દિલ્હી-NCRમાં શનિવારે વરસાદ વરસતાં ગરમીમાંથી લોકોને છુટકારો મળ્યો

રાજધાની દિલ્હી અને NCR વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ ન વરસવાના કારણે લોકો ઉકળાટથી પરેશાન હતા. જોકે શનિવારની સવાર ખૂબ જ રાહતભરી બની રહી હતી અને દિલ્હી-NCRના અનેક વિસ્તારોમાં ભારે પવન, વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસવાનો શરૂ થયો હતો. અનેક વિસ્તારોમાં અમુક કલાક સુધી હળવાથી ભારે વરસાદની શક્યતાના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાશે. દિલ્હી-NCRમાં વરસાદ નવી […]

Share:

રાજધાની દિલ્હી અને NCR વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ ન વરસવાના કારણે લોકો ઉકળાટથી પરેશાન હતા. જોકે શનિવારની સવાર ખૂબ જ રાહતભરી બની રહી હતી અને દિલ્હી-NCRના અનેક વિસ્તારોમાં ભારે પવન, વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસવાનો શરૂ થયો હતો. અનેક વિસ્તારોમાં અમુક કલાક સુધી હળવાથી ભારે વરસાદની શક્યતાના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાશે.

દિલ્હી-NCRમાં વરસાદ

નવી દિલ્હીના હવામાનની આગાહી માટેના પ્રાદેશિક કેન્દ્ર (RWFC)ના અહેવાલ પ્રમાણે દિલ્હી-NCRના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. RWFC વિભાગે શનિવારે સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર હવામાનની સ્થિતિ અંગે માહિતી આપતા લખ્યું હતું કે, આંતરિયાળ વિસ્તારોમાં હળવાથી મધ્યમ તીવ્રતાના વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસવાની શક્યતા છે.

ઉપરાંત દિલ્હીમાં સફદરજંગ સિવિલ લાઈન, પટેલ નગર, બુધ્ધા જયંતિ પાર્ક, રાજીવ ચોક, આઈટીઓ, જફરપુર, નઝફગઢ, દ્વારકા, ઈન્ડિયા ગેટ, અક્ષરધામ, પાલમ, લોડી રોડ, આઈજીઆઈ એરપોર્ટ, આરકે પુરમ, વસંત કુંજ, હોઝખાસ, માલવીય નગર તથા NCRના લોની દેહાત, હિંદન એએફ સ્ટેશન, ઈન્દિરાપુરમ, નોઈડા, દાદરી, ગ્રેટર નોઈડા, ગુરૂગ્રામ, ફરિદાબાદ, માનેસર, વલ્લભગઢ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. 

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા શનિવારના રોજ દિલ્હી-NCRમાં હળવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી હતી. શનિવારના રોજ વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી હતી. જ્યારે શુક્રવારનો દિવસ ઓગષ્ટ મહિનાના સૌથી ગરમ દિવસ તરીકે નોંધાયો હતો. શુક્રવારના રોજ મહત્તમ તાપમાન સામાન્યથી 4 ડિગ્રી વધારે 37.4 નોંધાયુ હતું. 

આ ઉપરાંત હવામાન વિભાગે આ મહિનાના બાકીના દિવસોમાં વરસાદની શક્યતા ખૂબ ઓછી હોવાનું જણાવ્યું હતું. જોકે કેટલાક સ્થળોએ હળવો વરસાદ વરસી શકે છે. 

દિલ્હીનો AQI એકંદરે સંતોષજનક નોંધાવાની શક્યતા

શનિવારે સવારના રોજ દિલ્હીના આનંદ વિહાર વિસ્તારમાં એર ક્વોલિટી ખૂબ જ નબળી રહી હતી જ્યારે દિલ્હીનો AQI એકંદરે સંતોષજનક રહેવાની શક્યતા દર્શાવાઈ હતી. શૂન્યથી 50 સુધીના AQIને ગુડ, 51થી 100 સુધીના AQIને સંતોષજનક, 101 અને 200 વચ્ચે સાધારણ, 201 અને 300 વચ્ચે ખરાબ, 301થી 400 વચ્ચે અતિ ખરાબ અને 401થી 500 વચ્ચે હોય તેને ગંભીર સ્થિતિ માનવામાં આવે છે. 

દેશના અન્ય વિસ્તારોમાં વરસાદની આગાહી

હવામાન વિભાગે શનિવારના રોજ દિલ્હી સિવાય ઓડિશા અને છત્તીસગઢના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી દર્શાવી હતી. આ કારણે બંને રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરાયું છે. તે સિવાય ઉત્તરાખંડ, પૂર્વીય ઉત્તર પ્રદેશ, પૂર્વીય મધ્ય પ્રદેશ, વિદર્ભ, ઝારખંડ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, તટીય આંધ્ર પ્રદેશ સહિતના ક્ષેત્રો માટે પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે.