અંતિમ તબક્કામાં પહોંચી ગગનયાન મિશનની તૈયારી, ISROએ શેર કરી તસવીરો

ISRO વધુ એક સિદ્ધિ હાંસલ કરવાની તૈયારીમાં છે. આ મહિનાના અંતમાં જ ISRO પરીક્ષણ માટે વિકસિત કરવામાં આવેલા યાનમાંથી અંતરિક્ષ યાત્રીઓને બહાર નીકળવા માટેની પ્રણાલી ‘ક્રૂ એસ્કેપ સિસ્ટમ’નું પરીક્ષણ કરવા માટેની યોજના બનાવી રહ્યું છે. ISROએ ગગનયાન મિશન સાથે સંકળાયેલી અમુક તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર શેર કરી છે અને તૈયારીઓ અંતિમ તબક્કામાં […]

Share:

ISRO વધુ એક સિદ્ધિ હાંસલ કરવાની તૈયારીમાં છે. આ મહિનાના અંતમાં જ ISRO પરીક્ષણ માટે વિકસિત કરવામાં આવેલા યાનમાંથી અંતરિક્ષ યાત્રીઓને બહાર નીકળવા માટેની પ્રણાલી ‘ક્રૂ એસ્કેપ સિસ્ટમ’નું પરીક્ષણ કરવા માટેની યોજના બનાવી રહ્યું છે. ISROએ ગગનયાન મિશન સાથે સંકળાયેલી અમુક તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર શેર કરી છે અને તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ હોવાની માહિતી આપી છે. 

અંતરિક્ષમાં માનવીને મોકલવા માટે ગગનયાનની તૈયારી અંતિમ તબક્કામાં

ગગનયાન મિશન ખૂબ જ ખાસ છે. હકીકતે આ પરીક્ષણ ભારત દ્વારા અંતરિક્ષમાં માનવીને મોકલવા માટેની મહત્વાકાંક્ષી યોજનાનો હિસ્સો છે. જો ગગનયાન મિશન સફળ રહેશે તો અંતરિક્ષમાં ભારતના નામે વધુ એક સિદ્ધિનો ઉમેરો થશે. વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્ર (વીએસએસસી)ના ડિરેક્ટર એસ ઉન્નીકૃષ્ણન નાયરે જણાવ્યું હતું કે, “જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. પ્રક્ષેપણ માટે યાન પ્રણાલીના તમામ હિસ્સાઓ શ્રી હરિકોટા પહોંચી ગયા છે અને તેમને જોડવાનું કામ ચાલી રહ્યું છે. અમે ઓક્ટોબર મહિનાના અંતમાં તેને પ્રક્ષેપિત કરવા માટે તૈયાર છીએ.”

વીએસએસસી અંતરિક્ષ વિભાગને આધીન ISROનું પ્રમુખ કેન્દ્ર છે અને તે તિરૂવનંતપુરમ ખાતે આવેલું છે. નાયરે જણાવ્યું હતું કે, આ ક્રૂ એસ્કેપ સિસ્ટમ દ્વારા તેઓ ઉચ્ચ દબાણ અને ટ્રાન્સસોનિક સ્થિતિઓ જેવી વિવિધ પરિસ્થિતિઓનું પરીક્ષણ કરશે. 

આ મહિને પરીક્ષણ યાનનું ટેસ્ટિંગ થશે

ISROના અધિકારીના કહેવા પ્રમાણે ક્રૂ એસ્કેપ સિસ્ટમ (સીઈએસ) ગગનયાન મિશનનો મહત્વનો હિસ્સો છે. આ મહિને પરીક્ષણ યાન ટીવી-ડી1નું પરીક્ષણ કરવામાં આવશે જે ગગનયાન મિશન અંતર્ગતના 4 પરીક્ષણોમાંથી એક છે. ત્યાર બાદ બીજા પરીક્ષણ યાન ટીવી-ડી2 અને પ્રથમ માનવ રહિત ગગનયાન (એલવીએમ3-જી1)નું પરીક્ષણ કરવામાં આવશે. બીજા તબક્કા અંતર્ગત પરીક્ષણ યાન મિશન (ટીવી-ડી3 અને ડી4) અને એલવીએમ3-જી2ને રોબોટિક પેલોડ સાથે મોકલવાની યોજના છે. 

ક્રૂ એસ્કેપ સિસ્ટમ એટલે ગગનયાન મિશન દરમિયાન કોઈ મુશ્કેલી આવે તો રોકેટમાં રહેલા એસ્ટ્રોનોટ પૃથ્વી પર સુરક્ષિત રીતે પાછા આવી શકે. ISROના વૈજ્ઞાનિક અને IISU એટલે કે ISRO ઈનર્શિયલ સિસ્ટમ્સ યુનિટના ડાયરેક્ટર પદ્મ કુમારે ક્રૂ એસ્કેપ સિસ્ટમ ક્રૂને રોકેટથી દૂર લઈ જશે તેમ જણાવ્યું હતું. આ સિસ્ટમની ટેસ્ટિંગ માટે ટેસ્ટ વ્હીકલ તૈયાર કરવામાં આવ્યું છે. 

પહેલાં માનવ રહિત ગગનયાન મોકલાશે

ગગનયાન મિશન 2024માં લોન્ચ થશે તેમ માનવામાં આવે છે. તે સાથે જ માનવીને અંતરિક્ષમાં મોકલનાર ભારત ચોથો દેશ બનશે. આ સૂચિમાં રશિયા, અમેરિકા અને ચીન સામેલ છે. પહેલા માનવ રહિત ગગનયાન મોકલવામાં આવશે અને તે પછી ૩ એસ્ટ્રોનોટ્સ માટેની સુવિધા સાથેનું ગગનયાન તેના 3 દિવસના મિશન દરમિયાન 400 કિમીની ઓર્બિટમાં મોકલવામાં આવશે.

ભારતીય સ્પેસ એજન્સી ISRO ચંદ્રયાન 3 અને આદિત્ય એલ-1 મિશન બાદ હવે શુક્રયાન અને ગગનયાન મિશનની તૈયારીઓમાં વ્યસ્ત છે. ગગનયાન મિશન દ્વારા ISRO પ્રથમ વખત કોઈ વ્યક્તિને અંતરિક્ષમાં મોકલવાનું છે. ગગનયાન મિશન માટે એરફોર્સના 4 પાયલોટની પસંદગી કરવામાં આવી છે અને તેમની ટ્રેનિંગ ચાલી રહી છે.