા સાથે ભાગીને લગ્ન કર્યા તેમાં તેમની સંલગ્નતા અંગે સ્પષ્ટીકરણ કરવાની તક આપવામાં આવી હતી. ત્યાર બાદ આ ખૂબ સંવેદનશીલ ઘટના હોવાથી તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.

બુધવારના રોજ BJPની કાર્યકારી બેઠક બાદ લદ્દાખ ભાજપના પ્રમુખ ફુંચોક સ્ટૈનજિન દ્વારા નજીર અહમદની હકાલપટ્ટીનો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. તેમાં જણાવાયું હતું કે, “આ પ્રકારે ભાગી જવાની ઘટના લદ્દાખમાં તમામ ધાર્મિક સમુદાયો માટે અસ્વીકાર્ય છે કારણ કે તેનાથી પ્રાંતના લોકો વચ્ચે સાંપ્રદાયિક સૌહાર્દ અને એકતા જોખમાય છે.”

દીકરાએ પરિવારની મરજી વિરૂદ્ધ લગ્ન કર્યા

પાર્ટીમાંથી હકાલપટ્ટી બાદ ભાજપના નેતાએ જણાવ્યું હતું કે, તેમનો પરિવાર પણ તેમના દીકરા મંજૂર અહમદના બૌદ્ધ મહિલા સાથે લગ્નની વિરૂદ્ધમાં હતો. તે બંનેએ એક મહિના કરતાં પણ વધારે સમય પહેલા ભાગીને લગ્ન કરી લીધા હતા અને ત્યારથી તેઓ ક્યાં છે તેની કોઈ માહિતી નથી. BJP પાર્ટીને વફાદાર એવા વરિષ્ઠ નેતા નજીર અહમદના કહેવા પ્રમાણે તેઓ સાઉદી અરેબિયા હજ પઢવા ગયા હતા ત્યારે તેમના દીકરાએ કોર્ટ મેરેજ કરી લીધા હતા. 

દીકરાએ 2011માં નિકાહ કર્યા હતા

વધુમાં નજીર અહમદે જણાવ્યું હતું કે, “મારા દીકરાની ઉંમર 39 વર્ષ છે અને તેણે જે મહિલા સાથે લગ્ન કર્યા તેની ઉંમર 35 વર્ષ છે. મારા મતે તે બંનેએ 2011ના વર્ષમાં નિકાહ કર્યા હતા. ગયા મહિને તે બંનેએ હું જ્યારે હજ પઢવા ગયો હતો ત્યારે તે બંનેએ કોર્ટ મેરેજ કરી લીધા હતા.”

BJP દ્વારા રાજીનામાની માગણી

નજીર અહમદના કહેવા પ્રમાણે પાર્ટીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી તે પહેલા તેમને પક્ષમાંથી રાજીનામુ આપવા કહેવામાં આવ્યું હતું. તેઓ તેમના દીકરાને શોધી કાઢવામાં અસમર્થ નીવડ્યા એટલે આ પ્રકારે રાજીનામુ માગવામાં આવ્યું હતું. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે, “મારા દીકરાએ અમારા પરિવારની મરજી વિરૂદ્ધ લગ્ન કરી લીધા તેની સજા મને શા માટે મળી એ મને નથી ખબર. મેં તેમને શોધવા પ્રયત્ન કર્યો હતો. તેમને શોધવા હું શ્રીનગર અને તે સિવાય અનેક સ્થળોએ ફર્યો હતો.”