અંગદાન મહાદાન: રાજકોટમાં પહેલીવાર હૃદય, બે કિડની અને બન્ને ફેફસાનું દાન કરાયું

રાજકોટના 28 વર્ષીય બ્રેઈનડેડ યુવકના હૃદય, લિવર, બંને કિડની અને ફેફસાં સહિત 5 મહત્વપૂર્ણ અંગોનું દાન કરાયું છે. રાજકોટમાં અંગદાનની આ બીજી ઘટના છે, જ્યારે એક વ્યક્તિના મૃત શરીરના તમામ અંગો મૃત થાય એ પહેલા સફળતાપૂર્વક દેશની અન્ય હોસ્પિટલોમાં મોકલવામાં આવ્યાં છે. જેમાં પણ ખાસ કરીને ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા હૃદય અને ફેફસાં સહિતના અંગેના પરિવહન […]

Share:

રાજકોટના 28 વર્ષીય બ્રેઈનડેડ યુવકના હૃદય, લિવર, બંને કિડની અને ફેફસાં સહિત 5 મહત્વપૂર્ણ અંગોનું દાન કરાયું છે. રાજકોટમાં અંગદાનની આ બીજી ઘટના છે, જ્યારે એક વ્યક્તિના મૃત શરીરના તમામ અંગો મૃત થાય એ પહેલા સફળતાપૂર્વક દેશની અન્ય હોસ્પિટલોમાં મોકલવામાં આવ્યાં છે. જેમાં પણ ખાસ કરીને ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા હૃદય અને ફેફસાં સહિતના અંગેના પરિવહન માટે ગ્રીન કોરિડોર બનાવાયો હતો.

બ્રેઈન ડેડ નૈતિકના પરિવારે અંગદાન કર્યુ

ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના જણાવ્યા મુજબ, અંગદાતા નૈતિક જાજલ 29 માર્ચે જામનગર રોડ પર તેના મિત્રો સાથે બહાર જતા સમયે અકસ્માતનો ભોગ બન્યો હતો. નૈતિકે હેલ્મેટ પહેર્યું ન હતું. જેથી અકસ્માત દરમિયાન માથામાં ગંભીર ઈજા થઈ હતી. નૈતિકને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાંથી તેને ગોકુલની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

તબીબોએ વિવિધ રિપોર્ટ અને સારવાર કર્યા બાદ નૈતિકને બ્રેઈન ડેડ જાહેર કર્યો હતો. જેથી પરિવારજનો ભાંગી પડ્યા હતા. દુ:ખની આ ઘડીમાં પણ હિંમત હાર્યા વગર નૈતિકના માતા-પિતા અને પરિવારજનોએ નૈતિકના તમામ અંગોનું દાન કરવા માટે તૈયારી દર્શાવી હતી. જેને લઈ રાજકોટમાં અંગદાન મહાદાનની વધુ એક ઘટના બની હતી. જેમાં સૌપ્રથમ વખત હૃદય, બે કિડની અને બન્ને ફેફસાનું દાન થયું હતું.

ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સભ્યો પૈકી ડો. દિવ્યેશ વિરોજા, ડો. સંકલ્પ વણજારા, ડો. તેજસ કરમટાએ પરિવારને અંગોનું દાન કરવા માટે સમજાવ્યા હતાં. તબીબોની સમજાવટ બાદ પરિવારની મંજૂરીથી શસ્ત્રક્રિયાની પ્રક્રિયા શરૂ થઇ.

અમદાવાદ અને ચેન્નાઇમાં અંગો મોકલાયા

ડો વિરોજાએ જણાવ્યું કે, અમે બપોરના 3 વાગ્યાની આસપાસ અંગો માટે શસ્ત્રક્રિયાની પ્રક્રિયા શરૂ કરી અને  ત્રણ કલાકમાં આખી પ્રક્રિયા પુરી કરી. હૃદયને અમદાવાદની UN મહેતા હોસ્પિટલમાં, લીવર અને બંને કિડની IKDRC, અમદાવાદમાં મોકલી હતી. ફેફસાં માટે અમને ગુજરાતમાં જે તે બ્લડ ગ્રૂપનો અંગની જરૂરીયાતમંદ મળ્યો નહીં. જેથી અમે MG હોસ્પિટલ, ચેન્નાઈમાં મોકલ્યા હતાં.

ગ્રીન કોરિડોર થકી અંગદાન

નૈતિકના જે અંગોનું દાન કરવામાં આવ્યું છે, તે અંગો ફિટ હોવાથી ગ્રીન કોરિડોર થકી અમદાવાદ અને ચેન્નાઇ મોકલાયા હતા. નૈતિકના આ અંગોના દાનથી પાંચ લોકોને નવજીવન મળશે. નૈતિકના અંગદાન બાદ રાજકોટમાં અત્યાર સુધીમાં 104 અંગદાન થયા છે અને આ 105મું અંગદાન છે. જોકે એકસાથે લીવર, કીડની, ફેફસા અને હૃદય સહિતના અંગોનું દાન થયું હોય તેવી આ પ્રથમ ઘટના છે.