રિટેલ મોંઘવારી 15 મહિનાની ટોચે, ખાદ્યાન્ન ફુગાવાના પગલે RBI સતર્ક

રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીના 2 સદસ્યોએ ફુગાવો 15 મહિનાના ઉચ્ચતમ સ્તરે હોવાથી કિંમતોમાં વધારાની શક્યતાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ સાથે જ રિઝર્વ બેંકે ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો થવાથી કોઈ સમસ્યા ન આવે તેની ખાતરી કરવી જોઈએ તેમ જણાવ્યું હતું.  સેન્ટ્રલ બેંક ફુગાવાને 2થી 6 ટકાની વચ્ચે રાખવાનો લક્ષ્યાંક ધરાવે છે પરંતુ ગત […]

Share:

રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીના 2 સદસ્યોએ ફુગાવો 15 મહિનાના ઉચ્ચતમ સ્તરે હોવાથી કિંમતોમાં વધારાની શક્યતાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ સાથે જ રિઝર્વ બેંકે ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો થવાથી કોઈ સમસ્યા ન આવે તેની ખાતરી કરવી જોઈએ તેમ જણાવ્યું હતું. 

સેન્ટ્રલ બેંક ફુગાવાને 2થી 6 ટકાની વચ્ચે રાખવાનો લક્ષ્યાંક ધરાવે છે પરંતુ ગત મહિને કન્ઝ્યુમર પ્રાઈઝ ઈન્ડેક્સમાં 7.44 ટકાનો વધારો નોંધાયો હતો. પાક ઉત્પાદનને અસર કરતા પ્રતિકૂળ હવામાનના લીધે પુરવઠાની અછતની ચિંતાના કારણે ખાદ્યપદાર્થોનો ભાવ જે CPIમાં લગભગ અડધો હિસ્સો ધરાવે છે તે 11.51 ટકા ઉછળ્યો હતો. 

ખાદ્યાન ફુગાવાને કાબૂમાં લેવા સરકારના પગલાં

રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીના સદસ્ય શશાંક ભિડેએ વર્તમાન સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે ખાદ્યાન્ન ફુગાવાને કાબૂમાં લેવામાં આવે તેને મહત્વનું ગણાવ્યું હતું. આ સાથે જ સ્થાનિક બજારોમાં અને સામાજીક સુરક્ષા કાર્યક્રમોમાં પુરવઠો વધારવાની ખાતરી કરવાની જરૂર હોવાનો ઉલ્લેખ કર્યો હતો. 

આ સાથે જ ફુગાવાને કાબૂમાં લેવા માટે સરકારે ચોખા અને ખાંડની નિકાસ પર અંકુશ મુકી સ્થાનિક પુરવઠો સુનિશ્ચિત કરવાની સાથે જ ડુંગળીના શિપમેન્ટ પર ભારે કર લાદ્યો હોવાનું જણાવ્યું હતું. વધુમાં ભાવવધારાને નીચો લાવવા માટે સરકારે નેપાળમાંથી ટામેટાની આયાતને મંજૂરી આપી હોવાનું જણાવ્યું હતું.  

રિઝર્વ બેન્કે સતત ત્રીજી દ્વિમાસિક બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર નહોતો કર્યો. RBIની મોનેટરી પોલિસી કમિટીની 8-10 ઓગસ્ટ વચ્ચે યોજાયેલી બેઠકમાં રેપો રેટને 6.5 ટકા પર જાળવી રાખવાનો નિર્ણય લેવાયો હતો. 

મોંઘવારીમાંથી રાહત મળશે

RBIના ગવર્નરે એક કાર્યક્રમ દરમિયાન સરકારે યોગ્ય સમયે હસ્તક્ષેપ કર્યો હોવાનું જણાવ્યું હતું. જેના લીધે દેશમાં અનાજની કોઈ તંગી નથી અને યોગ્ય પુરવઠાના લીધે કિંમતો અંકુશમાં રાખવામાં મદદ મળી છે. વધુમાં તેમણે ફુગાવાનો દર હજુ પણ અપેક્ષા કરતા વધારે છે પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી આગામી દિવસોમાં ફુગાવામાં રાહત મળશે તેવા સંકેતો દેખાઈ રહ્યા છે તેમ પણ કહ્યુ હતું. 

RBI જરૂરી પગલાં લેશે

RBI ગવર્નરને આશા છે કે શાકભાજીના ભાવમાં ઘટાડા પછી આગામી સમયમાં છૂટક ફુગાવાના દરમાં જબરદસ્ત ઘટાડો નોંધાઈ શકે છે અને ત્રીજા ક્વાર્ટર સુધીમાં તે ઘટીને 5.7 ટકા થવાની ધારણા છે. નાણાકીય વર્ષ 2024માં ફુગાવાનો દર 5.4 ટકા રહેવાની ધારણા છે. આ સાથે શક્તિકાંત દાસે એમ પણ કહ્યું હતું કે સપ્ટેમ્બર 2022થી RBIએ ફુગાવા પર ચાંપતી નજર રાખી છે અને આવનારા સમયમાં પરિસ્થિતિઓ અનુસાર પગલાં લેશે.