ગ્રાહકોને GST બિલ મેળવવા માટે પ્રોત્સાહિત કરવા 6 રાજ્યોમાં શરૂ કરાઈ ‘મેરા બિલ મેરા અધિકાર’ યોજના

દેશભરના ગ્રાહકોને કોઈ વસ્તુની ખરીદી કર્યા બાદ બિલ લેવા માટે પ્રોત્સાહિત કરવા માટે કેન્દ્ર સરકારે 1 સપ્ટેમ્બરથી ‘મેરા બિલ મેરા અધિકાર’ યોજના લોન્ચ કરી છે. આ યોજના દ્વારા સરકાર સામાન્ય નાગરિકોને માત્ર બિલ દેખાડીને 1 કરોડ રૂપિયા સુધીનું બંપર ઈનામ જીતવાની તક આપી રહી છે. તે સિવાય નાગરિકોને 10-10 લાખ અને 10-10 હજાર રૂપિયાના ઈનામ […]

Share:

દેશભરના ગ્રાહકોને કોઈ વસ્તુની ખરીદી કર્યા બાદ બિલ લેવા માટે પ્રોત્સાહિત કરવા માટે કેન્દ્ર સરકારે 1 સપ્ટેમ્બરથી ‘મેરા બિલ મેરા અધિકાર’ યોજના લોન્ચ કરી છે. આ યોજના દ્વારા સરકાર સામાન્ય નાગરિકોને માત્ર બિલ દેખાડીને 1 કરોડ રૂપિયા સુધીનું બંપર ઈનામ જીતવાની તક આપી રહી છે. તે સિવાય નાગરિકોને 10-10 લાખ અને 10-10 હજાર રૂપિયાના ઈનામ જીતવાની પણ તક મળી રહી છે. 

જાણો ‘મેરા બિલ મેરા અધિકાર’ યોજના વિશે

 ‘મેરા બિલ મેરા અધિકાર’ યોજના ખાસ કરીને ગ્રાહકો માટે લોન્ચ  કરવામાં આવી છે જેથી તેઓ ખરીદી બાદ GST બિલ મેળવવા પ્રોત્સાહિત બને. નાણા મંત્રાલયના કહેવા પ્રમાણે GST બિલ અપલોડ કરવા પર લોકોને 10,000 રૂપિયાથી લઈને 1 કરોડ રૂપિયાનું ઈનામ મળી શકે છે. સરકાર 10-10 હજાર રૂપિયાના 800 માસિક ઈનામ ગ્રાહકોને આપશે અને તે સિવાય 10-10 લાખ રૂપિયાના 10 ઈનામ પણ યોજનામાં સમાવિષ્ટ છે. જ્યારે દર 3 મહિને બંપર લકી ડ્રોમાં 1 કરોડ રૂપિયા જીતવાની તક મળશે. આમ ઓછામાં ઓછા 200 રૂપિયાના GST બિલ વડે દર મહિને 10 લાખ રૂપિયા સુધીનું ઈનામ લાગી શકે છે. 

6 રાજ્યોમાં શુભારંભ

આ યોજનાનો ફાયદો મેળવવા માટે મોબાઈલ એપ ડાઉનલોડ કરવાની રહેશે. હાલ પાઈલોટ પ્રોજેક્ટ તરીકે આસામ, ગુજરાત, હરિયાણા, પોંડિચેરી, દીવ-દમણ અને દાદરા-નગર હવેલીમાં આ સુવિધાનો આરંભ કરવામાં આવ્યો છે. આ યોજના આગામી 12 મહિના સુધી ચાલુ રહેશે. 

મેરા બિલ મેરા અધિકારની સ્કીમમાં ભાગ લેવા માટેની શરતો

– આ સ્કીમમાં ઉપર જણાવેલા 6 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશની કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકશે. 

– આ માટે તમારે દુકાનદાર પાસેથી પાક્કા GST બિલ કે ઈનવોઈસની માગણી કરવાની રહેશે. 

– આ સ્કીમ માટે બનાવાયેલા સ્પેશિયલ પોર્ટલ પર તમે એક મહિનામાં માત્ર 25 જેટલા બિલ અપલોડ કરી શકશો. 

– અપલોડ કરવામાં આવેલા બિલમાં સપ્લાયરનો GSTIN, બિલ નંબર, તારીખ અને રકમ નોંધાયેલી હોય તે જરૂરી છે.

આ રીતે અપલોડ કરો GST બિલ

– જો તમે પણ આ યોજનામાં સહભાગી બનવા ઈચ્છો છો તો સૌથી પહેલા એપ ડાઉનલોડ કરવી. તે સિવાય તમે web.merabill.gst.gov.in ની પણ વિઝિટ કરી શકો છો. 

– અહીં તમે 200 રૂપિયાથી વધારેના મૂલ્યના બિલ અપલોડ કરીને આ પ્રતિયોગિતામાં સહભાગી બની શકો છો અને 1 કરોડ રૂપિયા સુધીનું ઈનામ જીતી શકશો. 

– બિલ અપલોડ કરતી વખતે તમારે તમારૂં નામ, મોબાઈલ નંબર, રાજ્ય અને નિયમ, શરતો વગેરે સ્વીકાર કરીને સબમિટ કરવાનું રહેશે.