મધ્યપ્રદેશ સરકારે સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે 35% અનામતની કરી જાહેરાત

મધ્યપ્રદેશ સરકારે વન વિભાગ સિવાયની અન્ય સરકારી નોકરીઓમાં મહિલાઓને 35% અનામત આપવાની જાહેરાત કરી છે. મધ્યપ્રદેશ સરકારે સરકારી નોકરીઓમાં (મહિલાઓની નિમણૂક માટે વિશેષ જોગવાઈ) નિયમો, 1997માં સુધારો કર્યો છે. શિવરાજ સિંહ ચૌહાણની જાહેરાત બાદ સામાન્ય વહીવટ વિભાગે એક નોટિફિકેશન બહાર પાડયું છે. આગામી વિધાનસભા ચૂંટણી માટે રાજ્યની તૈયારીઓના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહિલાઓને […]

Share:

મધ્યપ્રદેશ સરકારે વન વિભાગ સિવાયની અન્ય સરકારી નોકરીઓમાં મહિલાઓને 35% અનામત આપવાની જાહેરાત કરી છે. મધ્યપ્રદેશ સરકારે સરકારી નોકરીઓમાં (મહિલાઓની નિમણૂક માટે વિશેષ જોગવાઈ) નિયમો, 1997માં સુધારો કર્યો છે. શિવરાજ સિંહ ચૌહાણની જાહેરાત બાદ સામાન્ય વહીવટ વિભાગે એક નોટિફિકેશન બહાર પાડયું છે. આગામી વિધાનસભા ચૂંટણી માટે રાજ્યની તૈયારીઓના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવાની દિશામાં મધ્ય પ્રદેશ સરકારનું વધુ એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના આદેશ બાદ સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે ક્વોટા નક્કી કરવામાં આવ્યો છે.

નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર, કોઈપણ સેવા નિયમોમાં કંઈપણ શામેલ હોવા છતાં, રાજ્ય હેઠળની સેવામાં (વન વિભાગ સિવાય) તમામ પોસ્ટ્સમાંથી 35% અનામત સરકારી નોકરીઓમાં સીધી ભરતીના તબક્કે મહિલાઓની તરફેણમાં અનામત રાખવામાં આવશે. 

આ પહેલા પણ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મહિલાઓ માટે અગત્યની જાહેરાત કરી છે. લાડલી બહના યોજના હેઠળ મધ્યપ્રદેશ સરકાર મહિલાઓના ખાતામાં 1500 રૂપિયા મોકલે છે. શિવરાજ સિંહ ચૌહાણે પહેલેથી જ કહ્યું છે કે, આ રકમ ભવિષ્યમાં વધારવામાં પણ આવશે અને તે દર મહિને 3000 રૂપિયા સુધીની હોઈ શકે છે. તેમણે વધુમાં કહ્યું કે આ યોજના હેઠળના નાણાં તબક્કાવાર વધારવામાં આવશે.

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તાજેતરમાં જાહેરાત કરી હતી કે પોલીસ અને અન્ય સરકારી નોકરીઓમાં 35% ખાલી જગ્યાઓ મહિલાઓ દ્વારા ભરવામાં આવશે. તેમણે કહ્યું કે મધ્યપ્રદેશ સરકાર સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે 50 ટકા ટીચિંગ પોસ્ટ્સ અનામત રાખશે.

તાજેતરમાં સંસદ દ્વારા પસાર કરાયેલ મહિલા અનામત બિલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મંજૂરી મળ્યા બાદ કાયદો બની ગયો છે. આ બિલ હેઠળ લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામત આપવાની જોગવાઈ કરવામાં આવી છે. હવે તેને સત્તાવાર રીતે બંધારણ (106મો સુધારો) અધિનિયમ તરીકે ઓળખવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાયદાને ‘નારી શક્તિ વંદન એક્ટ ગણાવ્યો હતો. દેશની રાજનીતિ પર વ્યાપક અસર કરવાની ક્ષમતા ધરાવતા 128માં બંધારણીય સુધારા બિલને 21 સપ્ટેમ્બરે સંસદની મંજૂરી મળી ગઈ હતી. લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈ છે.

આ કાયદાના અમલમાં થોડો સમય લાગશે, કારણ કે આગામી વસ્તી ગણતરી અને ત્યારપછીની સીમાંકન પ્રક્રિયા મહિલાઓ માટે નિર્ધારિત કરવામાં આવનાર વિશેષ બેઠકો નક્કી કરશે. 

મધ્યપ્રદેશમાં વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. તેથી રાજ્યની ભાજપ સરકાર મહિલાઓ માટે વિવિધ જાહેરાતો કરી રહી છે. આ ઉપરાંત, કોંગ્રેસે પણ તેના વચનપત્રોમાં મહિલાઓને મહત્ત્વનું સ્થાન આપ્યું છે. મધ્યપ્રદેશમાં કુલ 2.6 કરોડથી વધુ મહિલા વોટર છે અને બંને પક્ષો આ વોટબેંકને જીતવા માટે સખત પ્રયત્નો કરી રહી છે.