રાહુલ નવીનને EDના કાર્યકારી નિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

કેન્દ્ર સરકારે શુક્રવારે સ્પેશિયલ ડાયરેક્ટર રાહુલ નવીનને (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) EDના કાર્યકારી નિર્દેશક તરીકે નિયુક્ત કર્યા છે. રાહુલ નવીનની નિમણૂક જ્યાં સુધી નિયમિત ડિરેક્ટરની નિમણૂક ન થાય અથવા આદેશ ન આપવમાં આવે ત્યાં સુધી કરવામાં આવી છે. રાહુલ નવીને સંજય કુમાર મિશ્રાની જગ્યા લીધી જેમણે શુક્રવારે રાજીનામું આપ્યું હતું, જે તેમના કાર્યકાળ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા […]

Share:

કેન્દ્ર સરકારે શુક્રવારે સ્પેશિયલ ડાયરેક્ટર રાહુલ નવીનને (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) EDના કાર્યકારી નિર્દેશક તરીકે નિયુક્ત કર્યા છે. રાહુલ નવીનની નિમણૂક જ્યાં સુધી નિયમિત ડિરેક્ટરની નિમણૂક ન થાય અથવા આદેશ ન આપવમાં આવે ત્યાં સુધી કરવામાં આવી છે. રાહુલ નવીને સંજય કુમાર મિશ્રાની જગ્યા લીધી જેમણે શુક્રવારે રાજીનામું આપ્યું હતું, જે તેમના કાર્યકાળ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત સમયમર્યાદા હતી.

1993 બેચના IRS અધિકારી રાહુલ નવીન આગળના આદેશો સુધી EDના કાર્યકારી નિર્દેશક છે. તેમની નિમણૂક સાથે, રાહુલ નવીન કેન્દ્રીય તપાસ એજન્સીના સૌથી વરિષ્ઠ અધિકારી બની ગયા છે. આ પહેલા રાહુલ નવીન ED હેડક્વાર્ટરના ચીફ વિજિલન્સ ઓફિસર તરીકે પણ કામ કરી ચૂક્યા છે.  

બિહારના રહેવાસી રાહુલ નવીન પોતાના કાર્યદક્ષ અને શાંત સ્વભાવ માટે જાણીતા છે. તપાસ એજન્સીમાં તેમના વિશે એવું કહેવામાં આવે છે કે રાહુલ નવીન બહુ ઓછું બોલે છે પરંતુ તેની કલમ ઘણી ચાલે છે. રાહુલ નવીન કાયદાકીય રીતે કામ કરે છે. 

સંજય કુમાર મિશ્રા લગભગ 4 વર્ષ 10 મહિના સુધી ED ડાયરેક્ટર હતા. સંજય કુમાર મિશ્રા ગયા વર્ષે 18 નવેમ્બરે નિવૃત્ત થવાના હતા. કેન્દ્ર એ એક વટહુકમ દ્વારા ત્રીજી વખત તેમનો કાર્યકાળ લંબાવ્યો હતો, જ્યારે સુપ્રીમ કોર્ટે પહેલાં જ કહ્યું હતું કે સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ બીજી વખત લંબાવવો જોઈએ નહીં. સુપ્રીમ કોર્ટના આદેશ છતાં સંજય કુમાર મિશ્રા 31 જુલાઈ સુધી પદ પર હતા. આ સમયગાળા દરમિયાન જ સરકારે નવા વડાની નિમણૂક કરવી પડી હતી.

26 જુલાઈના રોજ કેન્દ્ર સરકારે સંજય કુમાર મિશ્રાના કાર્યકાળને લંબાવવાની માગ સાથે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. કેન્દ્રએ કહ્યું હતું કે ફાઈનાન્શિયલ એક્શન ટાસ્કફોર્સની સમીક્ષા ચાલી રહી છે, તેથી સંજય મિશ્રાને 15 ઓક્ટોબર સુધી પદ પર રહેવાની મંજૂરી આપવી જોઈએ.

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે સંજય કુમાર મિશ્રાની જગ્યાએ હજુ સુધી કોઈ અન્ય અધિકારી મળ્યો નથી. કાયદા અમલીકરણ એજન્સીએ મની લોન્ડરિંગના વિવિધ કેસોનો પર્દાફાશ કર્યો છે અને કથિત નાણાકીય ગુનાઓમાં ઘણા રાજકારણીઓ જેલમાં બંધ છે. આવી સ્થિતિમાં નવી નિમણૂક માટે હજુ થોડો સમય જોઈએ છે.

સરકારની આ દલીલના જવાબમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે લોકો અને દેશના હિતને ધ્યાનમાં રાખીને અમે સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ વધારી રહ્યા છીએ, પરંતુ 15 સપ્ટેમ્બરની મધ્યરાત્રિ પછી સંજય કુમાર મિશ્રા આ પદ સંભાળશે નહીં. જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંજય કરોલની બેન્ચે કહ્યું હતું કે અમારી સામે એવું રજૂ કરવામાં આવી રહ્યું છે કે સંજય કુમાર મિશ્રા સિવાય આખો વિભાગ અસમર્થ લોકોથી ભરેલો છે.