દિલ્હી મેટ્રોમાં વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી, યશોભૂમિ દ્વારકા સેક્ટર 25 મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન

17 સપ્ટેમ્બર, 2023ને રવિવારના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ દિલ્હી ખાતે દેશને 2 યોજનાઓની ભેટ ધરી હતી. વડાપ્રધાન મોદીએ દિલ્હી એરપોર્ટ લાઈન પર બનેલા નવા દિલ્હી મેટ્રો સ્ટેશન યશોભૂમિ દ્વારકા સેક્ટર 25નું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે જ તેમણે યશોભૂમિ કન્વેન્શન સેન્ટરનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન […]

Share:

17 સપ્ટેમ્બર, 2023ને રવિવારના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ દિલ્હી ખાતે દેશને 2 યોજનાઓની ભેટ ધરી હતી. વડાપ્રધાન મોદીએ દિલ્હી એરપોર્ટ લાઈન પર બનેલા નવા દિલ્હી મેટ્રો સ્ટેશન યશોભૂમિ દ્વારકા સેક્ટર 25નું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે જ તેમણે યશોભૂમિ કન્વેન્શન સેન્ટરનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સામાન્ય મુસાફરની માફક દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરી હતી. સાથે જ દિલ્હી મેટ્રોના કર્મચારીઓ સાથે પણ વાતચીત કરી હતી. 

દિલ્હી મેટ્રોમાં રહેલા મુસાફરો વડાપ્રધાન મોદીને પોતાની વચ્ચે જોઈને ખૂબ આનંદિત થઈ ગયા હતા તેમના સાથે ફોટો લેવા માટે પડાપડી કરી મુકી હતી. તે સમયે એક મહિલાએ સંસ્કૃતમાં વડાપ્રધાન મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 

નવી દિલ્હીથી દ્વારકા સેક્ટર 25 માત્ર 21 મિનિટમાં પહોંચાશે

યશોભૂમિ દ્વારકા સેક્ટર 25ના ઉદ્ઘાટન સાથે જ નવી દિલ્હીથી દ્વારકા સેક્ટર 25 સુધીની મુસાફરી માત્ર 21 મિનિટમાં પૂર્ણ કરી શકાશે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC)ના અહેવાલ પ્રમાણે  એરપોર્ટ એક્સપ્રેસ લાઈન પર દિલ્હી મેટ્રો ટ્રેન્સની ઝડપ 90થી વધારીને 120 કિમી પ્રતિ કલાક કરી દેવામાં આવશે. તેનાથી મુસાફરીના સમયમાં ઘટાડો થશે. નવી દિલ્હીથી યશોભૂમિ દ્વારકા સેક્ટર 25 સુધીની મુસાફરી આશરે 21 મિનિટમાં કરી શકાશે. 

દિલ્હી મેટ્રોની એરપોર્ટ એક્સપ્રેસ લાઈનને દ્વારકા સેક્ટર-21થી આગળ વધારીને કન્વેન્શન સેન્ટર સુધી લાવવામાં આવી છે. નવા સ્ટેશનનું નામ IICC-દ્વારકા સેક્ટર-25 રાખવામાં આવ્યું છે જે એક અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન છે. આ સ્ટેશન એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે કે લોકો દિલ્હી મેટ્રોમાંથી ઉતરીને એક સબવેમાં થઈને સીધા આ કન્વેન્શન સેન્ટરની અંદર પહોંચી શકશે. 

વડાપ્રધાન મોદીએ દિલ્હી મેટ્રોની સવારી કરી

DMRCની ટ્વિટમાં લખ્યું હતું કે, નવા સેક્શન બાદ એરપોર્ટ એક્સપ્રેસ લાઈનની કુલ લંબાઈ નવી દિલ્હીથી યશોભૂમિ દ્વારકા સેક્ટર 25 સુધીની 24.9 કિમી થઈ જશે. વડાપ્રધાન મોદી ધૌલાકુઆ ખાતેથી દિલ્હી મેટ્રોમાં સવાર થઈને દ્વારકા સેક્ટર 25 પહોંચ્યા હતા અને પછી યશોભૂમિ નામથી ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સપો સેન્ટર (IICC)નું ઉદ્ઘાટન કર્યું હતું. 

73,000 વર્ગ મીટરથી વધારે ક્ષેત્રમાં ફેલાયેલા આ કન્વેન્શન સેન્ટમાં મુખ્ય સભાગાર, ગ્રાન્ડ બોલરૂમ સહિત 15 કન્વેન્શન હોલ અને 13 મીટિંગ હોલ છે જેની કુલ ક્ષમતા 11,000 પ્રતિનિધિઓની છે. કન્વેન્શન સેન્ટરના મુખ્ય સભાગારમાં આશરે 6,000 મહેમાનો માટેની બેઠક વ્યવસ્થા છે. યશોભૂમિ વિશ્વના સૌથી વિશાળ પ્રદર્શની હોલ પૈકીનું એક છે અને તેને તાંબાની છત સાથે વિશિષ્ટ રૂપે ડિઝાઈન કરવામાં આવ્યું છે.