ઈન્ડિગોની મુંબઈ-ગુવાહાટી ફ્લાઈટમાં ઉંઘવાનું નાટક કરી મહિલાની છેડતી કરનારા શખ્સની ધરપકડ

દેશમાં મહિલાઓ સાથે છેડતીની ઘટનામાં ખૂબ વધારો થઈ રહ્યો છે અને હવે ફ્લાઈટમાં પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં મુંબઈ-ગુવાહાટી ફ્લાઈટમાં મહિલા પેસેન્જર સાથે છેડતીની ઘટના સામે આવી છે. શનિવારે રાતે 9 વાગ્યે ઈન્ડિગોની મુંબઈ-ગુવાહાટી ફ્લાઈટ 6E-5319એ ઉડાન ભરી હતી.  રાતમાં કેબિનનો પ્રકાશ ઘટ્યા બાદ પીડિત મહિલા પેસેન્જર સીટના આર્મરેસ્ટ્સ નીચે કરીને […]

Share:

દેશમાં મહિલાઓ સાથે છેડતીની ઘટનામાં ખૂબ વધારો થઈ રહ્યો છે અને હવે ફ્લાઈટમાં પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં મુંબઈ-ગુવાહાટી ફ્લાઈટમાં મહિલા પેસેન્જર સાથે છેડતીની ઘટના સામે આવી છે. શનિવારે રાતે 9 વાગ્યે ઈન્ડિગોની મુંબઈ-ગુવાહાટી ફ્લાઈટ 6E-5319એ ઉડાન ભરી હતી. 

રાતમાં કેબિનનો પ્રકાશ ઘટ્યા બાદ પીડિત મહિલા પેસેન્જર સીટના આર્મરેસ્ટ્સ નીચે કરીને સૂઈ ગઈ હતી. તે સમયે તેના બાજુમાં એક શખ્સ બેઠેલો હતો. મહિલાના કહેવા પ્રમાણે થોડા સમય બાદ તેની આંખ ખુલી ત્યારે આર્મરેસ્ટ્સ ઉપર થઈ ગયેલો અને બાજુવાળો શખ્સ તેની તરફ ઝુકેલો હતો. મહિલાને થોડું વિચિત્ર લાગ્યું હતું પરંતુ તેમણે આર્મરેસ્ટ્સ નીચે કરી ફરી આંખો બંધ કરી દીધી હતી. 

ઊંઘવાનું નાટક કરી છેડતી કરી

થોડા સમય બાદ તે મહિલાને તે શખ્સનો હાથ પોતાના શરીર પર ફરતો હોવાનું અનુભવાયુ હતું. મહિલાએ જોયું તો તે શખ્સની આંખો બંધ હતી. મતલબ કે તે ઉંઘમાં હોવાનું નાટક કરી રહ્યો હતો. ત્યાર બાદ મહિલા પેસેન્જરે પોતાની આંખો અડધી બંધ કરી લીધી હતી અને શું બની રહ્યું છે તે જોવા ઉંઘમાં હોવાનું નાટક કર્યુ હતું. 

મહિલા તે શખ્સના ઈરાદા સમજવા માગતી હતી અને થોડી મિનિટોમાં જ આરોપીએ મહિલાના શરીર પર હાથ ફેરવવાનું શરૂ કરી દીધું હતું. પીડિત મહિલાના કહેવા પ્રમાણે જ્યારે તે શખ્સ ઉંઘવાનું નાટક કરીને છેડતી કરી રહ્યો હોવાનું સમજાયું એટલે તે એકદમથી સજ્જડ થઈ ગઈ હતી અને ચીસો પાડવા માગતી હતી પણ જાણે તેનો અવાજ અટકી ગયો હોય તેમ લાગ્યું હતું. 

બાદમાં તે મહિલાએ હિંમત કરીને તે શખ્સનો હાથ દૂર કર્યો હતો અને સીટની લાઈટ ચાલુ કરી ચીસો પાડીને કેબિન ક્રૂને બોલાવ્યા હતા. મહિલાએ આંખમાં આંસુ સાથે પોતાની છેડતીની ઘટના અંગે જાણ કરી હતી. બાદમાં આરોપી મહિલાની માફી પણ માગવા લાગ્યો હતો. 

ઈન્ડિગોએ આ મામલે સ્ટેટમેન્ટ બહાર પાડીને રાતે 12:15 કલાકે ફ્લાઈટ ગુવાહાટી પહોંચી એટલે તે શખસની ધરપકડ કરી લેવાઈ હોવાની માહિતી આપી હતી. સાથે જ કંપની છેડતીની કથિત ઘટનામાં સંપૂર્ણ સહયોગ આપશે તેવી ખાતરી આપી હતી. મહિલાએ છેડતી કરનારા શખ્સ સામે સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો કેસ દાખલ કર્યો છે. 

ફ્લાઈટમાં છેડતીની ઘટનાઓ

ફ્લાઈટમાં મહિલા મુસાફર સાથે છેડતીની આ છેલ્લા 3 મહિનામાં નોંધાયેલી 5મી ઘટના છે. 7 સપ્ટેમ્બરના રોજ મુંબઈ થઈને જઈ રહેલી મસ્કત-ઢાકા વિસ્તારા ફ્લાઈટમાં મહિલા ફ્લાઈટ અટેન્ડન્ટ સાથે છેડતીની ઘટના બની હતી. 18 ઓગષ્ટના રોજ માલે-બેંગલુરૂ ફ્લાઈટમાં માલદીવના 51 વર્ષીય પેસેન્જરે એરહોસ્ટેસની છેડતી કરી હતી. 

16 ઓગષ્ટના રોજ દિલ્હીથી મુંબઈ જઈ રહેલી સ્પાઈસજેટની ફ્લાઈટમાં પુરૂષ યાત્રીએ સંતાઈને ફ્લાઈટ અટેન્ડન્ટ અને અન્ય મહિલાના વીડિયો બનાવવાની સાથે આપત્તિજનક ફોટો લીધા હતા. 26 જુલાઈના રોજ દિલ્હી-મુંબઈ ફ્લાઈટમાં 24 વર્ષીય મહિલા ડોક્ટરે એક પ્રોફેસર પર છેડતીનો આરોપ લગાવ્યો હતો.