પોતાના દેશમાં જન ઔષધિ કેન્દ્ર મોડલનું અનુકરણ કરવા માટે નાઈજીરિયાએ ભારત પાસે મદદ માગી

સ્વાસ્થ્યના માપદંડોની દૃષ્ટિએ આફ્રિકામાં સૌથી કથળેલી સ્થિતિ ધરાવતા નાઈજીરિયાએ પોતાના ત્યાં ભારતના જન ઔષધિ કેન્દ્ર જેવા સ્ટોર ખોલવા માટે ભારતની મદદ માગી છે. નાઈજીરિયા પોતાના દેશના લોકો અને દર્દીઓના ખિસ્સાનું ભારણ ઘટાડવા માટે તેમને ગુણવત્તાયુક્ત દવાઓ, જરૂરી મેડિકલ વસ્તુઓ, સર્જિકલ સામાન વગેરે જન ઔષધિ કેન્દ્ર જેવા સ્ટોર ખોલવા ઈચ્છે છે.  નાઈજીરિયા સહિત અનેક દેશોને જન […]

Share:

સ્વાસ્થ્યના માપદંડોની દૃષ્ટિએ આફ્રિકામાં સૌથી કથળેલી સ્થિતિ ધરાવતા નાઈજીરિયાએ પોતાના ત્યાં ભારતના જન ઔષધિ કેન્દ્ર જેવા સ્ટોર ખોલવા માટે ભારતની મદદ માગી છે. નાઈજીરિયા પોતાના દેશના લોકો અને દર્દીઓના ખિસ્સાનું ભારણ ઘટાડવા માટે તેમને ગુણવત્તાયુક્ત દવાઓ, જરૂરી મેડિકલ વસ્તુઓ, સર્જિકલ સામાન વગેરે જન ઔષધિ કેન્દ્ર જેવા સ્ટોર ખોલવા ઈચ્છે છે. 

નાઈજીરિયા સહિત અનેક દેશોને જન ઔષધિ કેન્દ્ર મોડલમાં રસ પડ્યો

G20ની વર્તમાન બેઠકમાં ભાગ લેનારા અન્ય કેટલાક દેશોએ પણ આ મોડલનું અનુકરણ કરવામાં રસ દાખવ્યો છે. નાઈજીરિયાના પ્રતિનિધિ તરીકે આવેલા ઓલુચી એજેજુધીએ જન ઔષધિ કેન્દ્રની મુલાકાત બાદ જણાવ્યું હતું કે, ‘સરકાર સામાન્ય લોકો માટે સ્વાસ્થ્યલક્ષી સેવાઓ સરળ અને પરવડે તેવી બને તે માટે વિચારી રહી છે તે એક શાનદાર પહેલ છે. તે લોકોને સ્વસ્થ જીવન જીવવામાં મદદરૂપ બનવા માટેની પ્રશંસનીય પહેલ છે. અન્ય દેશોમાં પણ તેનું અનુકરણ કરી શકાય. અમે આ વિચાર અમારા દેશમાં લઈને જઈ રહ્યા છીએ અને અમારી સ્વાસ્થ્ય સંભાળ પ્રણાલીમાં તેને કઈ રીતે અપનાવી શકાય તે વિશે વિચારીશું.’

જન ઔષધિ યોજનાનું PMBJPમાં રૂપાંતરણ

નવેમ્બર 2008માં તત્કાલીન સરકારે જન ઔષધિ યોજનાનો આરંભ કર્યો હતો. મે 2014 સુધી કેટલાક પસંદગીના રાજ્યોમાં માત્ર 80 જન ઔષધિ સ્ટોર ખોલવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેને પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના (PMBJP) તરીકે નવું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. 31 જાન્યુઆરી, 2023 સુધીમાં દેશમાં PMBJP કેન્દ્રની સંખ્યા વધીને 9,082 થઈ હતી. જેમાં 1,293 કેન્દ્ર સાથે ઉત્તર પ્રદેશ સૌથી વધુ કેન્દ્ર ધરાવતું રાજ્ય બન્યું છે. તેના પછીના ક્રમે કર્ણાટક (1,034), કેરળ (977), તમિલનાડુ (859) અને મહારાષ્ટ્ર (636) સહિતના રાજ્યોનો સમાવેશ થાય છે.

ભારતમાં 9,500 જન ઔષધિ કેન્દ્ર કાર્યરત

G20 (હેલ્થ વર્કિંગ ગ્રુપ મીટિંગ)માં આવેલા પ્રતિનિધિઓએ જન ઔષધિ કેન્દ્રની મુલાકાત લીધી હતી અને જન કલ્યાણ પરિયોજનાઓ અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી. તે પૈકીના અનેકે પોતાના દેશમાં આ યોજના લાગુ કરવાની ઈચ્છા દર્શાવી હતી. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા અન્ય દેશોના પ્રતિનિધિઓના એક જૂથને જન ઔષધિ કેન્દ્ર લઈ ગયા હતા અને કઈ રીતે પ્રધાન મંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના દેશના દરેક ખૂણે લોકોને ગુણવત્તાયુક્ત અને સસ્તી દવાઓ મળી રહે તે સુનિશ્ચિત કરે છે તે અંગે માહિતી આપી હતી. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાએ ભારતમાં 9,500 જન ઔષધિ કેન્દ્ર ચાલુ છે અને ભારતે કદી સ્વાસ્થ્યને વાણિજ્ય સાથે નથી જોડ્યું તેવી સ્પષ્ટતા કરવાની સાથે ભારત અન્ય દેશોને આ પ્રકારની સુવિધા માટે તમામ સંભવિત મદદ કરશે તેની ખાતરી આપી હતી.