રાજકોટના દંપત્તિની આત્મહત્યા, અંધશ્રદ્ધાળુ કે મેલી વિદ્યા..! ઘેરાતું રહસ્ય

રાજકોટ: વિંછીયા તાલુકાના વિંછીયા ગામમાં રવિવારે 38 વર્ષીય ખેડૂત અને તેની પત્નીએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવવાનો સૌથી ભયાનક રસ્તો અપનાવ્યો. આ અંગે પોલીસે જણાવ્યું કે દંપત્તિની આત્મહત્યા કોઈ અંધશ્રદ્ધાળુ કે કાળી વિદ્યાની ધાર્મિક વિધિનો ભાગ છે કે કેમ તે હજુ સુધી જાણી શકાયું નથી. ઘટનાસ્થળેથી પોલીસને બંને મૃતકના અંગૂઠાની છાપ સાથે ગુજરાતીમાં એક હસ્તલિખિત સુસાઇટ […]

Share:

રાજકોટ: વિંછીયા તાલુકાના વિંછીયા ગામમાં રવિવારે 38 વર્ષીય ખેડૂત અને તેની પત્નીએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવવાનો સૌથી ભયાનક રસ્તો અપનાવ્યો. આ અંગે પોલીસે જણાવ્યું કે દંપત્તિની આત્મહત્યા કોઈ અંધશ્રદ્ધાળુ કે કાળી વિદ્યાની ધાર્મિક વિધિનો ભાગ છે કે કેમ તે હજુ સુધી જાણી શકાયું નથી.

ઘટનાસ્થળેથી પોલીસને બંને મૃતકના અંગૂઠાની છાપ સાથે ગુજરાતીમાં એક હસ્તલિખિત સુસાઇટ નોટ મળી છે. જેમાં લખ્યું કે, અમે સ્વેચ્છાએ અમારી હત્યા કરી છે અને કોઈને દોષી ઠેરવવામાં આવશે નહીં.

આ ઘટનામાં મૃતકોની ઓળખ હેમુ મકવાણા અને તેની પત્ની હંસા મકવાણા (35) તરીકે થઈ છે. રવિવારે સવારે જ્યારે નજીકમાં મામાના ઘરેથી પોતાના ઘરે પરત આવ્યા ત્યારે 13 વર્ષની ઉંમરનો પુત્ર અને 12 વર્ષની પુત્રીએ પોતાના ખેતરમાં ધડથી અલગ કરાયેલા પોતાના માતા-પિતાના મૃતદેહો મળી આવ્યા. વિંછીયા પોલીસ સબ ઈન્સ્પેક્ટર ઈન્દ્રજીતસિંહ જાડેજાએ કહ્યું કે, મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવાયા છે. દંપત્તિએ પોતાનું જીવન ટૂંકાવવા માટે લોખંડના પતરા જેવા હથિયારનો સહારો લીધો હતો. એવું માનવામાં આવે છે કે દંપત્તિએ લોખંડની બ્લેડને જાતે ખેંચી અને એવી રીતે છોડી દીધી કે માથુ ધડથી અલગ થઇને હવન કુંડમાં પડી ગયું હતું. પત્ની માથું હવન કુંડ પડ્યું, જ્યારે પતિનું માથુ કુંડની નજીક પડ્યું હતું.

આત્મહત્યા કરવા જૂના જમાનાનો માંચડો તૈયાર કર્યો

સમગ્ર ઘટનામાં રાજા-મહારાજા અને અંગ્રેજો વખતે અપાતી મૃત્યુદંડની સજા માટે વપરાતા માંચડામાં જેવો માંચડો તૈયાર કરાયો હતો. જ્યાં પતિ-પત્ની હવનકુંડની બાજુમાં સુઈ ગયા હતા. માંચડામાં ભારે લોખંડનું ધારદાર પતરૂ બાંધેલું હતું. જે બે પાઈપના સહારે ઉપર ચડાવ્યું હતું. ત્યારબાદ તેને એક દોરી બાંધી હતી. જે દોરી છૂટી મૂકીને પતરૂ ઉંચેથી પટક્યું હતું. જેમાં દંપત્તિના મસ્તક કપાઈ ગયા હતા.

દંપત્તિએ મંદિર બનાવીને પૂજા કરી હતી

પોલીસના જણાવ્યા અનુસાર, છેલ્લા એક વર્ષમાં દંપત્તિએ અનાજ ભરવા માટે વપરાતી પ્લાસ્ટિકની થેલીઓ વડે એક અસ્થાયી મંદિર બનાવ્યું હતું. જેમાં ભગવાન શિવનો એક ફોટો પણ મૂક્યો હતો અને માટીમાંથી એક શિવલિંગ બનાવ્યું હતું. જેની આ દંપત્તિ પૂજા કરતા હતા.

મૃતદેહોની નજીકથી એક સુસાઇટ નોટ

ઘટનાસ્થળેથી મોબાઈલ ફોનની સાથે મૃતદેહની નજીકથી મળેલી એક સુસાઇટ નોટ મુજબ, હંસાની તબિયત સારી નહોતી. નોટમાં ખેડૂત ભારપૂર્વક કહે છે કે, મને મારા ભાઈઓ પર વિશ્વાસ છે અને સાસરિયાઓએ મને ક્યારેય કોઈ બાબત માટે ઠપકો આપ્યો નથી. મૃતક હંસાબેનના પિતરાઈ ભાઈ જયંતિ જટાપરાએ કહ્યું કે, દંપત્તિને કોઈ આર્થિક સમસ્યાનો સામનો કરવો પડ્યો હોય એવું પણ નથી. બંને વચ્ચે ક્યારેક કોઈ પારિવારિક વિવાદ પણ થયો નથી.