મુંબઈ-રાંચી ઈન્ડિગો ફ્લાઈટમાં મુસાફરને લોહીની ઉલટીઓ થતાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું

મુંબઈથી રાંચી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટનું સોમવારે સાંજે નાગપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. એક પેસેન્જરને અચાનક જ લોહીની ઉલટીઓ થવા લાગતાં પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. તે મુસાફરને નાગપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન જ તેમનું મોત થઈ ગયું હતું.  ટીબીથી પીડાતા વ્યક્તિને લોહીની ઉલટી બાદ ઈમરજન્સી લેન્ડિંગ […]

Share:

મુંબઈથી રાંચી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટનું સોમવારે સાંજે નાગપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. એક પેસેન્જરને અચાનક જ લોહીની ઉલટીઓ થવા લાગતાં પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. તે મુસાફરને નાગપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન જ તેમનું મોત થઈ ગયું હતું. 

ટીબીથી પીડાતા વ્યક્તિને લોહીની ઉલટી બાદ ઈમરજન્સી લેન્ડિંગ

મૃતક દેવાનંદ તિવારીની ઉંમર 62 વર્ષ હતી. તેઓ ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ 6E 5093 માં મુસાફરી કરી રહ્યા હતા. તેમને કિડનીની સમસ્યા હતી અને ટ્યુબરક્યુલોસિસ (ટીબી)ની બીમારીથી પણ પીડિત હતા. મુસાફરી દરમિયાન અચાનક જ તેમની તબિયત લથડી હતી અને લોહીની ખૂબ જ ઉલટીઓ થયા બાદ તેમનું મોત થઈ ગયું હતું. ફ્લાઈટમાં જ તેમની તબિયત ખરાબ થવાના કારણે વિમાનનું નાગપુરના ડૉ. બાબાસાહેબ આંબેડકર આંતરરાષ્ટ્રીય વિમાન મથક ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. 

હોસ્પિટલ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન પ્રમાણે ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા દેવાનંદ તિવારી ટીબી અને ક્રોનિક કિડની રોગના દર્દી હતા. તેમણે વિમાનમાં જ ભારે પ્રમાણમાં લોહીની ઉલટીઓ કરી દીધી હતી અને તેમને હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે તેઓ મૃત સ્થિતિમાં જ હતા. આગળની કાર્યવાહી માટે તેમના મૃતદેહને સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ લઈ દવામાં આવ્યો હતો. 

ડીજીએમ એજાજ શમીએ વિમાની મુસાફરના મૃત્યુ અંગે વધુ જાણકારી આપી હતી. તેમણેજણાવ્યું હતું કે, ફ્લાઈટનું નાગપુર એરપોર્ટ ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ફ્લાઈટમાં લોહીની ઉલટી થઈ હતી તે મુસાફર દેવાનંદ તિવારીને સારવાર માટે વિમાની મથક પર આવેલી કિમ્સ-કિંગ્સવે હોસ્પિટલની એમ્બ્યુલન્સ દ્વારા સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. 

તાજેતરમાં જ એક પાયલટનું મોત થયું હતું

જરૂરી મેડિકલ પ્રક્રિયાઓ અને મંજૂરી બાદ ઈન્ડિગો ફ્લાઈટે સફળતાપૂર્વક નાગપુરથી રાંચી સુધીની મુસાફરી શરૂ કરી હતી. એરપોર્ટથી કોઈ દર્દીને હોસ્પિટલ મૃત સ્થિતિમાં લઈ જવામાં આવે તેવી આ તાજેતરની બીજી ઘટના છે. ગત સપ્તાહે જ એક 40 વર્ષીય ઈન્ડિગો પાયલટનું મોત થયું હતું. 

17 ઓગષ્ટના રોજ નાગપુર એરપોર્ટ પરથી ઉડાન પહેલા ઈન્ડિગો એરલાઈન્સના એક પાયલટનું મોત થયું હતું. તેમનું નામ કેપ્ટન મનોજ સુબ્રમણ્યમ હતું. તેઓ નાગપુરથી પુણેની ફ્લાઈટ સંભાળવાના હતા. એરપોર્ટના બોર્ડિંગ ગેટ પાસે અચાનક તેઓ નીચે પડી ગયા હતા અને તેમનું મોત થયું હતું. પ્રાથમિક તપાસમાં તેમનું મોત કાર્ડિયક અરેસ્ટના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું. એ ઘટના બાદ એરપોર્ટ પર ભારે દહેશત વ્યાપી હતી.