પીએમ મિત્ર પાર્ક માટેના MOU પર સુરતમાં હસ્તાક્ષર થયા

કેન્દ્રીય વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે નવસારી જિલ્લાના વાંસી ગામમાં પીએમ મેગા ઈન્ટિગ્રેટેડ ટેક્સટાઈલ રિજન એન્ડ એપેરલ (પીએમ મિત્ર પાર્ક) સ્થાપવા માટેના MOU પર હસ્તાક્ષર કર્યા હતા. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એક સભાને સંબોધતા પીયૂષ ગોયલે કહ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ ગુજરાતના મુખ્યમંત્રી […]

Share:

કેન્દ્રીય વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે નવસારી જિલ્લાના વાંસી ગામમાં પીએમ મેગા ઈન્ટિગ્રેટેડ ટેક્સટાઈલ રિજન એન્ડ એપેરલ (પીએમ મિત્ર પાર્ક) સ્થાપવા માટેના MOU પર હસ્તાક્ષર કર્યા હતા.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એક સભાને સંબોધતા પીયૂષ ગોયલે કહ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પીએમ મિત્ર પાર્ક યોજના વિશે વિચાર્યું હતું. તે જાણતા હતા કે કાપડ ઉદ્યોગમાં આપણી મોટી નબળાઈ છે તેનું કારણ વિભાજન હતું. આપણે કપાસના ઉત્પાદનમાં ખૂબ સારા છીએ પરંતુ કાપડના કારખાનાઓ વિખરાયેલા છે અને દૂર દૂરના સ્થળોએ સ્થિત છે અને તેના કારણે લોજિસ્ટિક ખર્ચમાં વધારો થાય છે. જેને કારણે પ્રોડક્ટ ઘણી મોંઘી થઈ ગઈ છે.”

“અમને પીએમ મિત્ર પાર્ક સ્થાપવા માટે 13 રાજ્યોમાંથી 1809 અરજીઓ મળી હતી. અમે કનેક્ટિવિટી, ઈકો-સિસ્ટમ, ટેક્સટાઈલ અને ઔદ્યોગિક નીતિ, પાવર, પાણી અને ડિજિટલ કનેક્ટિવિટી જેવી ઉપયોગિતાઓ તેમજ પર્યાવરણીય અસર જેવા પરિણામોને ધ્યાનમાં લીધા હતા. તમામ પરિમાણોમાં નવસારી સારું સાબિત થયું અને તેની પસંદગી કરવામાં આવી,” પીયૂષ ગોયલે જણાવ્યું હતું.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, વર્ષ 2013-14માં ભારત પાંચ નબળી અર્થવ્યવસ્થામાંથી એક ગણાતું હતું અને માત્ર 9 વર્ષમાં જ તે હવે દુનિયાની 5 સૌથી મોટી અર્થવ્યવસ્થામાંથી એક બની ગયું છે. ટૂંક સમયમાં જ તે દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે.

આ ઉદ્યાનો કાપડ ઉદ્યોગની સ્પર્ધાત્મકતા વધારો કરશે અને તેને મોટાપાયે અર્થતંત્ર હાંસલ કરવામાં મદદ કરશે તેમજ વૈશ્વિક ઉદ્યોગપતિઓને ભારતમાં ઉત્પાદન કરવા માટે આકર્ષિત કરશે. તે ટેક્સટાઈલ અને તેની સાથે જોડાયેલા ક્ષેત્રમાં નવીનતા અને રોજગાર સર્જન કરવામાં પણ મદદ કરશે. સાત રાજ્યોમાં આવા ટેક્સટાઈલ પાર્કની સ્થાપના કરવામાં આવી રહી છે અને કોઈપણ પૂર્વગ્રહ વિના અને પારદર્શક રીતે સ્થળની પસંદગી કરવામાં આવી છે.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ પાર્ક 1,142 એકરના પ્લોટ પર વિકસાવવામાં આવશે. આ દેશનો સાતમો પીએમ મિત્ર પાર્ક છે. આ કાર્યક્રમમાં સીએમ ભુપેન્દ્ર પટેલે કહ્યું કે, “પીએમ મિત્ર પાર્કના કુલ પ્રોજેક્ટ ખર્ચમાંથી, ગુજરાત સરકાર 30 ટકા ભંડોળ આપશે, જે રૂ. 500 કરોડ છે. આ પ્રોજેક્ટમાં 10,000 કરોડ રૂપિયાના રોકાણની અપેક્ષા છે. અમને આ માટે રોકાણમાં રસ ધરાવતી 1,809 અરજીઓ મળી છે તથા વધુ અરજીઓ આવી રહી છે.

આ પાર્કમાં સામાન્ય સુવિધા કેન્દ્રો જેમ કે સામગ્રી સંભાળવાની સુવિધાઓ, તાલીમ અને કૌશલ્ય વિકાસ કેન્દ્ર અને પરીક્ષણ કેન્દ્રોનો વિકાસ થતો જોવા મળશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી અને સ્થાનિક સાંસદ દર્શના જરદોશ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ હાજર રહ્યા હતા.