અમદાવાદના નવા મેયર તરીકે પ્રતિભા જૈન, ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલની નિયુક્તિ

અમદાવાદના મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓની 2.5 વર્ષની ટર્મ પૂરી થતાં સોમવારના રોજ નવા પદાધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી હતી. કોર્પોરેશન ખાતે યોજાયેલી સામાન્ય સભામાં અમદાવાદના નવા મહિલા મેયરના નામની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામ પણ જાહેર કરવામાં આવ્યા હતા. પ્રતિભા જૈન AMCના મેયર બન્યા છે. જ્યારે ડેપ્યુટી […]

Share:

અમદાવાદના મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓની 2.5 વર્ષની ટર્મ પૂરી થતાં સોમવારના રોજ નવા પદાધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી હતી. કોર્પોરેશન ખાતે યોજાયેલી સામાન્ય સભામાં અમદાવાદના નવા મહિલા મેયરના નામની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામ પણ જાહેર કરવામાં આવ્યા હતા.

પ્રતિભા જૈન AMCના મેયર બન્યા છે. જ્યારે ડેપ્યુટી મેયર પદે જતીન પટેલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે દેવાંગ દાણીનું નામની જાહેરાત કરવામાં આવી છે. તમામ પદ પરના નામોને લઈને અનેક તર્કવિતર્ક હતા. જો કે હવે આ તમામના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે.

શાહીબાગના કોર્પોરેટર છે પ્રતિભા જૈન

શાહીબાગના ભાજપના કોર્પોરેટર પ્રતિભા જૈનને અમદાવાદના નવા મેયર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હાલમાં તેઓ AMCની મહિલા અને બાળવિકાસ કમિટીના ચેરમેન છે. તેઓ સતત ૩ ટર્મથી શાહીબાગ વિસ્તારમાંથી જ કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવે છે.

ગુજરાતની મહાનગરપાલિકાઓમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદો માટેની ટર્મ 2.5 વર્ષની રાખવામાં આવે છે. આ કારણે ચાલુ ટર્મ પૂરી થતાં જ હવે નવા હોદ્દેદારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. રવિવારે સ્થાનિક ભાજપ ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો સાથે મોડી રાત સુધી ચાલેલી બેઠકમાં આ નામો નક્કી કરવામાં આવ્યા હતા. સોમવારે સવારે 10 વાગ્યે AMC ખાતે મળેલી બેઠકમાં આ નામોની જાહેરાત કરવામાં આવી હતી.

અમદાવાદના નવા મેયર સિવાયના હોદ્દેદારોમાં ડેપ્યુટી મેયર તરીકે ઘાટલોડિયાના ભાજપ કોર્પોરેટર જતીન પટેલની વરણી કરવામાં આવી છે. અતિ મહત્વપૂર્ણ એવી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે બોડકદેવ વોર્ડના ભાજપ કોર્પોરેટર દેવાંગ દાણીની પસંદગી કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શાસક પક્ષના નેતા તરીકે ભાજપના કોર્પોરેટર ગૌરાંગ પ્રજાપતિનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

કોંગ્રેસ દ્વારા મેયર પદ માટે પદમાબેન અને ડેપ્યુટી મેયર પદ માટે હાજી મિર્ઝા બેગનું નામ મૂકવામાં આવ્યું હતું. જોકે, કોંગ્રેસની દરખાસ્તને વધુ મત ન મળતા તેને ફગાવી દેવાઈ હતી.

પ્રતિભા જૈન વર્ષ 2010માં પ્રથમ વખત ચૂંટણી લડ્યા

વર્ષ 2024માં રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ રાજસ્થાનના જૈન સમાજ ધરાવતો બહોળો વર્ગ છે. શાહીબાગ વિસ્તારમાં રાજસ્થાનીઓ અને જૈન સમાજની વસ્તી સૌથી વધુ છે. જેથી પ્રથમ નાગરિક તરીકે રાજસ્થાનના જૈન સમાજને પ્રતિનિધિત્વ આપવામા આવ્યું છે. અમદાવાદના નવા મહિલા મેયર પ્રતિભા જૈન અભ્યાસ દરમિયાન ABVPના સભ્ય રહી ચૂક્યા છે. વર્ષ 2010માં તેઓ સૌ પહેલા ચૂંટણી લડ્યા હતા. સતત 3 ટર્મ તરીકે તેઓ આજ દિન સુધી ચૂંટાઈ આવ્યા છે. તેમણે વર્ષ 2013માં અમદાવાદ શહેરના મંત્રી તરીકે પણ સંગઠનમાં કામગીરી કરી છે.