ચીન, પાકિસ્તાનને વડાપ્રધાન મોદીનો બેખોફ જવાબ, કહ્યું- કાશ્મીર કે અરૂણાચલ પ્રદેશ, ગમે ત્યાં બેઠક કરીશું

આગામી 9 અને 10 સપ્ટેમ્બરના રોજ દિલ્હી ખાતે યોજાનારી G20 સમિટ પહેલા વડાપ્રધાન મોદીએ ચીન અને પાકિસ્તાનને જોરદાર ફટકાર લગાવી છે. વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, તે બંનેને એ કહેવાનો કોઈ અધિકાર નથી કે આપણે આપણા દેશમાં કઈ જગ્યાએ રાજદ્વારી બેઠકોનું આયોજન કરીએ.  અરૂણાચલ, કાશ્મીરમાં G20 બેઠક સામે ચીનનો વિરોધ વડાપ્રધાન મોદીએ […]

Share:

આગામી 9 અને 10 સપ્ટેમ્બરના રોજ દિલ્હી ખાતે યોજાનારી G20 સમિટ પહેલા વડાપ્રધાન મોદીએ ચીન અને પાકિસ્તાનને જોરદાર ફટકાર લગાવી છે. વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, તે બંનેને એ કહેવાનો કોઈ અધિકાર નથી કે આપણે આપણા દેશમાં કઈ જગ્યાએ રાજદ્વારી બેઠકોનું આયોજન કરીએ. 

અરૂણાચલ, કાશ્મીરમાં G20 બેઠક સામે ચીનનો વિરોધ

વડાપ્રધાન મોદીએ ભારત દ્વારા કાશ્મીર અને અરૂણાચલ પ્રદેશમાં આયોજીત થનારી G20ની બેઠકો મામલે ચીન અને પાકિસ્તાનના તમામ વિરોધને ખોટા ઠેરવ્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, યજમાન દેશ માટે દેશના દરેક ખૂણે રાજદ્વારી બેઠકોનું આયોજન કરવું સ્વાભાવિક વાત છે અને તે દેશનો આંતરિક મુદ્દો છે. 

નોંધનીય છે કે, કાશ્મીર અને અરૂણાચલ પ્રદેશમાં G20 બેઠકનું આયોજન કરવા મામલે પાકિસ્તાન અને ચીને વિરોધ નોંધાવ્યો છે. કેટલાક મહિના પહેલા કાશ્મીરમાં G20 ટુરિઝમ વર્કિંગ ગ્રુપ (TWG)ની બેઠક યોજાઈ હતી તેને લઈને પણ પાકિસ્તાની મીડિયાએ હંગામો મચાવી દીધો હતો.

ચીન-પાકિસ્તાનના ધમપછાડાની અવગણના

ઉલ્લેખનીય છે કે, મે મહિનામાં પણ ભારતે ચીન અને પાકિસ્તાનના ધમપછાડા અવગણીને સઘન સુરક્ષા વચ્ચે કાશ્મીરમાં એક મહત્વની G20 પર્યટન બેઠક યોજી હતી. ચીન અને પાકિસ્તાને કાશ્મીરમાં યોજાનારી આ બેઠકના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો અને તેઓ તેને વિવાદિત વિસ્તાર ગણાવે છે. 

પાકિસ્તાન G20નું સદસ્ય નથી

ચીન G20નું સદસ્ય છે પરંતુ પાકિસ્તાન આ સંગઠનનું સદસ્ય નથી. ચીન અરૂણાચલ પ્રદેશ પર ભારતની સંપ્રભુતા મુદ્દે પણ વિવાદ કરી રહ્યું છે. જોકે ભારત પહેલેથી જ ચીન અને પાકિસ્તાનના દાવાઓને નકારી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, “જો આપણે એ સ્થળોએ બેઠક યોજવાથી અંતર જાળવ્યું હોત તો આવા સવાલો માન્ય ગણાત. આપણો દેશ આટલો વિશાળ, સુંદર અને વિવિધતાપૂર્ણ છે ત્યારે G20ની બેઠકો યોજાઈ રહી છે તો તે આપણા દેશના દરેક હિસ્સામાં યોજાય તે સ્વાભાવિક છે.”

“ટૂંક સમયમાં ભારત વિશ્વની ટોપ-3 ઈકોનોમીમાં હશે”

વડાપ્રધાન મોદીએ એક દશકાથી પણ ઓછા સમયમાં ઈકોનોમીના પેરામીટરમાં 5 સ્થાનની છલાંગ લગાવવાના દેશના રેકોર્ડનો હવાલો આપીને નજીકના ભવિષ્યમાં જ ભારત વિશ્વની ટોપ 3 ઈકોનોમીમાં સ્થાન મેળવશે તેવી આશા વ્યક્ત કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે, લાંબા સમય સુધી ભારતને એક અબજ ભૂખ્યા પેટવાળા દેશ તરીકે જોવામાં આવ્યું પણ હવે આ 1 અબજ આકાંક્ષી મગજ, 2 અબજ કુશળ હાથોનો દેશ છે. 

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ભારતની આર્થિક વૃદ્ધિ તેમની 9 વર્ષ જૂની સરકારની રાજકીય સ્થિરતાનું એક સ્વાભાવિક પરિણામ છે. ભારત 2047 સુધીમાં એક વિકસિત રાષ્ટ્ર બની જશે જેમાં આપણા જીવનમાં ભ્રષ્ટાચાર, જાતિવાદ અને સાંપ્રદાયિકતા માટે કોઈ સ્થાન નહીં હોય. જ્યારે G20માં ભારતની અધ્યક્ષતા સમાપ્ત થશે ત્યાં સુધીમાં દેશના 60 શહેરો અને 28 રાજ્યોમાં 220થી વધુ બેઠકો થઈ ચુકી હશે.