ખાલિસ્તાની આતંકવાદી પન્નૂ સામે NIA એક્શન મોડમાં, અમૃતસર અને ચંદીગઢની સંપત્તિ જપ્ત કરી

ખાલિસ્તાની આતંકવાદી અને શીખ ફોર જસ્ટિસ (SFJ)ના પ્રમુખ ગુરપતવંત સિંહ પન્નૂ સામે NIAએ દ્વારા આકરા પગલાં લેવામાં આવ્યા છે. NIAએ પન્નૂની અમૃતસર અને ચંદીગઢ ખાતેની સંપત્તિઓ જપ્ત કરી લીધી છે. પન્નૂના ચંદીગઢ સ્થિત ઘરને પણ જપ્ત કરી લેવામાં આવ્યું છે. અગાઉ 2020માં પણ પન્નૂની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. પન્નૂ હાલ અમેરિકામાં છે અને તે […]

Share:

ખાલિસ્તાની આતંકવાદી અને શીખ ફોર જસ્ટિસ (SFJ)ના પ્રમુખ ગુરપતવંત સિંહ પન્નૂ સામે NIAએ દ્વારા આકરા પગલાં લેવામાં આવ્યા છે. NIAએ પન્નૂની અમૃતસર અને ચંદીગઢ ખાતેની સંપત્તિઓ જપ્ત કરી લીધી છે. પન્નૂના ચંદીગઢ સ્થિત ઘરને પણ જપ્ત કરી લેવામાં આવ્યું છે. અગાઉ 2020માં પણ પન્નૂની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. પન્નૂ હાલ અમેરિકામાં છે અને તે સતત ભારત વિરોધી વીડિયો બહાર પાડી રહ્યો છે. 

પન્નૂએ પોતાની સંપત્તિનો માલિકી હક ગુમાવ્યો

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નૂની જે સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે તેમાં અમૃતસર જિલ્લાના બાહ્ય વિસ્તારમાં પન્નૂના પૈતૃક ગામ સ્થિત ખાનકોટની 46 કનાલ કૃષિ સંપત્તિનો સમાવેશ થાય છે. NIAએ અન્ય જે સંપત્તિ જપ્ત કરી છે તે ચંદીગઢના સેક્ટર 15-સીમાં આવેલું પન્નૂનું 2033 નંબરનું મકાન છે. 

NIA દ્વારા સંપત્તિઓ જપ્ત કરવામાં આવી એટલે ગુરપતવંત સિંહ પન્નૂએ તે સંપત્તિઓ પરનો પોતાનો અધિકાર ગુમાવી દીધો છે અને તે તમામ સંપત્તિ હવે સરકારની થઈ ગઈ છે. 2020માં પણ પન્નૂની સંપત્તિ જપ્ત કરી લેવાઈ હતી મતલબ કે તે પોતાની સંપત્તિનું વેચાણ નહોતો કરી શકે તેમ. 

G20 સમિટમાં ખાલિસ્તાનીઓનું દુસાહસ

G20 સમિટ વખતે દિલ્હીમાં 4 મેટ્રો સ્ટેશન અને એક બિલ્ડિંગ પર ખાલિસ્તાનના સમર્થનમાં નારાઓ લખવામાં આવ્યા હતા. ગુરપતવંત સિંહ પન્નૂના કહેવાથી પંજાબના યુવાનોએ દિલ્હી મેટ્રો સ્ટેશન અને બિલ્ડિંગ પર ખાલિસ્તાનના સમર્થનમાં નારા લખ્યા હોવાનું સામે આવ્યું છે. 

કેનેડામાં વસતા ભારતીયોને ધમકી

કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તણાવ વ્યાપ્યો છે. ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નૂએ કેનેડામાં રહેતા ભારતીયોને ધમકી આપીને દેશ છોડી દેવા માટે જણાવ્યું છે. આ મામલે કેનેડાના હિન્દુઓએ જસ્ટિન ટ્રુડોની સરકાર સમક્ષ પન્નૂની સ્પીચ હેટ ક્રાઈમ તરીકે નોંધવા માટે માગણી કરી છે. 

પંજાબના ખાનકોટનો ગુરપતવંત સિંહ પન્નૂ હાલ અમેરિકાનો નાગરિક છે. પંજાબ યુનિવર્સિટીમાંથી લોનો અભ્યાસ કર્યા બાદ તે વિદેશ જતો રહ્યો હતો અને ત્યારથી તે કેનેડા અને અમેરિકામાં રહે છે. તે વિદેશમાં રહીને ખાલિસ્તાની ગતિવિધિઓનો અંજામ આપે છે. સાથે જ થોડા થોડા સમયે વીડિયો બહાર પાડીને ભારત સરકાર વિરૂદ્ધ ઝેર ઓકતો રહે છે. આઈએસઆઈની મદદથી તેણે SFJ નામનું એક સંગઠન રચ્યું છે જેના પર 2019માં ભારતે પ્રતિબંધ મુક્યો હતો. 

2020માં પન્નૂ આતંકવાદી જાહેર

ભારત સરકારે 2019માં આતંકવાદી ગતિવિધિઓના આરોપસર UAPA અંતર્ગત પન્નૂના સંગઠન SFJ પર પ્રતિબંધ મુક્યો હતો. ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે, શીખો માટેના રેફરેન્ડમની આડમાં SFJ પંજાબમાં અલગાવવાદ અને ઉગ્રવાદી વિચારધારાનું સમર્થન કરી રહ્યું છે. 

2020માં પન્નૂ પર અલગાવવાદને પ્રોત્સાહન આપવાનો અને પંજાબી શીખ યુવાનોને હથિયાર ઉઠાવવા માટે પ્રોત્સાહિત કરવાનો આરોપ લાગ્યો હતો. ત્યાર બાદ 1 જુલાઈ, 2020ના રોજ કેન્દ્ર સરકારે પન્નૂને UAPA અંતર્ગત આતંકવાદી જાહેર કર્યો હતો.