શિક્ષિકાએ વિદ્યાર્થીને વર્ગના અન્ય વિદ્યાર્થીઓના હાથે માર ખવડાવ્યો, રાહુલ ગાંધીએ આ ઘટનાને ગણાવી ભાજપે ફેલાવેલા કેરોસિનની આગ 

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પ્રાઈવેટ શાળાની શિક્ષિકા એક વિદ્યાર્થીને વર્ગના અન્ય વિદ્યાર્થીઓના હાથે માર ખવડાવે છે અને તે સમયે તેના બાજુમાં એક વ્યક્તિ પણ બેઠી હોય છે. વીડિયોમાં શિક્ષિકા તે વ્યક્તિ સમક્ષ ધર્મ વિશેષની મહિલાઓ અંગે ટિપ્પણી કરતી પણ સાંભળવા મળે છે. આ વીડિયો […]

Share:

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પ્રાઈવેટ શાળાની શિક્ષિકા એક વિદ્યાર્થીને વર્ગના અન્ય વિદ્યાર્થીઓના હાથે માર ખવડાવે છે અને તે સમયે તેના બાજુમાં એક વ્યક્તિ પણ બેઠી હોય છે. વીડિયોમાં શિક્ષિકા તે વ્યક્તિ સમક્ષ ધર્મ વિશેષની મહિલાઓ અંગે ટિપ્પણી કરતી પણ સાંભળવા મળે છે. આ વીડિયો વાયરલ થયા બાદ મુઝફ્ફરનગર પોલીસે આ ઘટના મામલે તપાસ શરૂ કરી છે. 

રાહુલ ગાંધીએ ભાજપ પર સાધ્યું નિશાન

આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પોતાની પ્રતિક્રિયા જાહેર કરીને ભાજપ પર નિશાન સાધ્યું છે. મુઝફ્ફરનગરના ખુબ્બાપુરમાં આવેલી નેહા પબ્લિક સ્કૂલમાં તૃપ્તા ત્યાગી નામની શિક્ષિકા ક્લાસના વિદ્યાર્થીઓને તેમના સહપાઠી એવા 8 વર્ષીય મુસ્લિમ વિદ્યાર્થીને થપ્પડ મારવા પ્રોત્સાહિત કરતી જણાય છે. 

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર આ ઘટના અંગેની પ્રતિક્રિયા આપતા લખ્યું હતું કે, “માસૂમ બાળકોના મનમાં ભેદભાવનું ઝેર ઘોળવાનું અને શાળા જેવા પવિત્ર સ્થળને નફરતનું બજાર બનાવવાનું-એક શિક્ષક દેશ માટે આનાથી ખરાબ કશું ન કરી શકે. આ ભાજપ દ્વારા ફેલાવવામાં આવેલું એ જ કેરોસિન છે જેણે ભારતના દરેક ખૂણે આગ લગાવેલી છે.” રાહુલ ગાંધીએ વધુમાં લખ્યું હતું કે, આ બાળકો ભારતનું ભવિષ્ય છે. તેમને નફરત નહીં પણ આપણે સૌએ મળીને પ્રેમ શીખવવાનો છે. 

પ્રિયંકા ગાંધીએ નફરત મુદ્દે આપ્યો ખાસ મેસેજ

કોંગ્રેસી નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ આ ઘટના મામલે પોતાની પ્રતિક્રિયા દર્શાવી હતી. તેમણે લખ્યું હતું કે, “આપણે આપણી ભાવિ પેઢીને કેવો વર્ગખંડ, કેવો સમાજ આપવા ઈચ્છીએ છીએ? જ્યાં ચંદ્ર પર જવા માટેની ટેક્નોલોજીની વાત થાય એ કે જ્યાં નફરતની દીવાલ ઉભી કરવાની વાત થાય એ. વિકલ્પ એકદમ સ્પષ્ટ છે. નફરત એ પ્રગતિનો સૌથી મોટો દુશ્મન છે. આપણે એકજૂથ બની આ નફરત સામે અવાજ કરવો પડશે- આપણાં દેશ માટે, પ્રગતિ માટે, ભાવિ પેઢી માટે.”

રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે આપ્યો કાર્યવાહીનો આદેશ 

રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ પ્રિયંકા કાનૂનગોએ આ મામલે કાર્યવાહીનો આદેશ આપીને સૌને બાળકનો વીડિયો શેર ન કરવા સલાહ આપી છે. તેમણે ઈમેઈલ દ્વારા આવી ઘટનાઓની જાણકારી આપીને બાળકોની ઓળખ જાહેર કરવાના ગુનાના ભાગીદાર ન બનવા કહ્યું હતું. 

મુઝફ્ફરનગરના એસપી સત્યનારાયણે ખુબ્બાપુરની પ્રાઈવેટ શાળામાં શિક્ષિકાએ ઘડિયા યાદ કરીને ન આવનારા વિદ્યાર્થીને તેના સહપાઠીઓ દ્વારા થપ્પડ મરાવી હોવાની ઘટનાની તપાસ અંગે માહિતી આપી હતી. સાથે જ વીડિયો બનાવનાર વ્યક્તિએ શિક્ષિકાની આપત્તિજનક ટિપ્પણીની પુષ્ટી કરી હોવાનું પણ જણાવ્યું હતું.