પંજાબના ખેડૂતોનું રેલ રોકો આંદોલન ત્રીજા દિવસે યથાવત, મુસાફરો પરેશાન

પંજાબમાં ખેડૂતોનું રેલ રોકો આંદોલનનો આજે ત્રીજો અને છેલ્લો દિવસ છે. ખેડૂતો તેમની માંગણીઓના સમર્થનમાં કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોએ તાજેતરના પૂરમાં નુકસાન પામેલા પાક માટે વળતર, MSP પર કાનૂની ગેરંટી અને વ્યાપક દેવા માફીની માંગણી કરી છે. તેઓ અમૃતસર, જલંધર કેન્ટોનમેન્ટ અને તરનતારન સહિત 12 સ્થળોએ રેલ્વે ટ્રેક પર વિરોધ […]

Share:

પંજાબમાં ખેડૂતોનું રેલ રોકો આંદોલનનો આજે ત્રીજો અને છેલ્લો દિવસ છે. ખેડૂતો તેમની માંગણીઓના સમર્થનમાં કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોએ તાજેતરના પૂરમાં નુકસાન પામેલા પાક માટે વળતર, MSP પર કાનૂની ગેરંટી અને વ્યાપક દેવા માફીની માંગણી કરી છે. તેઓ અમૃતસર, જલંધર કેન્ટોનમેન્ટ અને તરનતારન સહિત 12 સ્થળોએ રેલ્વે ટ્રેક પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોના રેલ રોકો આંદોલનથી રેલવે વિભાગ અને ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને પરેશાનીનો સામનો કરવો પડયો છે.

રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે રેલ રોકો આંદોલનને કારણે ટ્રેનોની અવરજવરને અસર થઈ છે, જેમાં ઘણી ટ્રેન રદ કરવામાં આવી છે અથવા  કેટલાક અન્ય રૂટ પર ડાયવર્ટ કરવામાં આવી છે.

રેલ ટ્રેક બ્લોક કરી વળતરની માગણી કરી

ખેડૂતો તેમના ત્રણ દિવસીય આંદોલનના ભાગરૂપે ગુરુવારથી ફરીદકોટ, સમરાલા, મોગા, હોશિયારપુર, ગુરદાસપુર, જલંધર, તરનતારન, સંગરુર, પટિયાલા, ફિરોઝપુર, ભટિંડા અને અમૃતસરમાં અનેક સ્થળોએ રેલ ટ્રેક બ્લોક કરી રહ્યા છે.

રેલ રોકો આંદોલનને કારણે 44 ટ્રેન રદ્દ થઈ

રેલ રોકો આંદોલનને કારણે હરિયાણા, પંજાબ અને દિલ્હી વચ્ચે ચાલતી અન્ય ઘણી ટ્રેનોને પણ અસર થઈ છે, જેની યાદી રેલવે વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે. રેલવે વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર 44 ટ્રેનો રદ કરવામાં આવી છે. 20 ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. જેના કારણે માત્ર પંજાબ જ નહીં પરંતુ હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોના મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડયો. 

લુધિયાણા સ્ટેશન પર એક રેલવે મુસાફરે કહ્યું કે તે જલંધર સિટીથી રોડ માર્ગે ગોરખપુર જવા માટે ટ્રેનમાં પહોંચ્યો હતો પરંતુ તે ક્યારે આવશે તેની કોઈ માહિતી નથી.

રેલવે સ્ટેશન પરના અન્ય એક મુસાફરે જણાવ્યું હતું કે રેલ રોકો આંદોલનને કારણે અમૃતસરથી એક ટ્રેન કેન્સલ કરવાની ફરજ પડી હતી જેમાં તેના પરિવારના 12 સભ્યો બિહાર જવાના હતા. તેઓને પાછળથી જાણવા મળ્યું કે ટ્રેન લુધિયાણાથી ઉપડશે અને પરિવાર અમૃતસરથી રોડ માર્ગે ગયો. જોકે, ટ્રેન વિશે કોઈ અપડેટ નથી. 

વળતર ન મળ્યું હોવાનો ખેડૂતોનો આક્ષેપ

ખેડૂતોનું કહેવું છે કે પૂર અને વરસાદના કારણે પાકને મોટું નુકસાન થયું છે. ઘણા ખેડૂતોના નુકસાનનો ન તો સર્વે થયો છે કે ન તો તેમને વળતર મળ્યું છે અને જેમને વળતર મળ્યું છે તે બહુ ઓછું છે. ખેડૂત સંગઠનોનું કહેવું છે કે ખેડૂતોને ઓછામાં ઓછા 50 હજાર રૂપિયા પ્રતિ એકર વળતર મળવું જોઈએ. આ ઉપરાંત કેન્દ્ર સરકારે પણ પૂરથી થયેલા નુકસાન માટે પંજાબને 50 હજાર કરોડ રૂપિયા આપવા જોઈએ.

ખેડૂતો અને મજૂરોનું સંપૂર્ણ દેવું માફ કરવાની માંગ કરી રહ્યા છે, અને હવે રદ કરાયેલા ત્રણ કાયદા સામે આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા દરેક ખેડૂતના પરિવારને વળતર તરીકે ₹ 10 લાખ અને સરકારી નોકરીની માંગ કરી રહ્યા છે.