2.5 અબજ ડોલર એકઠા કરવા રિલાયન્સ રિટેલની કવાયત, ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સાથે વાતચીત

ભારતીય અબજોપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રી પોતાના બિઝનેસ પર ખાસ ધ્યાન આપી રહી છે અને છેલ્લા કેટલાક સમય દરમિયાન વેપારને આગળ વધારવા માટે અનેક આક્રમક નિર્ણયો લેવામાં આવ્યા છે. તેના અનુસંધાને રિલાયન્સ રિટેલ કંપની આ મહિનાના અંત સુધીમાં આશરે 2.5 અબજ ડોલર એકઠા કરવા ઈચ્છે છે. એક અહેવાલ પ્રમાણે રિલાયન્સ રિટેલ વેન્ચરે આ માટે વાતચીત […]

Share:

ભારતીય અબજોપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રી પોતાના બિઝનેસ પર ખાસ ધ્યાન આપી રહી છે અને છેલ્લા કેટલાક સમય દરમિયાન વેપારને આગળ વધારવા માટે અનેક આક્રમક નિર્ણયો લેવામાં આવ્યા છે. તેના અનુસંધાને રિલાયન્સ રિટેલ કંપની આ મહિનાના અંત સુધીમાં આશરે 2.5 અબજ ડોલર એકઠા કરવા ઈચ્છે છે. એક અહેવાલ પ્રમાણે રિલાયન્સ રિટેલ વેન્ચરે આ માટે વાતચીત શરૂ કરી દીધી છે અને કંપની માર્કેટમાં લિસ્ટિંગ પહેલા જ ફન્ડિંગ રાઉન્ડ પૂરો કરવા ઉત્સુક છે. 

રિલાયન્સ રિટેલ માટે 3.5 અબજ ડોલર એકઠા કરવાનું લક્ષ્ય

ભારતીય અબજોપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ શેર માર્કેટમાં સંભવિત લિસ્ટિંગ પહેલા સપ્ટેમ્બરના અંત સુધીમાં આશરે 2.5 અબજ ડોલર એકઠા કરવા માટે વૈશ્વિક રોકાણકારોના સંપર્કમાં છે. 2.5 અબજ ડોલરની રકમ એકઠી કરવાની આ યોજના સંયુક્તરૂપે 3.5 અબજ ડોલરના એ લક્ષ્યનો હિસ્સો છે જે ફર્મ દ્વારા પોતાના માટે નિર્ધારિત કરવામાં આવેલો છે. તેનો એક અબજ ડોલરનો હિસ્સો કતાર ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (QIA) પાસેથી મળ્યો હતો અને ગત મહિને જ તેની જાહેરાત કરવામાં આવી હતી. 

રિલાયન્સનો જવાબ

રિલાયન્સે ઈમેઈલના માધ્યમથી જણાવ્યું હતું કે, અમારી પોલિસી પ્રમાણે અમે મીડિયાની અટકળો અને અફવાઓનો જવાબ નથી આપતા. અમારી કંપની સમયે સમયે અવસરોનું મૂલ્યાંકન કરતી રહે છે. જોકે આ સમાચારો સાચા હોય તો રિટેલ માર્કેટમાં રિલાયન્સનું સ્થાન મજબૂત બનશે. ઉપરાંત વિદેશી રોકાણકારો માટે ભારત એક નવું સ્પોટ બનશે. 

નોંધનીય છે કે, 2020માં રિલાયન્સ રિટેલે કેકેઆર, સાઉદી પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ ફંડ, જનરલ એટલાન્ટિક અને સંયુક્ત આરબ અમીરાતના મુબાડાલા સહિતના રોકાણકારોને 10.09 ટકાનો હિસ્સો વેચીને 5.71 બિલિયન ડોલર એકઠા કર્યા હતા. 

રિલાયન્સના વર્તમાન રોકાણકારોને પણ રસ

સૂત્રોના કહેવા પ્રમાણે રિલાયન્સ ઓછામાં ઓછા 2 અમેરિકન રોકાણકારોના સંપર્કમાં છે. તે સાથે જ રિલાયન્સના વર્તમાન રોકાણકારોને પણ રસ હોવાનું કહેવામાં આવ્યું છે. કેટલાક સોવરેન વેલ્થ ફંડ પણ રિલાયન્સ રિટેલમાં રોકાણની યોજના પર કામ કરી રહ્યા છે. રિલાયન્સ ફંડ એકત્રિત કરવાની પ્રક્રિયા માટે મોર્ગન સ્ટેનલીની સલાહ લઈ રહ્યું છે. 

RRVL અને QIA વિશે

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL) સ્ટોર્સ અને ઓનલાઈન પ્લેટફોર્મ બંને પર હાજર છે. કંપનીના 18,500 સ્ટોર્સ છે. કંપની ગ્રોસરી, ઈલેક્ટ્રોનિક્સ, ફેશન, ફાર્મા અને લાઈફસ્ટાઈલના રિટેલ સેક્ટરમાં સંકળાયેલી છે. કંપની સાથે લગભગ 30 લાખ વેપારીઓ જોડાયેલા છે. એક અહેવાલ પ્રમાણે 100 સૌથી ઝડપથી વિકસતી રિટેલ કંપનીઓની યાદીમાં રિલાયન્સ રિટેલ એકમાત્ર ભારતીય કંપની છે. માર્ચ 2023માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં, RRVLનું ટર્નઓવર રૂ. 260,364 કરોડ હતું અને ચોખ્ખો નફો રૂ. 9,181 કરોડ હતો.