G20 ડીનર ગેસ્ટ લિસ્ટમાંથી મલ્લિકાર્જુન ખડગે બાકાત, મમતા બેનર્જી આપશે હાજરી

ભારતના નેતૃત્વમાં 9 અને 10 સપ્ટેમ્બરના રોજ રાજધાની દિલ્હી ખાતે G20ની બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં સહભાગી બનવા માટે G20 ગ્રુપના સદસ્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષો ભારત પહોંચી ગયા છે. વિદેશી મહેમાનો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 9 તારીખની બેઠક બાદ રાત્રિના સમયે ડીનરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિદેશી મહેમાનો ઉપરાંત દેશની રાજકીય પાર્ટીઓના […]

Share:

ભારતના નેતૃત્વમાં 9 અને 10 સપ્ટેમ્બરના રોજ રાજધાની દિલ્હી ખાતે G20ની બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં સહભાગી બનવા માટે G20 ગ્રુપના સદસ્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષો ભારત પહોંચી ગયા છે. વિદેશી મહેમાનો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 9 તારીખની બેઠક બાદ રાત્રિના સમયે ડીનરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિદેશી મહેમાનો ઉપરાંત દેશની રાજકીય પાર્ટીઓના વરિષ્ઠ નેતાઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. 

જોકે આ ડીનર માટે દેશની સૌથી પ્રમુખ વિપક્ષી પાર્ટી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને આમંત્રણ નથી આપવામાં આવ્યું. જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, તમિલનાડુના વડા એમકે સ્ટાલિન અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને રાષ્ટ્રપતિ તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તે સિવાય અન્ય વિપક્ષી પાર્ટીઓને પણ ડીનરમાં સામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. 

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને એચડી દેવેગૌડાને શનિવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા આયોજિત G20 ડીનર માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ ગેસ્ટ લિસ્ટમાં સામેલ છે અને તેમણે પોતે ડીનરમાં સામેલ થવાની પુષ્ટી કરી હતી. 

જ્યારે કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેને આ મહત્વના પ્રસંગે આમંત્રણ નથી પાઠવવામાં આવ્યું. અગાઉ વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’ (I.N.D.I.A)ના નેતાઓએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના G20 ડીનર આમંત્રણ મામલે વિવાદ ઉભો કરવા પ્રયત્ન કર્યો હતો જેમાં તેમણે પોતાનો ‘ભારતના રાષ્ટ્રપતિ’ તરીકે ઉલ્લેખ કર્યો હતો. 

કેબિનેટ અને રાજ્ય મંત્રી, રાજ્યોના મુખ્યમંત્રી, ભારત સરકારના તમામ સચિવ અને અન્ય પ્રતિષ્ઠિત લોકોને પણ આ ડીનરના ગેસ્ટ લિસ્ટમાં સ્થાન મળ્યું છે. જોકે મલ્લિકાર્જુન ખડગે સંસદ સદસ્ય, રાજ્યસભામાં વિપક્ષના નેતા અને સૌથી જૂની પાર્ટીના અધ્યક્ષ છે છતાં પણ તેમને બાકાત રાખવામાં આવ્યા છે. એક અહેવાલ પ્રમાણે અન્ય કોઈ રાજકીય પાર્ટીના નેતાને પણ આમંત્રિત નથી કરાયા.

મુખ્યમંત્રીઓમાં મમતા બેનર્જી ઉપરાંત નીતિશ કુમાર, ઝારખંડના હેમંત સોરેન, તમિલનાડુના એમકે સ્ટાલિન, દિલ્હીના અરવિંદ કેજરીવાલ અને પંજાબના ભગવંત માને ડીનરમાં સામેલ થવાની પુષ્ટી કરી છે. દ્રૌપદી મુર્મૂને ‘ભારતના રાષ્ટ્રપતિ’ તરીકે દર્શાવતા આમંત્રણ પત્રનો વિરોધ દાખવવા છતાં મમતા બેનર્જી G20 ડીનરમાં શેખ હસીના સાથેની મિત્રતાના કારણે સામેલ થઈ રહ્યા હોવાની શક્યતા છે. તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો છે. 

સીપીઆઈ(એમ) દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે મમતા બેનર્જીને ભૂતકાળની માફક દિલ્હીમાં કોઈ અન્ય કામ પણ હશે. જ્યારે બંગાળ ભાજપના વરિષ્ઠ નેતા રાહુલ સિન્હાના કહેવા પ્રમાણે મમતા બેનર્જીએ આમંત્રણ સ્વીકારીને સારૂ કર્યું કારણ કે, રાજ્યની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે અને તેઓ પશ્ચિમ બંગાળનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે.