મણિપુર હિંસા મુદ્દે વિપક્ષના સાંસદોએ કાળા વસ્ત્રો પહેરી વિરોધ નોંધાવ્યો  

મણિપુર હિંસા પર સંસદમાં મડાગાંઠ ચાલી રહી હતી અને વિપક્ષે ચોમાસુ સત્ર દરમિયાન લોકસભામાં સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી, જેને સ્પીકરે સ્વીકારી હતી. મણિપુર હિંસાનો વિરોધ કરવા માટે વિપક્ષી સાંસદોએ એક થઈ સંસદમાં કાળા વસ્ત્રો પહેર્યા હતા અને રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું હતું. મણિપુર હિંસા મામલાને લઈ ચોમાસું સત્ર શરૂ થયું ત્યારથી સંસદમાં હોબાળો ચાલી […]

Share:

મણિપુર હિંસા પર સંસદમાં મડાગાંઠ ચાલી રહી હતી અને વિપક્ષે ચોમાસુ સત્ર દરમિયાન લોકસભામાં સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી, જેને સ્પીકરે સ્વીકારી હતી. મણિપુર હિંસાનો વિરોધ કરવા માટે વિપક્ષી સાંસદોએ એક થઈ સંસદમાં કાળા વસ્ત્રો પહેર્યા હતા અને રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું હતું. મણિપુર હિંસા મામલાને લઈ ચોમાસું સત્ર શરૂ થયું ત્યારથી સંસદમાં હોબાળો ચાલી રહ્યો છે.

મણિપુર હિંસા મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનની માગ કરીને તેના વિરોધમાં એક પગલું આગળ વધારતા, વિપક્ષના નવનિયુક્ત ગઠબંધન INDIAએ 26 જુલાઈએ ઘણા દિવસોની મડાગાંઠ પછી સંસદમાં અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી. બાદમાં લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ તેને સ્વીકારી લીધી હતી અને તેમણે ગૃહને જાણ કરી હતી કે તેઓ પક્ષના નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ પ્રસ્તાવ પર ચર્ચા માટે તારીખ અને સમય નક્કી કરશે. ત્યારબાદ નીચલા ગૃહમાં સાંસદોએ મણિપુર હિંસા અંગે કેન્દ્ર સરકારના વલણ પર પોતાનો વિરોધ ચાલુ રાખ્યો અને ગૃહમાં યોગ્ય ચર્ચાની માગ કરી.

કોંગ્રેસ નેતાનો મણિપુર હિંસા મામલે આક્ષેપ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે આક્ષેપ કર્યો હતો કે 20 જુલાઈથી ચોમાસું સત્ર શરૂ થયું ત્યારથી સંસદમાં મણિપુર હિંસા મુદ્દે એક પણ પ્રશ્ન સ્વીકારવામાં આવ્યો નથી કે તેનો જવાબ આપવામાં આવ્યો નથી.

મણિપુર હિંસા મામલે સાંસદોએ કાળા વસ્ત્રો પહેરી વિરોધ નોંધાવ્યો

મણિપુર હિંસા અંગે વિપક્ષના રાજ્યસભાના કેટલાક સાંસદોએ કાળા વસ્ત્રો પહેરીને સંસદની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ગૃહમાં આવીને આ મુદ્દે નિવેદન આપવાની માગણી કરી હતી.

વિદેશ મંત્રી એસ જયશંકર ગૃહમાં ભારતની વિદેશ નીતિ પર બોલી રહ્યા હતા ત્યારે NDAના સભ્યોએ રાજ્યસભામાં ‘મોદી, મોદી’ના નારા લગાવ્યા હતા, જ્યારે વિપક્ષે ‘ઈન્ડિયા, ઈન્ડિયા’ના નારા લગાવ્યા હતા. 

કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે તેઓ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા અને સંસદમાં કાળા વસ્ત્રો પહેરવાનું 2018 જેવું જ નાટક કરી રહ્યા છે.

પીયૂષ ગોયલે વિપક્ષની ટીકા કરી

રાજ્યસભામાં ગૃહના નેતા પીયૂષ ગોયલે મણિપુરમાં હિંસાના વિરોધમાં કાળા વસ્ત્રો પહેરવા બદલ વિપક્ષની ટીકા કરી હતી. પીયૂષ ગોયલે કહ્યું કે જેઓ કાળા વસ્ત્રો પહેરે છે તેઓ “દેશની વધતી શક્તિ” ને સમજી શકતા નથી. તેમણે એમ પણ કહ્યું કે તેનો ‘ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય’ કાળો છે.

રાજ્યસભામાં વિપક્ષી સાંસદોએ મણિપુર હિંસા મુદ્દે સૂત્રોચ્ચાર કર્યા હતા અને તેમની માંગનો પુનરોચ્ચાર કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં આવીને ગૃહમાં આ મુદ્દે નિવેદન આપવું જોઈએ.

મણિપુર મુદ્દે વિપક્ષના વિરોધ વચ્ચે આજે લોકસભામાં ઓફશોર મિનરલ્સ એક્ટમાં સુધારો કરવા માટેનું બિલ રજૂ કરવામાં આવ્યું.

બંને ગૃહોમાં જ્યારે હોબાળો ચાલુ હતો, ત્યારે કેન્દ્રએ લગભગ 30 મિનિટની ઝડપી ચર્ચા પછી લોકસભામાં ફોરેસ્ટ કન્ઝર્વેશન (એમેન્ડમેન્ટ) બિલ, 2023 પસાર કરવામાં સફળતા મેળવી હતી. બંધારણ (અનુસૂચિત જનજાતિ) ઓર્ડર (ત્રીજો સુધારો) વિધેયક, 2022 રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું હતું ત્યારે વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટ કર્યું.