ગુલામ નબી આઝાદના મુસ્લિમો અંગે વિવાદાસ્પદ નિવેદન પર મહેબુબા મુફ્તીએ આપી પ્રતિક્રિયા 

ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (DPAP)ના અધ્યક્ષ ગુલામ નબી આઝાદે એવું કહીને વિવાદ ઉભો કર્યો છે કે મોટાભાગના ભારતીય મુસ્લિમોએ હિન્દુ ધર્મમાંથી ધર્માંતરણ કર્યું છે. તેમના નિવેદનની સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું કે આનું ઉદાહરણ કશ્મીરની ખીણમાં જોવા મળે છે જ્યાં બહુમતી ધરાવતા કશ્મીરી પંડિતોએ ઈસ્લામ અંગીકાર કર્યો હતો. તેમના આ નિવેદનથી હલચલ મચી ગઈ છે. ગુલામ […]

Share:

ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (DPAP)ના અધ્યક્ષ ગુલામ નબી આઝાદે એવું કહીને વિવાદ ઉભો કર્યો છે કે મોટાભાગના ભારતીય મુસ્લિમોએ હિન્દુ ધર્મમાંથી ધર્માંતરણ કર્યું છે. તેમના નિવેદનની સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું કે આનું ઉદાહરણ કશ્મીરની ખીણમાં જોવા મળે છે જ્યાં બહુમતી ધરાવતા કશ્મીરી પંડિતોએ ઈસ્લામ અંગીકાર કર્યો હતો. તેમના આ નિવેદનથી હલચલ મચી ગઈ છે. ગુલામ નબી આઝાદ જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં એક સભાને સંબોધિત કરી રહ્યા હતા જ્યાં તેમણે ભારતમાં ધર્મોના ઐતિહાસિક સંદર્ભ વિશે અવલોકન કર્યું હતું.

હિંદુ ધર્મ ઘણો જૂનો- ગુલાબ નબી આઝાદ

એક અહેવાલ અનુસાર, ગુલામ નબી આઝાદે કહ્યું કે, “કેટલાક ભાજપના નેતાએ કહ્યું કે કેટલાક (મુસ્લિમો) બહારથી આવ્યા છે અને કેટલાક નથી. કોઈ બહારથી કે અંદરથી આવ્યું નથી. ઈસ્લામ માત્ર 1,500 વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યો હતો. હિંદુ ધર્મ ઘણો જૂનો છે. તેમાંથી લગભગ 10-20 (મુસ્લિમો) બહારથી આવ્યા હોવા જોઈએ, કેટલાક મુઘલ સેનામાં હતા.” 

જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે કહ્યું, “ભારતમાં અન્ય તમામ મુસ્લિમોએ હિંદુ ધર્મમાંથી ધર્મપરિવર્તન કર્યું. આનું ઉદાહરણ કશ્મીરમાં જોવા મળે છે. 600 વર્ષ પહેલાં કશ્મીરમાં મુસ્લિમો કોણ હતા? બધા કશ્મીરી પંડિતો હતા. તેઓએ ઈસ્લામ સ્વીકાર્યો હતો. બધા આ ધર્મમાં જન્મ્યા છે.” 

મત મેળવવા માટે ધર્મનો ઉપયોગ કરવા પર કટાક્ષ કરતા ગુલામ નબી આઝાદે કહ્યું, “રાજકારણમાં જે ધર્મનો આશ્રય લે છે તે નબળો છે. રાજકારણમાં ધર્મનો ઉપયોગ વોટ બેંક તરીકે ન થવો જોઈએ. મત હિંદુ અને મુસ્લિમ નામના આધારે ન આપવો જોઈએ.”

મહેબુબા મુફ્તીએ આપી પ્રતિક્રિયા

જો કે, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) ના પ્રમુખ મહેબૂબા મુફ્તીએ ગુલામ નબી આઝાદ પર કટાક્ષ કર્યો અને કહ્યું, “મને ખબર નથી કે તેઓ કેટલા પાછળ (સમયમાં) ગયા અને તેમને તેમના પૂર્વજો વિશે શું જ્ઞાન છે. હું તેમને પાછા જવાની સલાહ આપીશ અને કદાચ તેમને ત્યાં પૂર્વજોમાં કેટલાક વાંદરાઓ જોવા મળશે.”

આ દરમિયાન, બીજેપીના વરિષ્ઠ નેતા કવિન્દર ગુપ્તા ગુલામ નબી આઝાદની ટિપ્પણી સાથે સંમત થયા હતા અને કહ્યું હતું કે “આક્રમણકારો” અન્ય ધર્મો લાવ્યા તે પહેલા લોકો હિન્દુ ધર્મનું પાલન કરતા હતા.

ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી કવિન્દર ગુપ્તાએ કહ્યું, “ભારતમાં ઈસ્લામની શરૂઆત વિશે ગુલામ નબી આઝાદ દ્વારા આપવામાં આવેલી સમયરેખા સાચી છે.” 

એક અહેવાલ અનુસાર, વિશ્વ હિંદુ પરિષદ (VHP) અને બજરંગ દળે ગુલામ નબી આઝાદના નિવેદનને આવકાર્યું છે કે મોટાભાગના ભારતીય મુસ્લિમોએ હિંદુ ધર્મ છોડી દીધો છે. 

વધુમાં, રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા અને રાજ્યસભાના સાંસદ મનોજ ઝાએ કહ્યું, “માનવતાને અન્ય તમામ બાબતો પર પ્રાથમિકતા આપવી જોઈએ, પછી ભલે તે ધર્મ, સરહદો, રાષ્ટ્રીયતા અથવા સભ્યતા હોય.”