પ્રજ્ઞાન રોવરે ચંદ્રની સપાટી પર 15 મીટરની યાત્રા કરી, વિક્રમ લેન્ડરની તસવીર લીધી

ચંદ્રયાન-3 મિશનના મહત્વપૂર્ણ હિસ્સા સમાન પ્રજ્ઞાન રોવરે ચંદ્રમાની સપાટી પર અડગતાથી ઉભેલા વિક્રમ લેન્ડરની તસવીર લીધી છે. ઈસરોએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા આ ફોટો શેર કર્યો છે. પ્રજ્ઞાન રોવરે પોતાના નેવિગેશન કેમેરાની મદદથી આ તસવીર લીધી છે. આ ફોટો 30 ઓગષ્ટના રોજ ભારતીય સમયાનુસાર સવારના 7:35 કલાકે લેવામાં આવ્યો છે.  પ્રજ્ઞાન રોવરે કહ્યું ‘સ્માઈલ […]

Share:

ચંદ્રયાન-3 મિશનના મહત્વપૂર્ણ હિસ્સા સમાન પ્રજ્ઞાન રોવરે ચંદ્રમાની સપાટી પર અડગતાથી ઉભેલા વિક્રમ લેન્ડરની તસવીર લીધી છે. ઈસરોએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા આ ફોટો શેર કર્યો છે. પ્રજ્ઞાન રોવરે પોતાના નેવિગેશન કેમેરાની મદદથી આ તસવીર લીધી છે. આ ફોટો 30 ઓગષ્ટના રોજ ભારતીય સમયાનુસાર સવારના 7:35 કલાકે લેવામાં આવ્યો છે. 

પ્રજ્ઞાન રોવરે કહ્યું ‘સ્માઈલ પ્લીઝ’

પ્રજ્ઞાન રોવરે ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ઉતરેલા વિક્રમ લેન્ડરનો પ્રથમ ફોટો પાડ્યો છે. ઈસરોએ આ ફોટો X (ટ્વિટર) પર શેર કરીને કેપ્શનમાં ‘સ્માઈલ પ્લીઝ’ લખ્યું હતું. ઈસરોએ લખ્યું હતું કે, આજે સવારે પ્રજ્ઞાન રોવરે વિક્રમ લેન્ડરની તસવીર લીધી. આ તસવીર રોવરના ઓનબોર્ડ નેવિગેશન કેમેરા (NavCam) દ્વારા લેવામાં આવી છે. 

સૂર્ય ઉર્જાથી સંચાલિત છે પ્રજ્ઞાન રોવર

ચંદ્રયાન-3 મિશન માટે નેવકેમ (NavCam)ને લેબોરેટરી ફોર ઈલેક્ટ્રો-ઓપ્ટિક્સ સિસ્ટમ્સ (LEOS)એ બનાવ્યો છે. પ્રજ્ઞાન રોવરની એક તરફ આવા 2 નેવકેમ લાગેલા છે. રોવરનું કુલ વજન 26 કિગ્રા છે અને તે 3 ફૂટ લાંબુ, 2.5 ફૂટ પહોળુ અને 2.8 ફૂટ ઉંચુ છે અને 6 પૈડાની મદદથી ચાલે છે. 

પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર 500 મીટર એટલે કે 1,600 ફૂટ સુધી હલન-ચલન કરી શકે છે અને તેની સ્પીડ 1 સેમી પ્રતિ સેકન્ડની છે. આગામી 13 દિવસ દરમિયાન જ્યાં સુધી તેને સૂર્યની રોશનીમાંથી ઉર્જા મળતી રહેશે ત્યાં સુધી તે ચંદ્રની સપાટી પર કામ કરતું રહેશે. આમ ત્યાં સુધી તે પોતાના કેમેરાની મદદથી ચંદ્રની સપાટી અને વિક્રમ લેન્ડરની તસવીરો લેતું રહેશે. 

પ્રજ્ઞાન રોવર પર લાગ્યા છે 2 પેલોડ્સ

1. લેઝર ઈન્ડ્યુસ્ડ બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપ (Laser Induced Breakdown Spectroscope – LIBS) લેન્ડિંગ સાઈટની આજુબાજુ ચંદ્રની સપાટી પર મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકન, પોટેશિયમ, કેલ્શિયમ, ટીન અને લોખંડ સહિતના એલિમેન્ટ કમ્પોઝિશનનો અભ્યાસ કરશે. 

2. આલ્ફા પાર્ટિકલ એક્સ-રે સ્પેક્ટ્રોમીટર (Alpha Particle X-Ray Spectrometer – APXS) ચંદ્રની સપાટી પર રહેલા કેમિકલ્સ અને રસાયણોની માત્રા અને ગુણવત્તાનો અભ્યાસ કરશે. સાથે જ ખનીજોની શોધ પણ કરશે. 

વિક્રમ લેન્ડર પરના 4 પેલોડ્સની કામગીરી

વિક્રમ લેન્ડર પર કુલ 4 પેલોડ્સ છે. જેમાંથી રંભા (RAMBHA) ચંદ્રની સપાટી પર સૂરજમાંથી આવતા પ્લાઝમા કણોના ઘનત્વ, પ્રમાણ અને તેમાં ફેરફારની તપાસ કરશે. ચાસ્ટે (ChaSTE) પેલોડ ચંદ્રની સપાટીની ગરમી એટલે કે તાપમાનનો અભ્યાસ કરશે. ઈલ્સા (ILSA) લેન્ડિંગ સાઈટની આજુબાજુ ભૂકંપીય ગતિવિધિની તપાસ કરશે. જ્યારે લેઝર રેટ્રોરિફ્લેક્ટર એરે (LRA) ચંદ્રના ડાયનેમિક્સને સમજવાનો પ્રયત્ન કરશે.