ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં વરસાદે કહેર વરસાવ્યો છે. અવિરત અને ભારે વરસાદને કારણે મુંબઈ જળમગ્ન બન્યું છે. સતત બે અઠવાડિયા સુધી વરસાદ પડવાને કારણે જુલાઈ મહિનામાં રેકોર્ડ તૂટ્યો છે. બુધવારે શહેરના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી વધુ વરસાદ જુલાઈ મહિનામાં નોંધાયો. ભારતીય હવામાન વિભાગે (IMD) સાંતાક્રુઝની અવલોકનશાળાએ જુલાઈમાં 1557.8 મીમી વરસાદ નોંધ્યો હતો. તે 2020માં અગાઉના રેકોર્ડને વટાવી ગયો, જ્યારે શહેરમાં જુલાઈમાં 1,502 મીમી વરસાદ નોંધાયો હતો.
IMD એ જણાવ્યું કે 1 જુલાઈથી 26 જુલાઈ, 2023 સુધી સવારે 08.30 કલાકે, સાંતાક્રુઝની અવલોકનશાળાએ 1,433 મીમી વરસાદ નોંધાયો હતો. જુલાઈ મહિનામાં સૌથી વધુ વરસાદનો રેકોર્ડ 26 જુલાઈ, 2023ના રોજ રાત્રે 8.30 વાગ્યે તૂટ્યો હતો, સાંતાક્રુઝ અવલોકનશાળાએ અત્યાર સુધીમાં કુલ 1557.8 મીમી વરસાદ નોંધાયો છે.
IMD એ શહેર માટે હવામાન વિભાગે ચેતવણીને ‘રેડ એલર્ટ’ કેટેગરીમાં અપગ્રેડ કરી, અલગ-અલગ સ્થળોએ અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મુંબઈ અને તેના ઉપનગરોમાં 26 જુલાઈના રોજ રાત્રે 8:00 વાગ્યાથી 27 જુલાઈના રોજ બપોર સુધી ‘અતિ ભારે વરસાદ’ થવાની સંભાવના છે.
BMCએ તમામ નાગરિકોને સતર્ક રહેવા અને ઘરની અંદર રહેવા વિનંતી કરી છે કારણ કે મુંબઈમાં આખો દિવસ સતત ભારે વરસાદ પડયો હતો, જેના કારણે રોડ પર ટ્રાફિક ઓછો હતો.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ પણ મુંબઈમાં 27 જુલાઈએ તમામ સરકારી અને ખાનગી શાળાઓ અને કોલેજોમાં રજાની જાહેરાત કરી હતી. IMD દ્વારા મહાનગર માટે “રેડ એલર્ટ” જાહેર કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. BMC દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે, “મુંબઈ માટે જાહેર કરાયેલ રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને, BMCએ ગુરુવારે તમામ મ્યુનિસિપલ, સરકારી અને ખાનગી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને શહેર અને ઉપનગરોની તમામ કોલેજોમાં રજા જાહેર કરી છે કારણ કે શહેરની સલામતી મુખ્ય પ્રાથમિકતા છે.”
બુધવારે મુંબઈમાં અવિરત ભારે વરસાદ પડયો હતો, જેના કારણે રોડ પર ટ્રાફિક ઓછો જોવા મળ્યો હતો. ફોર્ટ, કોલાબા, નરીમન પોઈન્ટ, એલ્ફિન્સ્ટન રોડ, ગ્રાન્ટ રોડ સહિત અનેક વિસ્તારોમાં તેમજ અંધેરી, મરોલ, જોગેશ્વરી અને ગોરેગાંવ સહિતના ઉપનગરોમાં બુધવારે 100 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો.
શહેરમાં સવારે 8 થી સાંજના 4 વાગ્યાની વચ્ચે 61.19 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે પૂર્વ ઉપનગરો અને પશ્ચિમ ઉપનગરોમાં આ જ સમયગાળામાં અનુક્રમે 34.53 મીમી અને 40.68 મીમી વરસાદ નોંધાયો હતો. સવારના કલાકોમાં ઉપનગરોમાં વરસાદની તીવ્રતા વધુ હતી જ્યારે દરિયાઈ વિસ્તારમાં બપોરે ધીમી ધારે ભારે વરસાદ પડયો હતો.
મહારાષ્ટ્રમાં અવિરત વરસાદને કારણે તેના જિલ્લાઓના વિવિધ ભાગોમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી છે. દરિયાકાંઠાના વિસ્તારોની નજીકના ગામોને ચેતવણી આપવામાં આવી છે.