કેરળમાં 15મી સપ્ટેમ્બર બાદ નિપાહ વાયરસનો નવો પોઝિટિવ કેસ નહીં, સેકન્ડ વેવની શક્યતા ઓછી

કેરળ સરકારે રવિવારના રોજ રાજ્યમાં નિપાહ વાયરસનો પ્રકોપ નિયંત્રણમાં હોવાની માહિતી આપી હતી અને સતત બીજા દિવસે નિપાહ વાયરસનો કોઈ નવો પોઝિટિવ કેસ સામે ન આવ્યો હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ નિપાહ વાયરસથી સંક્રમિત દર્દીઓની સ્થિતિમાં સુધારો જણાઈ રહ્યો હોવાની માહિતી આપી હતી. રવિવારના રોજ કેરળમાં નિપાહ વાયરસના 61 ટેસ્ટ સેમ્પલ નેગેટિવ આવ્યા હતા. […]

Share:

કેરળ સરકારે રવિવારના રોજ રાજ્યમાં નિપાહ વાયરસનો પ્રકોપ નિયંત્રણમાં હોવાની માહિતી આપી હતી અને સતત બીજા દિવસે નિપાહ વાયરસનો કોઈ નવો પોઝિટિવ કેસ સામે ન આવ્યો હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ નિપાહ વાયરસથી સંક્રમિત દર્દીઓની સ્થિતિમાં સુધારો જણાઈ રહ્યો હોવાની માહિતી આપી હતી. રવિવારના રોજ કેરળમાં નિપાહ વાયરસના 61 ટેસ્ટ સેમ્પલ નેગેટિવ આવ્યા હતા.

કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે, “રાજ્ય માટે આ મોટી રાહતની વાત છે કે, નિપાહ વાયરસના કોઈ નવા પોઝિટિવ કેસ સામે નથી આવ્યા.” આ સાથે જ તેમણે સ્થિતિ કંટ્રોલમાં હોવાને લઈ રાહત દર્શાવી હતી. તેમણે 9 વર્ષના છોકરા સહિત 4 સંક્રમિત લોકોની સ્થિતિમાં સુધારો હોવાનું પણ જણાવ્યું હતું. 

નિપાહ વાયરસના સેકન્ડ વેવની શક્યતા ઓછી

સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, 15મી સપ્ટેમ્બર બાદથી નિપાહ વાયરસનો કોઈ પોઝિટિવ કેસ સામે નથી આવ્યો અને સ્થિતિ નિયંત્રણમાં છે. આ સંજોગોમાં કહી શકાય કે, નિપાહ વાયરસના સેકન્ડ વેવની શક્યતા ખૂબ ઓછી છે. જોકે પ્રોટોકોલ પ્રમાણે છેલ્લો કેસ નોંધાયા બાદના 42 દિવસ જોખમી ગણાય છે અને 42 દિવસ સુધી ખૂબ જ સાવધ રહેવાની જરૂર હોય છે. વાયરસનો ઈન્ક્યુબેશન પીરિયડ 21 દિવસનો હોય છે પરંતુ ડબલ ઈન્ક્યુબેશન પીરિયડ દરમિયાન સાવધાની રાખવી જરૂરી છે. 

ચામાચીડિયાના સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા

કેરળનો કોઝિકોડ જિલ્લો નિપાહ વાયરસને લઈ સૌથી વધારે પ્રભાવિત છે અને તે સિવાય આશરે 30 જેટલા શહેરોમાં સંક્રમણના જોખમને લઈ લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. કેરળમાં અત્યાર સુધીમાં 6 લોકોમાં નિપાહ વાયરસના સંક્રમણની પુષ્ટી કરવામાં આવી છે અને તે પૈકીના 2 લોકોના મોત થયા છે. તેમના સંપર્કમાં આવેલા 1,000થી પણ વધારે લોકો પર ગંભીરતાથી મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે. 


નિપાહ વાયરસના પ્રકોપના અનુસંધાને 36 ચામાચીડિયાના સેમ્પલ્સને પુણેની નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી (NIV)માં ટેસ્ટિંગ માટે મોકલી દેવામાં આવ્યા છે જેથી મેમલ્સમાં તેની ઉપસ્થિતિ અંગે જાણ થઈ શકે. 

નિપાહ વાયરસનો મૃત્યુ દર ચિંતાજનક

કેરળમાં 2018ના વર્ષમાં નિપાહ વાયરસનો પ્રકોપ વ્યાપ્યો હતો અને તેનો મૃત્યુ દર 40-70% છે. આમ કોરોના વાયરસનો મૃત્યુ દર 2-3% છે જ્યારે તેની સરખામણીએ નિપાહ વાયરસનો મૃત્યુ દર ખૂબ જ ઉંચો છે. નિપાહ વાયરસની સારવારમાં મોનોક્લોનલ એન્ટીબોડીના ડોઝ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે માટે ભારતે ઓસ્ટ્રેલિયા પાસેથી તેની માગણી કરી છે. સાથે જ ભારતમાં નિપાહ વાયરસની વેક્સિન બનાવવા માટે જલ્દી જ કામ શરૂ કરવા તૈયારીઓ ચાલી રહી છે.