વડાપ્રધાન મોદી શનિવારે વહેલી સવારે બેંગલુરૂ ખાતે ISROના હેડક્વાર્ટર પહોંચ્યા હતા અને ચંદ્રયાન-3ના વૈજ્ઞાનિકોની મુલાકાત લીધી હતી. વૈજ્ઞાનિકોને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન મોદી ખૂબ જ ભાવુક થઈ ગયા હતા અને તેમના વચ્ચે રહીને ખૂબ જ આનંદની લાગણી અનુભવાઈ રહી હોવાનું જણાવ્યું હતું.
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, “આજે મારૂં તન-મન ખુશીઓથી છલકાઈ ગયું છે. હું બને તેટલી જલ્દી તમારા દર્શન કરવા ઈચ્છતો હતો.
તમને બધાને સલામી કરવા માગતો હતો. ચંદ્રયાન-3નું મૂન લેન્ડર જ્યાં ઉતર્યું તે જગ્યા ‘શિવશક્તિ પોઈન્ટ’ તરીકે ઓળખાશે. જ્યાં ચંદ્રયાન-2એ પોતાના પદચિહ્ન છોડ્યા તે ‘તિરંગા’ તરીકે ઓળખાશે. 23 ઓગષ્ટના રોજ જે દિવસે ચંદ્રયાન-3 ચંદ્રમા પર પહોંચ્યું તે દિવસને હિંદુસ્તાન હવેથી ‘નેશનલ સ્પેસ-ડે’ તરીકે ઉજવશે.”
ISROના કમાન્ડ સેન્ટરમાં વૈજ્ઞાનિકોએ વડાપ્રધાન મોદીને ચંદ્રયાનનું સંપૂર્ણ મોડલ દેખાડ્યું હતું. ઉપરાંત ચંદ્રયાન-3 મિશનના નિષ્કર્ષો અને પ્રગતિ અંગે પણ જાણકારી આપી હતી. ચંદ્રયાન-3ની ટીમને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, “આજે તમારા વચ્ચે રહીને ઘણો આનંદ થઈ રહ્યો છે.
દરેક વ્યક્તિના જીવનમાં ઘણી વખત એવી ઘટનાઓ બને છે કે એ અધીરો બની જાય છે. આ વખતે મારા સાથે પણ એમ જ બન્યું. એટલી અધીરાઈ. હું સાઉથ આફ્રિકામાં હતો પછી ગ્રીસ ગયો. પરંતુ મારૂં મન તમારા સાથે જ હતું. કોઈ વખત એમ લાગે કે હું તમારા સાથે અન્યાય કરી દઉં છું.”
વડાપ્રધાન મોદીએ આગળ કહ્યું હતું કે, “હું જલ્દી તમારા દર્શન કરવા ઈચ્છતો હતો. તમને સૌને સલામી કરવા માગતો હતો. તમારી લગન અને લાગણીઓને સલામ. આ નવું ભારત છે જે નવી રીતે વિચારે છે. 21મી સદીમાં ભારત વિશ્વની મોટી મોટી સમસ્યાઓનું સમાધાન કરશે. 23 ઓગષ્ટનો એ દિવસ, તેની એક એક સેકન્ડ વારંવાર મારી આંખો સામે ફરે છે. મેં એ ફોટો જોયો જેમાં આપણું મૂન લેન્ડર અંગદની જેમ ચંદ્રમા પર પોતાનો પગ જમાવે છે. એક તરફ વિક્રમનો વિશ્વાસ છે અને બીજી તરફ પ્રજ્ઞાનનું પરાક્રમ છે.”
વડાપ્રધાન મોદીએ પોતાની વાત આગળ વધારતા કહ્યું હતું કે, આપણી ગણતરી થર્ડ વર્લ્ડના દેશ તરીકે થતી હતી અને ત્યાંથી આગળ વધીને ભારત આજે વિશ્વનું 5મું સૌથી વિશાળ અર્થતંત્ર છે. આજે સ્પેસથી લઈને ટેક્નોલોજી ક્ષેત્રે ભારતની ગણતરી પહેલી હરોળમાં થાય છે. આજે ભારતના નાનામાં નાના બાળકના મોઢા પર ચંદ્રયાનનું નામ છે. આજે ભારતનું દરેક બાળક તમારા સૌ વૈજ્ઞાનિકોમાં પોતાનું ભવિષ્ય જુએ છે.