રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નેશનલ ઈ-વિધાન એપ્લિકેશન લોન્ચ કરી

ગુજરાત વિધાનસભાનું 4 દિવસનું ચોમાસુ સત્ર આજથી રાજ્યના પાટનગર ગાંધીનગરમાં શરૂ થઈ રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગૃહને સંબોધિત કરવાની સાથે નેશનલ ઈ-વિધાન એપ્લિકેશન (NeVA) પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. ગુજરાત વિધાનસભા ડિજિટલ અને પેપરલેસ થશે. નેશનલ ઈ-વિધાન એપ્લિકેશન PM મોદીની ‘વન નેશન વન એપ્લિકેશન’ હેઠળ પહેલને અનુરૂપ છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું […]

Share:

ગુજરાત વિધાનસભાનું 4 દિવસનું ચોમાસુ સત્ર આજથી રાજ્યના પાટનગર ગાંધીનગરમાં શરૂ થઈ રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગૃહને સંબોધિત કરવાની સાથે નેશનલ ઈ-વિધાન એપ્લિકેશન (NeVA) પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. ગુજરાત વિધાનસભા ડિજિટલ અને પેપરલેસ થશે. નેશનલ ઈ-વિધાન એપ્લિકેશન PM મોદીની ‘વન નેશન વન એપ્લિકેશન’ હેઠળ પહેલને અનુરૂપ છે.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગુજરાતના લોકસભા અને રાજ્યસભાના સાંસદ, ઉદ્યોગપતિઓ, ગુજરાત પ્રદેશ ભાજપના હોદ્દેદારો અને સંઘના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના શિક્ષણવિદો, સામાજિક અગ્રણીઓ અને અર્થશાસ્ત્રીઓ પણ હાજર રહ્યા હતા.

નિયમિત કાર્યવાહી ઉપરાંત, ગુજરાત વિધાનસભામાં આ સમયગાળા દરમિયાન નવ બિલો પર ચર્ચા કરવામાં આવશે, ખાસ કરીને ‘ગુજરાત કોમન યુનિવર્સિટીઝ બિલ, 2023’, જેનો કોંગ્રેસ સખત વિરોધ કરવાની યોજના ધરાવે છે, અને દાવો કરે છે કે તે વિદ્યાર્થી રાજકારણમાં દખલ કરશે અને તેને સમાપ્ત કરશે.

દ્રૌપદી મુર્મુએ ધારાસભ્યોને સંબોધિત કરતા જણાવ્યું, “નેશનલ ઈ-વિધાન એપ્લિકેશન એ એક પ્રગતિશીલ પરિવર્તન છે જે ગુજરાત વિધાનસભાના કામકાજમાં પારદર્શિતા લાવશે અને ગૃહના સભ્યોને વિધાનસભાની શ્રેષ્ઠ પ્રથાઓ સુધી પહોંચવામાં પણ મદદ કરશે.” 

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાતના સપૂતો ડૉ. વિક્રમ સારાભાઈ, મોરારજી દેસાઈ, સરદાર વલ્લભભાઈ પટેલ અને નરેન્દ્ર મોદીને યાદ કર્યા અને ગુજરાત અને દેશના વિકાસમાં તેમનો ફાળો જણાવ્યો.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે ગુજરાત વિધાનસભા દ્વારા અનેક સરાહનીય કામ કરવામાં આવ્યા છે. તેમણે ગુજરાત વિધાનસભામાંથી પાસ થયેલા કેટલાક મહત્વના ઠરાવની વાત કરી. તેમણે જણાવ્યું કે નેશનલ ઈ-વિધાન એપ્લિકેશન દ્વારા ધારાસભ્ય તમામ માહિતી મેળવી શકશે. ગૃહમાં આવેલા પ્રસ્તાવ પર પોતાનો મત અને હાજરી પણ આ એપ્લિકેશનથી પૂરી શકશે. ભવિષ્યમાં નેશનલ ઈ-વિધાન એપ્લિકેશનનો વ્યાપ વધારાશે. 

ગુજરાત વિધાનસભાની કામગીરીને પેપરલેસ બનાવવા માટે તેને ડિજિટલ રૂપ આપવામાં આવ્યું છે. આ માટે ભાજપ, કોંગ્રેસ અને આપના ધારાસભ્યોને ગૃહમાં ટેબ્લેટનો ઉપયોગ કરવા અંગે તાલીમ પણ આપવામાં આવી છે. નેશનલ ઈ-વિધાન એપ્લિકેશનના ઉપયોગ થકી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલશે. 

ભારતની બીજી નવ વિધાનસભાની જેમ ગુજરાત વિધાનસભા પણ હવે 10મી પેપરલેસ વિધાનસભા બનશે. ડિજિટલ ઈન્ડિયાના પ્રોજેક્ટ હેઠળ દેશમાં તમામ વિધાનસભાઓને તબક્કાવાર પેપરલેસ બનાવવાની યોજના છે, જેમાં 673.94 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. 

નેશનલ ઈ-વિધાન એપ્લિકેશનનો ઉપયોગ કરનાર ગુજરાત 10મું રાજ્ય છે. અગાઉ તેનો ઉપયોગ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, નાગાલેન્ડ, મિઝોરમ, મેઘાલય, હરિયાણા, ઓડિશા અને બિહાર રાજ્યમાં શરૂ થયો છે. જ્યારે પંજાબ, મણિપુર, ત્રિપુરા, પુડ્ડુચરી વગેરે જેવાં રાજ્યોમાં પણ આ નેશનલ ઈ-વિધાન એપ્લિકેશનનો ટૂંક સમયમાં ઉપયોગ શરૂ થશે.