વિક્રમ લેન્ડરની અંદર ઉંઘ લેવા પહોંચી ગયું પ્રજ્ઞાન રોવર, જો હવે જાગશે નહીં તો..

ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડ કર્યા બાદ વિક્રમ લેન્ડરમાંથી બહાર નીકળી પ્રજ્ઞાન રોવર સતત ચંદ્રની અપડેટ આપી રહ્યું છે. જોકે હવે તેનો મહત્ત્વ સ્ટેજ શરૂ થવા જઈ રહ્યો છે.  ઈસરોએ શનિવારના રોજ જણાવ્યું હતું કે, ચંદ્ર પર મોકલવામાં આવેલા ચંદ્રયાન-3ના પ્રજ્ઞાન રોવરે પોતાનું કામ પૂર્ણ કરી લીધું છે અને હવે તેને સુરક્ષિત રીતે પાર્ક અને સ્લીપ […]

Share:

ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડ કર્યા બાદ વિક્રમ લેન્ડરમાંથી બહાર નીકળી પ્રજ્ઞાન રોવર સતત ચંદ્રની અપડેટ આપી રહ્યું છે. જોકે હવે તેનો મહત્ત્વ સ્ટેજ શરૂ થવા જઈ રહ્યો છે.  ઈસરોએ શનિવારના રોજ જણાવ્યું હતું કે, ચંદ્ર પર મોકલવામાં આવેલા ચંદ્રયાન-3ના પ્રજ્ઞાન રોવરે પોતાનું કામ પૂર્ણ કરી લીધું છે અને હવે તેને સુરક્ષિત રીતે પાર્ક અને સ્લીપ મોડમાં સેટ કરી દેવામાં આવ્યું છે. તેમાં લાગેલા બંને પેલોડ એપીએક્સએસ (APXS) અને એલઆઈબીએસ (LIBS) બંધ કરી દેવામાં આવ્યા છે. 

આ પેલોડ્સના ડેટાને લેન્ડરની મદદથી પૃથ્વી સુધી ટ્રાન્સમીટ કરી દેવામાં આવ્યા છે. તેની બેટરી પણ સંપૂર્ણપણે ચાર્જ છે. સોલાર પેનલને રોવરની એવી દિશામાં રાખવામાં આવી છે કે, 22મી સપ્ટેમ્બર, 2023ના રોજ જ્યારે સૂર્યોદય થાય એટલે સૂર્યનો પ્રકાશ સોલાર પેનલ્સ પર જ પડે. તેનું રીસિવર પણ ચાલુ રાખવામાં આવ્યું છે. 

ચંદ્ર પર 14 દિવસની રાત

ચંદ્રની સપાટી પર આશરે 2 સપ્તાહ સુધી ભ્રમણ કર્યા બાદ પ્રજ્ઞાન રોવર વિક્રમ લેન્ડરની અંદર સ્લીપ મોડમાં જતું રહ્યું છે. ઈસરોએ X (ટ્વિટર) પરની તાજેતરની અપડેટમાં જણાવ્યું હતું કે, ચંદ્રયાન-3 મિશનના પ્રજ્ઞાન રોવરે પોતાનું પહેલા તબક્કાનું કામ પૂર્ણ કરી લીધું છે. હાલ વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર આરામ ફરમાવી રહ્યા છે. ચંદ્ર પર હવે સાંજનો સમય થયો છે અને સૂર્ય છુપાયા બાદ રાત શરૂ થઈ જશે. ચંદ્ર પર એક રાત ધરતીના 14 દિવસ જેટલી લાંબી હોય છે. માટે રોવર હવે આગામી 14 દિવસ આરામ કરશે. આગામી 14 દિવસ બાદ તે પોતાનું નવું મિશન શરૂ કરશે. 

જાણો પ્રજ્ઞાન રોવરનું આગામી મિશન

પ્રજ્ઞાન રોવરે ચંદ્રની સપાટી પર પોતાના ભ્રમણ દરમિયાન અનેક તત્વોની શોધ કરી હતી. ઈસરોના કહેવા પ્રમાણે રોવરની સૌથી મોટી શોધ સલ્ફરની છે. તે સિવાય પણ અન્ય કેટલાય તત્વોની શોધ કરી છે. રોવરનું આગામી કામ હાઈડ્રોજનની શોધ કરવાનું છે. 

રાત્રે ન ફરી શકે રોવર

ચંદ્રના દક્ષિણી ધ્રુવ પરનું વાતાવરણ ખૂબ પ્રતિકૂળ છે. ત્યાં સૂર્યની ઉપસ્થિતિમાં પણ તાપમાન 100 ડિગ્રીની ઉપર પહોંચી જાય છે અને અંધારૂ થતાં તાપમાન માઈનસ 280 ડિગ્રી પાર કરી દે છે. આટલી ભયાનક ઠંડકમાં રોવરના મશીનો કામ બંધ કરી દે તેવી શક્યતા છે માટે પ્રજ્ઞાન રોવર વિક્રમ લેન્ડરમાં સ્લીપ મોડમાં જતું રહ્યું છે. 

પ્રજ્ઞાન રોવર સ્લીપ મોડમાંથી બહાર ન આવે તો શું

ઈસરોના કહેવા પ્રમાણે ચંદ્ર પર 22 સપ્ટેમ્બરના રોજ સૂર્યોદય થવાની આશા છે અને ત્યારે રોવર તેના આગામી કામ માટે ફરી જાગે તેવી આશા છે. જો તે નહીં જાગે તો તેને ભારતના લૂનાર એમ્બેસેડર તરીકે ચંદ્ર પર જ છોડી દેવામાં આવશે.