પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા સામે NIAની મોટી કાર્યવાહી, યુપી-દિલ્હી સહિત અનેક રાજ્યોમાં દરોડા

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સામે એક્શન લઈને ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને દિલ્હી સહિત અનેક રાજ્યના એક ડઝન જેટલા સ્થળોએ દરોડા પાડ્યા છે. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા સામે રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા ભારે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમાં કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી […]

Share:

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સામે એક્શન લઈને ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને દિલ્હી સહિત અનેક રાજ્યના એક ડઝન જેટલા સ્થળોએ દરોડા પાડ્યા છે. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા સામે રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા ભારે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમાં કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. 

ગત વર્ષે PFI પર બૅન લગાવાયો છે

નોંધનીય છે કે, આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હોવાના કારણે ગત વર્ષે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ) પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય તપાસ એજન્સીની (એનઆઈએ) ટીમે મોડી રાતથી રાજસ્થાનના ટોંક, કોટા અને ગંગાપુરમાં પણ દરોડા પાડ્યા હતા. 

રાષ્ટ્રીય તપાસ એજન્સીની ટીમે બુધવારે મુંબઈમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. રાષ્ટ્રીય તપાસ એજન્સીની ટીમ કેદીઓના અધિકાર માટે લડનારા કાર્યકર અબ્દુલ વાહિદ શેખના ઘરે પહોંચી હતી પણ તેણે દરવાજો ખોલવાનો ઈનકાર કરી દીધો હતો. અબ્દુલ વાહિદે દરોડો પાડવા આવેલા લોકોને તેમના ઓળખ કાર્ડ અને નોટિસ બતાવવા માટે કહ્યું હતું. 

ત્યાર બાદ રાષ્ટ્રીય તપાસ એજન્સીની ટીમે બપોરે 11 વાગ્યે સર્ચ વોરન્ટ મગાવીને દેખાડ્યું એટલે અબ્દુલ વાહિદ શેખે દરવાજો ખોલ્યો હતો અને તેના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અબ્દુલ વાહિદ શેખ 7/11ના રોજ મુંબઈ ટ્રેન વિસ્ફોટ થયા હતા તે કેસનો આરોપી હતો પણ બાદમાં કોર્ટે તેને છોડી મુક્યો હતો. 

પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા સામે NIA એક્શન મોડમાં

રાષ્ટ્રીય તપાસ એજન્સીના સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે આ દરોડાઓ એજન્સીના કેસ નંબર 31/2022 અતંર્ગત હાથ ધરવામાં આવ્યા છે. આ કેસ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા અને તેના નેતાઓ, કેડર્સની હિંસક અને ગેરકાયદેસર ગતિવિધિમાં સામેલગીરી સાથે સંબંધિત છે. તમામ આરોપીઓ પટનાના ફુલવારીશરીફ વિસ્તારમાં હિંસક અને ગેરકાયદેસર ગતિવિધિના ઉદ્દેશ્યથી એકઠા થયા હતા. 

અગાઉ 8મી ઓક્ટોબર, રવિવારના રોજ તિરૂવનંતપુરમ વિમાન મથક ખાતેથી પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના શકમંદને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. તે કુવૈત જવાની તૈયારીમાં હતો પરંતુ તે પહેલા જ રાષ્ટ્રીય તપાસ એજન્સીએ તેને દબોચી લીધો હતો. 

પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાને કોર્ટમાંથી રાહત નહીં

દિલ્હી હાઈકોર્ટ ટ્રિબ્યુનલે કેન્દ્ર સરકાર દ્વારા પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા પર ભારતમાં લગાવેલા પ્રતિબંધના નિર્ણયને યથાવત રાખ્યો હતો. ગૃહ મંત્રાલયે 28મી સપ્ટેમ્બરના રોજ ગેરકાયદેસર ગતિવિધિ (રોકથામ) અધિનિયમ, 1967 અતંર્ગત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા અને તેના 8 સહયોગીઓ પર 5 વર્ષ માટે પ્રતિબંધ જાહેર કર્યો હતો. 

પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા પર એવો આરોપ છે કે, તેના ઈસ્લામિક સ્ટેટ (આઈએસ) જેવા વૈશ્વિક આતંકવાદી સંગઠનો સાથે સંબંધ છે. કેન્દ્ર સરકારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા અને તેના સહયોગીઓ કે તેના સાથે સંબંધીત સંગઠનો પર પ્રતિબંધ મુક્યો છે જેમાં રેહાબ ઈન્ડિયા ફાઉન્ડેશન (RIF), કેમ્પસ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (CFI), ઓલ ઈન્ડિયા ઈમામ્સ કાઉન્સિલ (AIIC), નેશનલ કોન્ફેડરેશન ઓફ હ્યુમન રાઈટ્સ ઓર્ગેનાઈઝેશન (NCHRO), નેશનલ વૂમન્સ ફ્રન્ટ, જુનિયર ફ્રન્ટ, ઈમ્પાવર ઈન્ડિયા ફાઉન્ડેશન અને રેહાબ ફાઉન્ડેશન (કેરળ)નો સમાવેશ થાય છે.