વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને NDAના અન્ય નેતાઓએ બુધવારે સ્વર્ગસ્થ ભૂતપૂર્વ વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP) ના દિગ્ગ્જ નેતા અટલ બિહારી વાજપેયીને તેમની 5મી પુણ્યતિથિના અવસરે દિલ્હીના સદૈવ અટલ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અટલ બિહારી વાજપેયીને ભાજપના સર્વોચ્ચ નેતાઓમાંના એક માનવામાં આવે છે, જેમના નેતૃત્વમાં ભાજપનો ઉદય થયો અને તેની સત્તા સુધીની સફર નક્કી થઈ.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, નીતિન ગડકરી, રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ, પ્રફુલ પટેલ, અર્જુન રામ મેઘવાલ, કેન્દ્રીય મંત્રી અને અપના દળ (સોનીલાલ)ના નેતા અનુપ્રિયા પટેલ અને HAMના જીતન રામ માંઝીએ અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી. ભૂતપૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની પાલક પુત્રી નમિતા કૌલ ભટ્ટાચાર્યએ પણ તેમની પુણ્યતિથિ પર ‘સદૈવ અટલ’ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
પીએમ મોદીએ X (અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતું હતું)પર કહ્યું કે અટલ બિહારી વાજપેયીના નેતૃત્વથી દેશને ઘણો ફાયદો થયો. તેમણે વધુમાં કહ્યું, “હું ભારતની 140 કરોડ જનતા સાથે તેમની પુણ્યતિથિ પર અદ્ભુત અટલજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમના નેતૃત્વથી ભારતને ઘણો ફાયદો થયો. તેમણે આપણા દેશની પ્રગતિને વેગ આપવા તેને વિવિધ ક્ષેત્રોમાં 21મી સદીમાં લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.”
અટલ બિહારી વાજપેયીનો જન્મ 1924માં ગ્વાલિયરમાં થયો હતો. તેઓ દાયકાઓ સુધી ભારતીય જનતા પાર્ટીનો ચહેરો હતા અને તેઓ પ્રથમ બિન-કોંગ્રેસી વડાપ્રધાન હતા જેમણે તેમના કાર્યકાળ દરમિયાનનો સંપૂર્ણ કાર્યકાળ સંભાળ્યો હતો.
અટલ બિહારી વાજપેયીએ 16 મે, 1996 થી 1 જૂન, 1996 અને ફરીથી 19 માર્ચ 1998 થી 22 મે 2004 સુધી ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. તેમણે 1977 થી 1979 દરમિયાન વડાપ્રધાન મોરાજી દેસાઈની કેબિનેટમાં ભારતના વિદેશમંત્રી તરીકે પણ સેવા આપી હતી. 2018માં, 16 ઓગસ્ટે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં અટલ બિહારી વાજપેયીનું 93 વર્ષની વયે નિધન થયું હતું.
ગૃહમંત્રી અમિત શાહે દેશમાં સુશાસનનો પાયો નાખવાનો શ્રેય અટલ બિહારી વાજપેયીને આપ્યો. રાજનાથ સિંહે X પર સદૈવ અટલ સ્મારકની તેમની મુલાકાતની તસવીરો શેર કરી હતી. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ એક ટ્વિટમાં અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમજ ગરીબોના ઉત્થાન માટેના તેમના સમર્પણને એક પ્રેરણા ગણાવી.
એક અહેવાલ અનુસાર, જીતન રામ માંઝી, જેમણે તાજેતરમાં જ બિહારમાં નીતીશ કુમાર સરકારમાંથી સમર્થન પાછું ખેંચ્યું હતું અને એનડીએને સમર્થન જાહેર કર્યું હતું , તેમણે કહ્યું હતું કે, “મોદીજી તેમની પાર્ટી પાસે બહુમતી હોવા છતાં બધાને સાથે લેવાનો પ્રયાસ કરવા માટે ઉદાર છે. આગામી દિવસોમાં તેમને ફરીથી પૂર્ણ બહુમતી મળશે. તે અટલ બિહારી વાજપેયીની જેમ સંપૂર્ણ વિકાસ કરવા માંગે છે .
2014માં સત્તામાં આવ્યા પછી, પીએમ મોદીએ, ભૂતપૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના સન્માન માટે 25 ડિસેમ્બરને દર વર્ષે ગુડ ગવર્નન્સ ડે તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી જે તેમની જન્મ તારીખ છે.