ગુજરાતની જીવાદોરી નર્મદા નદીએ રોદ્રસ્વરૂપ ધારણ કર્યું, વિવિધ વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ

સરદાર સરોવર ડેમમાં સતત પાણીની આવક થવાના કારણે 23 દરવાજા ખોલી 17.50 લાખ ક્યુસેકથી વધુ પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે જેના પગલે નર્મદા નદીમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. નર્મદા નદીના કાંઠા વિસ્તારના લોકોનું સ્થળાંતર કરવા તંત્ર કામે લાગ્યું છે. આ ઉપરાંત, નર્મદા નદીના કાંઠે લોકોને ન જવા માટે પણ સૂચનો આપવામાં આવ્યા છે. ગુજરાતમાં […]

Share:

સરદાર સરોવર ડેમમાં સતત પાણીની આવક થવાના કારણે 23 દરવાજા ખોલી 17.50 લાખ ક્યુસેકથી વધુ પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે જેના પગલે નર્મદા નદીમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. નર્મદા નદીના કાંઠા વિસ્તારના લોકોનું સ્થળાંતર કરવા તંત્ર કામે લાગ્યું છે. આ ઉપરાંત, નર્મદા નદીના કાંઠે લોકોને ન જવા માટે પણ સૂચનો આપવામાં આવ્યા છે.

ગુજરાતમાં NDRFની ટીમ ખડેપગે

ભારે વરસાદથી ગુજરાતમાં NDRFની 6 ટીમ તૈનાત કરી દેવાઈ છે. દક્ષિણ અને  મધ્ય ગુજરાતમાં ભારે વરસાદથી સ્થિતિ ખરાબ છે. જેથી ભરૂચ, વડોદરા, નર્મદા, રાજકોટ, જૂનાગઢમાં NDRF ટીમ તૈનાત કરાઈ છે.  

ભરૂચમાં નર્મદા નદીમાં પૂરના પગલે NDRF તેમજ SDRFની એક-એક ટુકડીને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે. NDRF અને SDRFની ટીમ પૂરની સ્થિતિમાં અસરગ્રસ્તોની મદદ માટે કટિબદ્ધ છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીએ 24 ફૂટની ભયજનક સપાટી વટાવી 33 ફૂટ પર પહોંચતા સર્જાયેલ પૂરની સ્થિતિના પગલે તંત્ર દ્વારા બચાવ અને રાહતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

નાંદોદનું માંગરોળ ગામ પૂરગ્રસ્ત બન્યું

નર્મદા નદી ગાંડીતૂર બનતા નદીકાંઠા વિસ્તારોમાં આવેલા ગામના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નર્મદા નદીનું પાણી નાંદોદના લોકો માટે આફત બન્યું છે. નર્મદાના નાંદોદ તાલુકાના માંગરોળ ગામ ખાતે વાયબ્રન્ટ સ્કૂલમાં 60થી 70 વિદ્યાર્થીઓ ફસાયા હોવાનું સામે આવ્યું છે. પુરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને NDRF અને SDRFની ટીમો દ્વારા રેસ્ક્યુ કરીને ગામમાંથી બહાર કાઢવામાં આવ્યા હતાં. 

કરજણ નદીના કિનારે આવેલ કુંભાર વાડ પાસે સત્યનારાયણ મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ત્યાં આવેલ 10 જેટલા પરિવારના 50થી વધુ લોકો ફસાયા છે. આ સિવાય નર્મદા નદીના કિનારે આવેલા વિવિધ ગામો સંપર્ક વિહોણા બન્યા છે. કેવડીયાના નીચલા ફળિયામાંથી પણ 30 લોકોનું રેસ્ક્યું કરાયું હતું.

નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં સ્થળાંતર કરાયું

વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં પણ નર્મદા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. વડોદરાના બરકાલ ગામે નદીના પ્રવાહમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના પગલે નર્મદા નદી કાંઠા વિસ્તારના 11 ગામોને કરાયા એલર્ટ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ માલસર ગામના 15 જેટલા લોકોનું સ્થળાંતર સ્થળાંતર કરવામાં આવ્યું છે.

હાલ નર્મદા જિલ્લાના 5 તાલુકાના અધિકારીઓને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવ્યા છે. આ પુરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તેઓ સતત નજર રાખી રહ્યા છે. 

નર્મદા નદી કાંઠાના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. નદી કાંઠાના 30થી વધારે ગામડાના હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. પૂર જેવી સ્થિતિ વચ્ચે ગુજરાતમાં રેલવે પરિવહનને મોટી અસર થઈ છે. આ કારણે કેટલીક ટ્રેન રદ કરવામાં આવી છે અને કેટલીક ટ્રેનોના રુટને ડાયવર્ટ કરવામાં આવ્યા છે.