PM મોદીએ ઈઝરાયલ પર આતંકવાદી હુમલાને લઈને દુઃખ વ્યક્ત કરતાં કહ્યું- ભારત ઈઝરાયલ સાથે છે 

ઈઝરાયલ પર હમાસ દ્વારા શનિવારે (7 ઓક્ટોબર) કરાયેલા આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં 22 લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. PM મોદીએ આ આતંકવાદી હુમલા પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ ઘટનાથી ઊંડો આઘાત લાગ્યો છે અને તેમણે પીડિતો અને તેમના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. PM મોદીએ […]

Share:

ઈઝરાયલ પર હમાસ દ્વારા શનિવારે (7 ઓક્ટોબર) કરાયેલા આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં 22 લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. PM મોદીએ આ આતંકવાદી હુમલા પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ ઘટનાથી ઊંડો આઘાત લાગ્યો છે અને તેમણે પીડિતો અને તેમના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. PM મોદીએ કહ્યું કે આ મુશ્કેલ સમયમાં ભારત ઈઝરાયલ સાથે છે. 

PM મોદીએ શનિવારે X પર કહ્યું, “ઈઝરાયલમાં આતંકવાદી હુમલાના સમાચારથી ઊંડો આઘાત લાગ્યો છે. અમારી સંવેદના અને પ્રાર્થના નિર્દોષ પીડિતો અને તેમના પરિવારો સાથે છે. આ મુશ્કેલ સમયમાં ભારત ઈઝરાયલ સાથે છે.”

ભારતમાં ઈઝરાયલના રાજદૂત નાઓર ગિલોને PM મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે અમે ભારતના સમર્થનની પ્રશંસા કરીએ છીએ.

ઈઝરાયલમાં વધી રહેલા માનવતાવાદી સંકટ અંગે ઘણા દેશોએ ચિંતા વ્યક્ત કરી છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ઈઝરાયલ પરના આતંકવાદી હુમલાની નિંદા કરતા X પર જણાવ્યું કે, “હું હાલમાં ઈઝરાયલ પર થઈ રહેલા આતંકવાદી હુમલાઓની સખત નિંદા કરું છું.” ઈઝરાયલના સમર્થનની ખાતરી આપતા રાષ્ટ્રપતિ મેક્રોને કહ્યું, “હું પીડિતો, તેમના પરિવારો અને પ્રિયજનો સાથે મારી સંવેદના વ્યક્ત કરું છું.”

પેલેસ્ટાઈન સંગઠન હમાસે ઈઝરાયલ પર શનિવારે 5,000 રોકેટ છોડયા હતા. ત્યારબાદ ઈઝરાયલના PM બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધની ઘોષણા કરી હતી અને ગાઝા પટ્ટી પર જવાબી હવાઈ હુમલા શરૂ કરવામાં આવ્યા હતા. PM બેન્જામિન નેતન્યાહુએ ચેતવણી આપી કે હમાસને આની મોટી કિંમત ચૂકવવી પડશે.

ઈઝરાયલના PM બેન્જામિન નેતન્યાહુએ કેબિનેટ સાથેની ઈમર્જન્સી મીટિંગ બાદ કહ્યું કે ઈઝરાયલના નાગરિકો, આ યુદ્ધ છે અને આપણે ચોક્કસપણે જીતીશું. દુશ્મનોએ આની કિંમત ચૂકવવી પડશે.

હમાસના મિલિટરી કમાન્ડર મોહમ્મદ ડેઈફે આ આતંકવાદી હુમલાઓ બાદ એક નિવેદનમાં કહ્યું કે, “અમે એ ઘોષણા કરવાનો નિર્ણય લીધો છે કે બસ, હવે બહુ થયું.”

મોહમ્મદ ડેઈફે કહ્યું, “અમે દુશ્મનને પહેલેથી જ ચેતવણી આપી દીધી છે. ઈઝરાયલી કબજેદારોએ અમારા નાગરિકોના સેંકડો નરસંહાર કર્યા છે. તેમના કારણે આ વર્ષે સેંકડો લોકો શહીદ અને ઘાયલ થયા છે. અમે ઓપરેશન અલ અક્સા સ્ટોર્મની શરૂઆતનું એલાન કરીએ છીએ. અમે એલાન કરીએ છીએ કે દુશ્મનનાં લક્ષ્યો, એરપૉર્ટ અને લશ્કરી થાણાં પરના અમારા પ્રથમ આતંકવાદી હુમલામાં 5,000 રોકેટ છોડવામાં આવ્યાં છે.”

ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ તરફથી એક નિવેદન આપવામાં આવ્યું હતું કે આજે સવારે સાયરન સાથે ઘટના બની છે, ગાઝા તરફથી અમારા પર રોકેટ છોડવામાં આવી રહ્યાં છે. પરંતુ અમે અમારી રક્ષા કરવામાં સક્ષમ છીએ.

આ ઘટના પછી સમગ્ર ઈઝરાયલમાં ચેતવણી જાહેર કરવામાં આવી હતી અને સરહદી વિસ્તારોમાં લોકોને ઘરની અંદર જ રહેવા માટે કહેવામાં આવ્યું હતું.